પ્રખ્યાત અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથ કહે છે કે એક જ ઝટકામાં અમેરિકાના શેરબજારમાંથી ૩૫ ટ્રિલિયન ડોલરનો નાશ થઈ શકે છે. તેમનું કહેવું છે કે આ રકમ ૨૦૦૦ ના ડોટ-કોમ ફુગ્ગાના ફાટવા કરતાં પણ વધુ ખતરનાક હોઈ શકે છે. આ રકમ અમેરિકાના કુલ GDP કરતાં પણ વધુ છે. ગીતા ગોપીનાથના મતે આ વિસ્ફોટનાં પરિણામો ઘાતક હશે અને સમગ્ર વિશ્વમાં અનુભવાશે. ભારતીય મૂળનાં ગીતા ગોપીનાથ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર રહી ચૂક્યાં છે.
ધ ઇકોનોમિસ્ટ મેગેઝિનમાં પ્રકાશિત એક લેખમાં તેમણે જણાવ્યું હતું કે અમેરિકાના શેરબજાર પર વિશ્વની નિર્ભરતા ઐતિહાસિક સ્તરે પહોંચી ગઈ છે. જો ભવિષ્યમાં અમેરિકાના શેરબજારમાં કડાકો થશે તો તેની અસર પહેલાં કરતાં વધુ ગંભીર અને વૈશ્વિક હશે. તેમણે જણાવ્યું હતું કે આ આંચકો ડોટ-કોમ ધબડકા કરતાં પણ મોટો સાબિત થઈ શકે છે. વર્તમાન પરિસ્થિતિમાં વાસ્તવિક સમસ્યા અસંતુલિત વેપાર નથી પરંતુ અસંતુલિત વૃદ્ધિ છે. તેમના મતે ફક્ત અમેરિકામાં જ નહીં પરંતુ બાકીના વિશ્વમાં પણ AI કંપનીના શેરોમાં ઉચ્ચ વૃદ્ધિના પ્રમાણમાં સારા વળતરની જરૂર છે.
૧૯૯૦ ના દાયકાના અંતમાં અને ૨૦૦૦ ના દાયકાની શરૂઆતમાં ઇન્ટરનેટના ઝડપી પ્રસારને કારણે ડોટ-કોમ બબલ બન્યો હતો. તે સમયે નફા કે મજબૂત વ્યાવસાયિક મોડેલનો અભાવ હોવા છતાં ઘણી ઇન્ટરનેટ-આધારિત કંપનીઓના શેરના ભાવ આસમાને પહોંચ્યા હતા. ૨૦૦૦ માં આ ફુગ્ગો ફાટ્યો હતો, જેના કારણે બજારમાં મોટો કડાકો થયો હતો અને અબજો ડોલરનું મૂલ્ય ધોવાઈ ગયું. IMFના રિપોર્ટ અનુસાર અમેરિકાના ઇક્વિટી બજારો તેમના વૈશ્વિક સમકક્ષો કરતાં ૪૬ ટકા પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. આ સ્તરને મૂળભૂત રીતે બિનટકાઉ માનવામાં આવે છે. ટૂંકા ઘટાડા પછી જોખમી સંપત્તિઓનું મૂલ્યાંકન ફરીથી ખૂબ ઊંચા સ્તરે પહોંચી ગયું છે.
અમેરિકાનો ડોલર અત્યાર સુધીમાં ૧૦ ટકા નબળો પડી ગયો છે અને તેના દેવાંનો બોજ વિશ્વભરની સરકારો પર જઈ રહ્યો છે. IMF ચેતવણી આપે છે કે રોકાણકારો વધતાં જોખમો અંગે આત્મસંતુષ્ટ થઈ ગયાં છે, જ્યારે શેરોના ભાવો તેમના આંતરિક મૂલ્યથી ઘણા ઉપર છે. વિશ્વભરમાં સેમી-કન્ડક્ટર એટલે કે ચિપ કંપનીઓના રોકાણકારોએ ઊંચા મૂલ્યાંકન સંબંધિત ચિંતાઓ પર નફો બુક કરવાનું શરૂ કર્યું ત્યારે અંધાધૂંધી સર્જાઈ છે. અમેરિકાથી એશિયન બજારોમાં વેચાણ દરમિયાન રોકાણકારોએ ૪૪.૪ લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. અમેરિકન બજાર અને એશિયન બજારોમાં અંધાધૂંધી વચ્ચે રોકાણકારોએ ઊંચા મૂલ્યાંકનની ચિંતાઓ પર ઝડપથી નફો બુક કર્યો, જેના કારણે કંપનીઓનું માર્કેટ કેપ ૫૦ હજાર કરોડ ડોલરથી વધુ ઘટ્યું છે.
વિશ્વની સૌથી મોટી ચિપ મેન્યુફેક્ચરિંગ કંપની TSMC નું ૩ ટકાથી વધુ ઘટ્યું છે. તે તાઇવાનની સેમિકન્ડક્ટર કંપની છે.ચિપ કંપનીઓ પર વેચાણ દબાણ અને ફિલાડેલ્ફિયા સેમિકન્ડક્ટર ઇન્ડેક્સમાં વેચવાલીના કારણે ચિપ કંપનીઓનું વૈશ્વિક માર્કેટ કેપ ૫૦૦ અબજ ડોલરથી વધુ ઘટ્યું છે, જે ૩૦ સૌથી મોટી અમેરિકન ચિપ ઉત્પાદન કરતી કંપનીઓની અસ્થિરતાનું માપદંડ છે.
એશિયન બજારો પૈકી દક્ષિણ કોરિયામાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. ૫ નવેમ્બરના રોજ તેના ઇક્વિટી બેન્ચમાર્ક KOSPI માં ૩ ટકાથી વધુનો ઘટાડો થયો છે. પ્રોફિટ-બુકિંગથી સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ અને SK હાયનિક્સ પર દબાણ આવ્યું, જે દરેક ૬ ટકાથી વધુ ઘટ્યા છે. આ વર્ષે તેમના શેરમાં મજબૂત વધારો જોવા મળ્યો છે, જેમાં સેમસંગ ઇલેક્ટ્રોનિક્સે ૮૦ ટકા અને SK હાયનિક્સે ૨૦૦ ટકાથી વધુનો વધારો કર્યો છે. જાપાનમાં એડવાન્ટેસ્ટ કોર્પના શેર ૧૦ ટકાથી વધુ ઘટ્યા છે, જેના કારણે નિક્કી ૨૨૫ બેન્ચમાર્ક ઇન્ડેક્સ ૩ ટકાથી વધુ ઘટ્યો હતો.
AI-સંબંધિત કંપનીઓના શેરમાં તેજીને કારણે અમેરિકન બજાર અને કેટલાક એશિયન ઇક્વિટી બજાર સૂચકાંકો નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. ઊંચા મૂલ્યાંકન અને લાંબા સમય સુધી ઊંચા વ્યાજ દરો અંગેની ચિંતાઓને અવગણીને આ શેરોએ મજબૂત પ્રદર્શન કર્યું હતું. મંગળવારે અમેરિકાના બજારમાં પેલાન્ટિરમાં અંધાધૂંધ વેચવાલીથી શરૂ થઈ હતી, જ્યાં મજબૂત કમાણીના આંકડા હોવા છતાં તેના શેર ૮ ટકાથી વધુ ઘટ્યા હતા.
આ વર્ષે તે ૧૭૫ ટકાથી વધુ વધ્યો છે અને તેની કિંમત એક વર્ષની આગળની કમાણીના ૮૦ ગણાથી વધુ છે, જે તેને S&P 500 માં સૌથી મોંઘો સ્ટોક બનાવે છે. ચિપ જાયન્ટ Nvidia ના હરીફ AMD માટે નબળા દેખાવથી રોકાણકારો નિરાશ થયા હતા.પેપર સ્ટોન ગ્રુપના રિસર્ચ હેડ ક્રિસ વેસ્ટન કહે છે કે વૈશ્વિક બજારમાં ગભરાટ ચાલુ રહી શકે છે. તેમનું માનવું છે કે હાલમાં ખરીદી કરવાનું કોઈ કારણ નથી.
એબરડીન ઇન્વેસ્ટમેન્ટ્સના ફંડ મેનેજર ઝિન-યાઓ એનજી કહે છે કે આ એક જરૂરી અને સ્વસ્થ કરેક્શન છે. તેમનું માનવું છે કે એક AI ફુગ્ગો છે, જે હાલમાં ફૂટતો નથી લાગતો, પરંતુ જો કેટલાક AI શેરોનું વેચાણ ચાલુ રહેશે, તો તેને ફૂટવામાં લાંબો સમય લાગશે નહીં.આ આપત્તિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ફુગ્ગાના ફાટવાથી આવી શકે છે. ચાર વૈશ્વિક નેતાઓએ આ અંગે ચેતવણી આપી છે અને કહ્યું છે કે નજીકના ભવિષ્યમાં AI નો ફુગ્ગો ફાટે તો બધું બદલાઈ શકે છે.
AI એ મુખ્ય ટેક કંપનીઓના શેરમાં ભારે ઉછાળો લાવ્યો છે. આ ઉછાળાએ અભૂતપૂર્વ બજાર કેન્દ્રીકરણ બનાવ્યું છે. પાંચ સૌથી મોટી અમેરિકન ટેક કંપનીઓનું સંયુક્ત બજારની મૂડી હવે EURO STOXX 50 માં જાહેરમાં લિસ્ટેડ કંપનીઓ બ્રિટન, ભારત, જાપાન અને કેનેડાના સંયુક્ત બજારની મૂડી કરતાં વધી ગઈ છે. વધુમાં, ૧૦ સૌથી મોટા અમેરિકન શેર, જેમાંથી આઠ સીધા ટેકનોલોજી સાથે સંબંધિત છે, વૈશ્વિક ઇક્વિટી બજાર મૂલ્યના લગભગ પા ભાગનો હિસ્સો ધરાવે છે.
આ રકમ ૨૫ ટ્રિલિયન ડોલર જેટલી મોટી છે.JPMorgan ના CEO જેમી ડિમોને તાજેતરમાં જણાવ્યું હતું કે તેઓ આ પરિસ્થિતિ અંગે ખૂબ જ ચિંતિત છે. અમેરિકાની સૌથી મોટી બેંકના વડાએ ચેતવણી આપી હતી કે આગામી છ મહિનાથી બે વર્ષમાં શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. તેમણે આના માટે ઘણાં કારણો ટાંક્યાં, જેમાં ભૂ-રાજકીય વાતાવરણ, સરકારી ખર્ચ અને વિશ્વનું શસ્ત્રો તરફ પાછા ફરવું સામેલ છે.
ગોલ્ડમેન સૅક્સના સીઈઓ ડેવિડ સોલોમને પણ આવી જ ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે આગામી એક કે બે વર્ષમાં શેરબજારોમાં ઘટાડો થવાનો છે. તેમણે સમજાવ્યું હતું કે AI માટેના ક્રેઝે શેરબજારોને રેકોર્ડ ઊંચાઈએ પહોંચાડ્યા હતા, પરંતુ હવે તે ઘટી શકે છે.સોલોમને ૧૯૯૦ ના દાયકાના અંતમાં અને ૨૦૦૦ ના દાયકાની શરૂઆતમાં ઇન્ટરનેટના વ્યાપક વધારાનું ઉદાહરણ આપ્યું. તે સમયે, વિશ્વની ઘણી મોટી કંપનીઓ બનાવવામાં આવી હતી, પરંતુ રોકાણકારોએ પણ ડોટ-કોમ બબલ તરીકે ઓળખાતા આ બબલમાં નામાંકિત કંપનીના શેરોમાં રોકાણ કરીને તેમના ઘણા પૈસા ગુમાવ્યા હતા.
બેંક ઓફ ઈંગ્લેન્ડે પણ બજારમાં મંદીની સંભાવના અંગે ચિંતા વ્યક્ત કરી છે. બેંક ઓફ ઈંગ્લેન્ડે ચેતવણી આપી છે કે AI શેરોમાં ઘટાડો જોવા મળી શકે છે, જે બજારમાં આંચકાનાં મોજાં મોકલી શકે છે.બજારમાં તીવ્ર ઘટાડાનું જોખમ વધી ગયું છે. ખાસ કરીને AI-કેન્દ્રિત ટેક કંપનીઓ માટે શેરબજારના મૂલ્યાંકન અતિશય વધુ પડતાં લાગે છે.એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે પણ આ મુદ્દા પર ભાર મૂક્યો છે અને AI ને ઔદ્યોગિક પરપોટો ગણાવ્યો છે.ટેકનોલોજી ક્ષેત્રમાં વર્તમાન મૂલ્યાંકન ડોટ-કોમ યુગ દરમિયાન જોવા મળતાં સ્તરની નજીક પહોંચી રહ્યું છે.
જો રોકડ પ્રવાહ અપેક્ષાઓ કરતાં ઓછો રહે તો ભૂલ સુધારવા માટે બહુ ઓછી જગ્યા રહે છે.કેટલીક અનિશ્ચિતતાઓ મધ્યમ ગાળાના વળતર અને વૃદ્ધિને અસર કરી શકે છે. આમાં મૂડીરોકાણ પર અસ્પષ્ટ વળતર, ડેટા સેન્ટરો માટે ઊર્જા પુરવઠાની મર્યાદાઓ અને વધતી જતી વૈશ્વિક સ્પર્ધાનો સમાવેશ થાય છે.આ પરિસ્થિતિ રોકાણકારોને આશ્ચર્યચકિત કરી રહી છે કે શું આ AI ક્રેઝ એક મોટા પરપોટાનો સંકેત છે. જેમ ડોટ-કોમ પરપોટા દરમિયાન થયું હતું, જ્યાં કંપનીઓનું મૂલ્યાંકન તેમના વાસ્તવિક પ્રદર્શન કરતાં ઘણું વધારે હતું. તેવી જ રીતે AI કંપનીઓ સાથે પણ થઈ શકે છે. રોકાણકારો જો આ પરિસ્થિતિમાં સાવધ નહીં રહે તો તેમને દેવાળું ફૂંકવાની નોબત આવશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.