વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના ભાગ્યવિધાતા બન્યા તે પછી ભાજપમાં રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે બિનલોકપ્રિય નેતાને ઠોકી બેસાડવાની પરંપરા ચાલુ થઈ છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાની સરકાર બની ત્યારે સ્થાનિક લોકાધાર ન ધરાવતા દેવેન્દ્ર ફડનવિસને મુખ્ય પ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
તેવી જ રીતે હરિયાણામાં જાટ નેતાને મુખ્ય પ્રધાન બનાવવાની પરંપરાનો ત્યાગ કરીને મનહરલાલ ખટ્ટરને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. ગુજરાતમાં વગદાર પાટીદાર નેતા નીતિન પટેલ મુખ્ય પ્રધાનનો તાજ પહેરવા થનગની રહ્યા હતા ત્યારે જૈન ધર્મ પાળતા વિજય રૂપાણીના માથે કાંટાળો તાજ પહેરાવી દેવામાં આવ્યો હતો.
તેવી જ રીતે ૨૦૧૭ માં ઉત્તરાખંડમાં ભાજપનો વિજય થયો ત્યારે મુખ્ય પ્રધાન બનવા આતુર દિગ્ગજ નેતાઓની ઉપેક્ષા કરીને ત્રિવેન્દ્રસિંહ રાવતને ઉપરથી ઠોકી બેસાડવામાં આવ્યા હતા. આ સરકાર તા. ૧૮ માર્ચે ચાર વર્ષની ઉજવણી કરવાની તૈયારી કરી રહી હતી તે ટાંકણે જે ત્રિવેન્દ્રસિંહ રાવતને રાજીનામું આપવાની ફરજ પડી તેને કારણે સ્થાનિક નેતાઓનો અવાજ મજબૂત થયો છે.
નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા તે પછી પહેલી વખત ભાજપને અધવચ્ચે પોતાના મુખ્ય પ્રધાન બદલવાની ફરજ પડી છે. ત્રિવેન્દ્રસિંહ રાવતને રાજીનામું આપવાની ફરજ પાડીને ભાજપે પોતાની જ સરકારમાં અવિશ્વાસનો મત વ્યક્ત કર્યો છે.
જાણકારો કહે છે કે ત્રિવેન્દ્રસિંહ રાવત સરકારની ચાર વર્ષની કામગીરી એટલી કંગાળ હતી કે જો તેમને મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રાખવામાં આવ્યા હોત તો ૨૦૨૨ માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો પરાજય નક્કી હતો.
આગામી ચૂંટણી જીતવા માટે ભાજપે પોતાના મુખ્ય પ્રધાનનો ભોગ લઈ લીધો છે. અગાઉ ઝારખંડના મુખ્ય પ્રધાન રઘુબર દાસ નિષ્ફળ ગયા હતા તો પણ ભાજપે તેમના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. પરિણામે ભાજપે ઝારખંડ ગુમાવવું પડ્યું તેના પરથી ભાજપે બોધપાઠ લીધો હોવાનું સમજાય છે.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે તેમના ચાર વર્ષના શાસનકાળમાં અનેક વિવાદાસ્પદ નિર્ણયો લીધા હતા, પણ ચાર ધામને સરકારના વહીવટ હેઠળ લાવવાનો નિર્ણય સૌથી વધુ હાનિકારક પુરવાર થયો હતો.
ઉત્તરાખંડ સરકારે આ વર્ષના જાન્યુઆરી મહિનામાં ચાર ધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ કાયદો પસાર કર્યો હતો, જેને કારણે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી સહિત કુલ ૫૧ હિન્દુ મંદિરો સરકારના સીધા વહીવટ હેઠળ આવી ગયાં હતાં.
આ પગલાંનો ભાજપે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ વિરોધ કર્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદે તો સરકારના નિર્ણય સામે આંદોલન છેડવાની જાહેરાત કરી હતી. ત્રિવેન્દ્રસિંહના પ્રધાનમંડળના સાથીદારો અને વેપારીઓ દ્વારા પણ આ પગલાંનો વિરોધ કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓ આ ફરિયાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ લઈ ગયા હતા. તેમણે જાહેરમાં નિવેદનો કર્યાં હતાં કે ધર્મસ્થાનોના વહીવટમાં સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. સરકારના આ નિર્ણયથી રાજ્યના બહુમતી હિન્દુઓ પણ નારાજ હતાં. આ નારાજગી ચૂંટણીમાં ભારે પડી શકે તેમ હતી.
ઉત્તરાખંડ સરકારનો બીજો વિવાદાસ્પદ નિર્ણય ગૈરસૈંણને ત્રીજું વહીવટી એકમ બનાવવાનો હતો. ગૈરસૈંણ ઉત્તરાખંડની ગ્રીષ્મકાલીન રાજધાનીનું શહેર છે. ઉત્તરાખંડમાં બે વહીવટી એકમો છે, જેને મંડલ તરીકે ઓળખવામાં આવે છે. ગઢવાલ અને કુમાઉં નામનાં બે એકમો ઉત્તરાખંડની સાંસ્કૃતિક વિવિધતાના પ્રતીક સમાન છે.
ત્રિવેન્દ્રસિંહ રાવતની સરકારે ગૈરસૈંણને ત્રીજા મંડલ તરીકે વિકસાવવાનો નિર્ણય કર્યો તેને કારણે ગઢવાલની અને કુમાઉંની જનતા નારાજ થઈ ગઈ છે. ગઢવાલની જનતા નારાજ થઈ ગઈ છે, કારણ કે તેમના મંડલમાંથી બદ્રીનાથ અને કેદારનાથનો સમાવેશ ગૈરસૈંણ મંડલમાં કરવામાં આવ્યો છે. કુમાઉંની જનતા નારાજ થઈ ગઈ છે, કારણ કે તેમની સાંસ્કૃતિક રાજધાની અલમોડાનો સમાવેશ નવા મંડલમાં કરવામાં આવ્યો છે.
તાજેતરમાં ચમોલી જિલ્લામાં બંધ તૂટી ગયો અને તારાજી થઈ તેને કારણે પણ ત્રિવેન્દ્રસિંહ રાવત સરકારની નબળાઈ બહાર આવી ગઈ હતી. ઉત્તરાખંડમાં ગંગા નદીની શાખાઓ પર જે બંધો બાંધવામાં આવી રહ્યા છે તે પ્રત્યે સુપ્રિમ કોર્ટ દ્વારા આકરી ટિપ્પણી કરવામાં આવી હતી. તેની પરવા કર્યા વગર સરકારે બંધોની યોજના આગળ ધપાવી હતી.
તાજેતરમાં જે પૂર આવ્યું તેમાં નદી પર બંધાઇ રહેલો બંધ તણાઈ ગયો હતો અને ૨૦૦થી વધુ લોકો માર્યા ગયાં હતાં. આ કારણે અળખામણી બની ગયેલી સરકારને ઉગારવા માટે મુખ્ય પ્રધાનનો ભોગ લેવામાં આવ્યો છે.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને મહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીના અને ગૃહ પ્રધાન અમિત શાહના અત્યંત વિશ્વાસુ હતા. ૨૦૧૭ માં વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે ત્રિવેન્દ્રસિંહ રાવત દોઈવાલા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે અમિત શાહે રાજ્યના ભાજપી નેતાઓને ખાસ અનુરોધ કર્યો હતો.
અગાઉ ૨૦૧૪ માં રમેશ પોખરિયાલે લોકસભાની ચૂંટણી જીતવા દોઇવાલા બેઠક ખાલી કરી ત્યારે ત્રિવેન્દ્રસિંહ તે બેઠક પરની પેટા ચૂંટણી લડ્યા હતા પણ હારી ગયા હતા. જે નેતા પોતાની તાકાતથી વિધાનસભાની બેઠક પર જીતી ન શકે તેને રાજ્યના મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા.
ત્રિવેન્દ્રસિંહ રાવત ભ્રષ્ટાચારના આરોપોનો પણ સામનો કરી રહ્યા છે. ૨૦૧૬ માં તેઓ ઝારખંડ રાજ્યમાં ભાજપના પ્રભારી હતા ત્યારે ગોસેવા આયોગના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં લાંચ લેવાનો આક્ષેપ તેમના પર કરવામાં આવ્યો હતો. એક પત્રકાર દ્વારા વીડિયો બહાર પાડીને આ કૌભાંડ જાહેર કરવામાં આવ્યું હતું. તેના આધારે ઉત્તરાખંડ હાઈ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી.
હાઈ કોર્ટે આક્ષેપોની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ કર્યો હતો. તેની સામે રાવત સુપ્રિમ કોર્ટમાં ગયા હતા અને મનાઇહુકમ લઈ આવ્યા હતા. આ કેસની સુનાવણી સુપ્રિમ કોર્ટમાં ટૂંક સમયમાં નીકળવાની છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી હોય ત્યારે મુખ્ય પ્રધાન પર ભ્રષ્ટાચારના કેસના સમાચાર અખબારોમાં આવે તેમ ભાજપ ઇચ્છતું નથી.
ઇ.સ. ૨૦૦૦ માં ઉત્તરાખંડ રાજ્યની રચના કરવામાં આવી તે પછી ભાજપના કોઈ મુખ્ય પ્રધાન તેમના હોદ્દાની મુદ્દત પૂરી કરી શક્યા નથી. ભાજપે રાજ્યના પહેલા મુખ્ય પ્રધાન નિત્યાનંદ સ્વામીને બનાવ્યા હતા, પણ ૨૦૦૧ ના ઓક્ટોબરમાં તેમને ઉઠાડીને ભગતસિંહ કોશિયારીને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા.
૨૦૦૭ માં બી.સી. ખંડુરીને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા, પણ ૨૦૦૯ માં તેમને ઉઠાડીને તેમની જગ્યાએ રમેશ પોખરિયાલને બેસાડી દેવામાં આવ્યા હતા. ૨૭ મહિના પછી તેમને ઉઠાડીને પાછા બી.સી. ખંડુરીને બેસાડી દેવામાં આવ્યા હતા.
આ મ્યુઝિકલ ચેરની રમતને કારણે કંટાળી ગયેલી જનતાએ ૨૦૧૨ માં કોંગ્રેસને સત્તા સોંપી હતી. કોંગ્રેસે પણ હરીશ રાવતને મુખ્ય પ્રધાન બનાવીને બદલ્યા હતા. ૨૦૧૭ માં ભાજપ ફરી સત્તા પર આવ્યો હતો. હવે ચાર વર્ષ દરમિયાન ભાજપમાં જે ભાંજગડ ચાલી રહી છે તે જોતાં ૨૦૨૨ માં કોંગ્રેસના સત્તા પર ફરી આવવાના ચાન્સ વધી ગયા છે. તેમાંથી કેવી રીતે બચવું તેના ઉપાયો ભાજપ કરી
રહ્યો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.