દર રવિવારે રાત્રે રોહનને થાય કે ‘કાશ, આ સોમવાર કયારેય આવે જ નહિ તો સારું. સોમવાર આવે એટલે ભાગદોડ શરૂ,વહેલાં ઊઠો, ટ્રેન પકડો, ટ્રાફિકમાં ઓફિસ પહોંચો, ત્યાં કામના ઢગલા અને વળી બોસનો ગુસ્સો. આ બધાને કારણે તે સોમવારને નફરત કરતો. સોમવાર આવે તે પહેલાં રવિવારની રાતથી જ તેનો મૂડ ખરાબ થઈ જતો. એક સોમવારે તે સવારે ભરી મનથી ઊઠ્યો અને ફટાફટ તૈયાર થવા લાગ્યો. તેની મમ્મીએ કહ્યું, ‘‘રોહન તારો ફેવરીટ નાસ્તો બનાવ્યો છે. જલ્દી નાસ્તો કરવા બેસ.’’ રોહનનો મૂડ ખરાબ હતો એટલે તે ગુસ્સે થઇ ગયો અને બોલ્યો, ‘‘મમ્મી, તને શું ખબર આજે સોમવાર છે એટલે દિવસ જ ખરાબ …તેમાં ઓફિસમાં કેટલું કામ છે અને મને મોડું થઇ ગયું છે તેમાં તું નાસ્તાની લપ કરે છે.’’ મમ્મીએ પ્રેમથી કહ્યું, ‘‘અરે દિવસ ખરાબ છે તો તેને સારો બનાવી દે.મને ખબર છે સોમવાર તને ગમતો નથી અને તારો મૂડ ખરાબ હોય છે એટલે તારા મૂડને સારો કરવા જ મેં તારા ફેવરીટ આલુ પરાઠા બનાવ્યા છે.’’ રોહને કહ્યું, ‘‘એમ દિવસ સારો બનાવવો કંઈ સહેલો નથી.’’
મમ્મીએ કહ્યું, ‘‘સહેલું છે કે નહિ તે ખબર નથી પણ શક્ય ચોક્કસ છે. દરેક દિવસ આપના મનનું પ્રતિબિંબ હોય છે. જો મન ભરી કે ઉદાસ તો દિવસ સોમવાર હોય કે બુધવાર એવો જ ભારી જ લાગશે, પરંતુ જો મન ખુશ હશે તો સોમવાર સફળતાની એક નવી શરૂઆત બની જશે.’’ તે દિવસે આલુ પરાઠાનો નાસ્તો કરતાં રોહને નક્કી કર્યું કે તે પોતાના મનના વિચારો બદલશે. તે ગીત સાંભળતાં સાંભળતાં ઓફીસ પહોંચ્યો. ઓફિસમાં જોયું તો તેના બધા સાથીઓ થાકેલાં અને કંટાળેલાં બેઠાં હતાં. રોહને બધાને હસીને કહ્યું, ‘‘ગુડ મોર્નિંગ દોસ્તો.
ચાલો, આજે અઠવાડિયાની શરૂઆત સરસ રીતે કરીએ.’’ પહેલાં બધા ચોંક્યાં પણ ધીરે ધીરે બધાનો મૂડ સારો થવા લાગ્યો. રોહને પોતાની ટીમ સાથે પ્રોજેક્ટ મીટીંગ શરૂ કરી, કોની શું ભૂલ છે તે શોધી ભૂલ પર ખીજાવા કરતાં તેણે ભૂલનું નિરાકરણ શોધવા પર ધ્યાન આપ્યું. તે ટીમમાં કોઈને ન ખિજાયો તો તેના બોસ પણ તેને ખીજાયા નહિ. ઊલટું તેને ઓફિસમાં લાવેલા જોશ માટે તેના વખાણ કર્યાં. સાંજે ઘરે તે ખુશખુશાલ પહોંચ્યો અને મમ્મીને ભેટી પડ્યો, મમ્મીએ કહ્યું, ‘‘કેવો રહ્યો સોમવાર?’’ રોહને કહ્યું, ‘‘મમ્મી, આજે સોમવાર સરસ ગયો, કદાચ સોમવાર તો બધા સારા જ હતા. મારા મનના વિચારો જ ખોટા હતા.’’ મમ્મીએ કહ્યું, ‘‘આ માત્ર સોમવારનું નહિ જીવનની હકીકત છે. કોઈ દિવસ કોઈ સ્થિતિ , કોઈ વ્યકિત ખરાબ હોતું જ નથી. બસ, આપના વિચારો સારા હોવા જોઈએ.’’ રોહને કહ્યું, ‘‘મમ્મી, આજથી સોમવારની ‘એક નવી શરૂઆત’ જ કહીશ.’’– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.