Charchapatra

ખોવાયેલી વીંટી ક્યાં શોધાય? અજવાળું હોય ત્યાં

કથની એની એ જ છે. બદલાય છે ફક્ત નામ. પહેલાં આડેધડ નિકંદન, એ પ્રજાતિના અસ્તિત્વ પર આવી જતું જોખમ અને એનું ભાન થયા પછી શરૂ થતાં એની જાળવણીના કે બચાવના પ્રયાસો અને એને માટે વર્ષના કોઈ ચોક્કસ દિવસની ઉજવણી. માનવજાત ‘સભ્ય અને સુસંકૃત’ બન્યો ત્યારથી જીવોની વિવિધ પ્રજાતિઓની આ જ કરમકહાણી લખાતી આવી છે. ચાહે એ પ્રજાતિ વનસ્પતિની હોય કે કોઈ પશુ યા પક્ષીની.

આ વખતે ભોગ બનનાર પશુનું નામ છે લાલ પાન્‍ડા, જે ફાયરફોક્સ તરીકે પણ ઓળખાય છે. દર વર્ષે સપ્ટેમ્બરના ત્રીજા શનિવારે ‘આંતરરાષ્ટ્રીય લાલ પાન્‍ડા દિન’ની ઉજવણી કરવામાં આવે છે અને એ મુજબ વર્તમાન વર્ષનો એ દિવસ 20 સપ્ટેમ્બરના રોજ ઊજવાયો. તેનું બાહ્ય,સીધુંસાદું વર્ણન વાંચતાંય જાણે કે કોઈક વાર્તાના પાત્રનું વર્ણન હોય એમ જ લાગે. એક સાઈટ પર તેનું વર્ણન આમ છે: નાનું છતાં આકર્ષક પ્રાણી, લાલ રંગના ફરથી લપેટાયેલું, એટલું જીવંત કે પોતાના જ્વલંત આકર્ષણથી જંગલોના અંધકારને ઝગમગાવી શકે છે. અંધકારના આવરણથી ઘેરાયેલી તેની આંખોમાં સદીઓ જૂનું રહસ્ય છુપાયેલું જણાય, જાણે કે અનાદિ કાળથી તેઓ ગાઢ જંગલોમાં છાયાપ્રકાશના નર્તનના સાક્ષી ન રહ્યા હોય!

આવું વર્ણન ધરાવતું આ ચોપગું અનેક વિલક્ષણતાઓ ધરાવે છે અને તેને કારણે તે બીજાં પ્રાણીઓથી નોખું પડે છે. તેની સૌથી મોટી તેના મોં પરની અભિવ્યક્તિસૂચક નિશાનીઓ છે. આંખોની ફરતે ઘેરા રંગની અને ગાલ પર સફેદ રુંવાટી જાણે કે તેણે કોઈ મહોરું પહેર્યાનો આભાસ ઊભો કરે છે. તેના ચહેરાની સુંદરતામાં વધારો કરવા ઉપરાંત આ રુંવાટી તેને સૂર્યપ્રકાશની તીવ્રતા ઘટાડવામાં પણ મદદરૂપ બને છે. તેઓ વન્ય વાતાવરણમાં વધુ સ્પષ્ટ રીતે જોઈ શકે છે. તેમના પગના પંજા આંશિક રીતે પાછા ખેંચી શકાય એવા અને પગની ઘૂંટીઓ લવચીક હોવાથી તે બહુ ચપળતાથી ઝાડ પર ચડી શકે છે. આને કારણે તે શિકારી પશુઓથી બચી શકે છે.

અલબત્ત, શિકારી પશુઓથી તે બચી શકે એ પ્રાકૃતિક જોગવાઈ છે, પણ શિકારી મનુષ્યોની નજરમાંથી તે બચી શકતું નથી. તેનો દેખાવ, લાલ રુંવાટીવાળી ત્વચા તેના જાનની દુશ્મન બની રહે છે. આ ત્વચાની ભારે માંગ છે અને તે કાળા બજારમાં વેચાય છે. આ પ્રાણીનું અસ્તિત્વ જોખમાવાનું આ એક કારણ ખરું પણ એક માત્ર નહીં. બીજું કારણ છે તેના નૈસર્ગિક આવાસનું નષ્ટ થવું. વનવિનાશ, કૃષિપ્રવૃત્તિઓ અને વિકાસયોજનાઓને કારણે લાલ પાન્ડાના નૈસર્ગિક આવાસ નાશ પામતા રહ્યા છે. આથી સુયોગ્ય આહાર અને સાથીઓ મેળવવામાં મુશ્કેલી વધી રહી છે. છેલ્લા બે દાયકામાં વિશ્વભરમાં લાલ પાન્ડાની વસતિમાં પચાસ ટકા જેટલો, અધધ કહી શકાય એવો ઘટાડો થયો છે.

એક અંદાજ મુજબ કેવળ 2,500 જેટલા લાલ પાન્‍ડા જ રહી જશે. ‘ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્‍ઝર્વેશન ઓફ નેચર’ (આઈ.યુ.સી.એન.) દ્વારા આ પ્રાણીને સંકટગ્રસ્ત પ્રજાતિઓની યાદીમાં મૂકવામાં આવ્યું છે. ભારતમાં આ પ્રાણી પૂર્વ હિમાલયના વિસ્તારોમાં જોવા મળે છે. મોટે ભાગે તે સમૂહમાં નહીં, પણ એકાકી જીવન જીવે છે. પ્રજનનની મોસમ દરમિયાન તે અન્યો સાથે જોવા મળે છે. તેના આહારમાં મુખ્યત્વે વાંસ, પાંદડાં, ઠળિયાંવાળાં રસદાર ફળો અને કદીક નાનાં ઉંદર કે ખિસકોલાં યા જીવજંતુ હોય છે. આહારની દૃષ્ટિએ તેમનું સામ્ય તેમની જ પ્રજાતિના જાયન્‍ટ પાન્‍ડા સાથે છે અને કેટલાક વિસ્તારોમાં તેમના આવાસ પણ સાથે હોય છે. હવે આડેધડ થઈ રહેલી વિકાસયોજનાઓએ તેમના આવાસનાં સ્થાનો પર જોખમ ઊભું કર્યું છે.


પોતાની પ્રકૃતિ અનુસાર, હવે માનવને આ પ્રજાતિ પર તોળાઈ રહેલા અસ્તિત્વના ખતરાની જાણ થતાં તેના સંવર્ધન માટેના પ્રયાસો આદર્યા છે. વિવિધ સંસ્થાઓ, સરકાર અને સ્થાનિકો લાલ પાન્ડાની વસતિ અને તેના આવાસના સંરક્ષણ માટે સક્રિય બન્યા છે અને વિવિધ વ્યૂહરચનાઓ અમલી કરી છે. એક તો એ કે જે વિસ્તારોમાં લાલ પાન્‍ડા મળી આવતાં હોય ત્યાં રક્ષિત વિસ્તારો કે રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવાં યા જાળવવાં. આને કારણે તેમના આવાસની જાળવણી થશે અને શિકારનું જોખમ ઘટશે. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં આવેલો સીંગાલીલા રાષ્ટ્રીય ઉદ્યાન અને ચીનનું વોલોન્‍ગ નેશનલ નેચર રિઝર્વ આનાં નોંધપાત્ર ઉદાહરણ ગણાવી શકાય.

આવાસના પુન:સ્થાપન માટે પુન:વનીકરણ, વાંસઉછેર તેમજ છૂટાછવાયાં આવાસસ્થાનોને જોડતાં વન્ય પશુ કોરિડોર ઊભા કરવાના પ્રયત્નોનો સમાવેશ થાય છે. આવા કોરિડોર થકી લાલ પાન્ડા સલામતિપૂર્વક અવરજવર કરી શકે છે. જો કે, સૌથી મોટું જોખમ તેમના શિકારનું છે. કેવળ કાયદાથી તેને પ્રતિબંધિત કરી શકાય એમ નથી. ગેરકાયદે શિકારનું નેટવર્ક વિશ્વવ્યાપી છે. શિકારને પ્રતિબંધિત કરતા અનેક કાયદા છે. આમ છતાં, તે શિકારીઓને નિયંત્રિત કરવામાં અપૂરતા નીવડતા જણાય છે. છેવટે વાત સ્થાનિકો તેમજ પ્રવાસીઓની આ મુદ્દે જાગૃતિ અને સમર્થન પર આવીને અટકે છે.

આ પણ કેવી વક્રતા છે! જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવાથી, તેનો પ્રચાર કરવાથી તેમજ એ અંગેની ઝુંબેશ ચલાવવાથી લાલ પાન્‍ડા બચી જશે? ‘વાઈલ્ડલાઈફ ક્રાઈમ કન્‍ટ્રોલ બ્યુરો ઓફ નેપાળ’ના જણાવ્યા અનુસાર, વન્ય જીવોને લગતા ગુનાઓ પૈકીના 90 ટકા ગુનાઓ કદી નોંધાતા નથી. અલબત્ત, આ વાત નેપાળની છે, લાલ પાન્‍ડાને બચાવવાના પ્રયત્નો જોઈને પોતાની ખોવાઈ ગયેલી વીંટીને એ પડી ગઈ ત્યાં શોધવાને બદલે જ્યાં અજવાળું હોય એવા સ્થાને શોધતાં માણસના ટુચકાની યાદ આવે છે. આશ્વાસન લેવું હોય તો એટલું લઈ શકાય એમ છે કે ભલે એવા તો એવા, પણ પ્રયત્નો થઈ રહ્યા છે ખરા.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top