Charchapatra

લોકોની ભીડ દુર્ઘટના બનતી જાય છે

આ દેશમાં ધાર્મિક પ્રસંગો, ટ્રેન પકડવા દોડાદોડી, સંતબાબાના દર્શન માટે પડાપડી, તહેવારોમાં મંદિરોમાં વધતી અતિ ભીડ કે રાજકીય રેલીઓમાં ધક્કામુકકી, પડી જવાથી કે ગુંગળામણથી મોત થવાના કિસ્સાઓ વારેવારે બનતા રહે છે. તામિલનાડુના લોકપ્રિય અભિનેતા કમ રાજકારણી વિજયની રેલીમાં 10000ના અંદાજના બદલે 30000 લોકો ભેગાં થઈ જતાં, વિજયની ઝલકલવા ઝાડ પર બેઠેલા માણસો નીચે પડી જતાં થયેલ ભાગદોડમાં 39 લોકોનાં મોત થયાં છે. આ સત્તાવાર આંકડા છે. બિનસત્તાવાર તેનાથી ત્રણ ગણો વધારે હોઈ શકે છે.

ભીડ, ધકકામુકકી, પડાપડીના કારણે પદો  અરાજકતાના કારણે પીસાઈને મરી જતાં નિર્દોષ લોકોની સંખ્યા જોતાં એમ લાગે છે કે દેશની જનતાને કીડી- મકોડા ગણવામાં આવે છે. ભીડ મેનેજમેન્ટનું વિજ્ઞાન જ આપણે ત્યાં નથી. તપાસ પંચ રચાય છે. રિપોર્ટ સરકારને પહોંચાડાય છે અને પછી બીજી દુર્ઘટના સુધી ભૂલાઈ જાય છે. હજુ મહિના પહેલાં  જ બેંગ્લોર ક્રિકેટ સ્ટેડિયમની બહાર વિજ્યોત્સવ મનાવવા ઘેલાં ક્રિકેટપ્રેમીઓમાં અફવાના કારણે ભાગદોડ થતાં 30 લોકો માર્યા ગયાં હતાં. મહાકુંભમેળા અને નવી દિલ્હી રેલ્વે સ્ટેશને થયેલી દુર્ઘટનાઓ ક્યારેય ભૂલાશે નહીં. આ દેશમાં લોકોએ આમ મરવાનું જ છે? સમજાતું નથી.
પાલનપુર, બનાસકાંઠા- અશ્વિનકુમાર ન. કારીઆ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top