ગુરુજી રોજ પ્રાર્થના કરવા પર ભાર મૂકતા. પોતાનાં શિષ્યોને રોજ સમજાવતા કે દિવસમાં સવાર સાંજ અચૂક પ્રર્થના કરવી જ જોઈએ. એક દિવસ એક શિષ્યે ગુરુજીની પાસે જઈને પૂછ્યું, ‘ગુરુજી, તમે કહો છો કે રોજ પ્રાર્થના કરવી જોઈએ પણ પ્રાર્થના કરીએ ત્યારે શું માંગવું જોઈએ તે તમે શીખવાડ્યું નથી.’ ગુરુજીએ કહ્યું, ‘‘વત્સ, આપણાં શાસ્ત્રો અને પુરાણોમાંથી અમુક ઉદાહરણો દ્વારા તને સમજાવું છું. પહેલું ઉદાહરણ ભગવાન નારાયણ નરસિંહ અવતાર લઈને પ્રહ્લાદનો જીવ બચાવવા આવ્યા ત્યારે હિરણ્યકશિપુને માર્યા બાદ તેમણે પ્રહ્લાદને કહ્યું, ‘‘તારે જે વરદાન માંગવું હોય તે માંગ’’ત્યારે પ્રહ્લાદે ભગવાન પાસે માંગ્યું, ‘‘હે પ્રભુ, મને તમારી પાસે પણ કંઈ જ માંગવાની ઈચ્છા ન રહે તેવું કરો. મારી બધી જ ઈચ્છા ખતમ થઈ જાય તેવી કૃપા કરો.’’
બીજું ઉદાહરણ, જ્યારે કૃષ્ણ ભગવાને પોતાની ફોઈ કુંતી માતાને કહ્યું કે ‘‘તમને શું જોઈએ છે?’’ત્યારે ભગવાન પાસે માતા કુંતીએ માંગ્યું, ‘‘હે દેવકીનંદન, મને ખબર છે તમે નારાયણનો અવતાર છો અને મારા જીવનમાં ઘડી ઘડી વિપત્તિઓ, તકલીફો આવતી રહે, દુઃખ આવતું રહે તેવી કૃપા કરજો જેથી તમારું સ્મરણ સતત થતું રહે. સતત અમે તમને પ્રાર્થના કરતા રહીએ, તમારાથી દૂર ન થઈએ.’’
ત્રીજું ઉદાહરણ મહારાજ પૃથુને ઈશ્વરે કહ્યું કે, ‘‘માંગો જે વરદાન માંગવું હોય તે માંગો.’’ત્યારે મહારાજ પૃથુએ માંગ્યું કે પ્રભુ, મને દસ હજાર કાન આપો જેથી હું તમારી પાવનલીલાનો ગુણાનુવાદ વધુ ને વધુ સાંભળી શકું.’’ આ વિવિધ ઉદાહરણો સમજાવ્યા બાદ ગુરુજી બોલ્યા, ‘‘વત્સ, ભગવાન પાસે પ્રાર્થના કરવી બહુ જરૂરી છે,પણ દર વખતે માંગવું જરૂરી નથી અને જો કંઈ માંગીએ તો એ દોષ પણ નથી પણ આપણે શું માંગીએ છીએ? કેટલું માંગીએ છીએ? કેવું માંગીએ છીએ? તે એકદમ વિચારીને સજાગ રહીને માંગવું જરૂરી છે. ઈશ્વર પાસે માંગો તો ઈશ્વરની ભક્તિ માંગો. ઈશ્વરની કૃપા માંગો. ઈશ્વરનો સાથ માંગો. બસ બીજું કંઈ માંગવાની જરૂર નથી. કૈંક એવું માંગો જે તમને હંમેશા ઈશ્વર સાથે જોડે, તમને ઈશ્વરની વધુ સમીપ લઇ જાય.’’ગુરુજીએ શિષ્યનો શાસ્ત્રોના દૃષ્ટાંત સમજાવી પ્રાર્થનામાં શું માંગવું જોઈએ ની સાચી સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.