PCBની રેડ: દારૂ, રિક્ષા અને મોબાઇલ મળી કુલ રૂ. 3.14 લાખનો મુદ્દામાલ જપ્ત, પિતા ગંગલાણી જેલભેગો, પુત્ર સહિત 3 વોન્ટેડ જાહેર!

વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં પીસીબી પોલીસે ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી પર મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બાતમીના આધારે રેડ કરીને રૂ. 2.38 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે તેના પુત્ર સહિત કુલ ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે દારૂ, રિક્ષા અને મોબાઇલ મળીને કુલ રૂ. 3.14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં આવેલી સંતકવર કોલોનીમાં રહેતો પ્રકાશ હોતચંદ ગંગલાણી તેના પુત્ર સાથે મળીને વિદેશી દારૂના જથ્થાનું વેચાણ કરતો હતો. PCB પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે પિતા-પુત્રએ વિદેશી દારૂનો જથ્થો તેમના ઘરમાં અને અડધો જથ્થો એક રિક્ષામાં ભરીને રાખ્યો છે.
બાતમીના આધારે પીસીબીની ટીમે તુરંત જ સંતકવર કોલોની ખાતે બાતમી મુજબના સ્થળ પર છાપો માર્યો હતો. પોલીસે સ્થળ પરથી રૂ. 2,38,000/- ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂનું વેચાણ કરનાર પ્રકાશ હોતચંદ ગંગલાણીને પોલીસે ઘટનાસ્થળેથી ઝડપી લીધો હતો. તેની પાસેથી વિદેશી દારૂ, એક રિક્ષા અને એક મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 3,14,000/- ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પીસીબી પોલીસે આ મામલે ઝડપાયેલા આરોપી પ્રકાશ ગંગલાણી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેને કબજે કરાયેલા મુદ્દામાલ સાથે વારસીયા પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે.
જોકે, આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. પોલીસે પ્રકાશ ગંગલાણીના પુત્ર વિનોદ પ્રકાશ ગંગલાણી, પ્રેમ સેવકરામ પહેલવાણી તથા દારૂનો જથ્થો સપ્લાય કરનાર અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે. વારસીયા પોલીસે હવે આ ત્રણેય વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.