Vadodara

વડોદરા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ ‘ગુજસીટોક’ કેસ: રતનપુરનો કુખ્યાત બુટલેગર ‘લાલો’ જયસ્વાલ પરિવાર સાથે અંદર

20 વર્ષથી દારૂના ધંધામાં સક્રિય અને 31થી વધુ ગુનાઓમાં સંડોવાયેલી ગેંગ સામે જિલ્લા પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી

વડોદરા: ગુજરાતમાં સંગઠિત ગુનાખોરી ડામવા માટેના કાયદા ‘ગુજસીટોક’ હેઠળ વડોદરા જિલ્લા પોલીસે એક ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વડોદરા તાલુકાના રતનપુર ગામના કુખ્યાત બુટલેગર રાકેશ ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલ અને તેના પરિવારની સંગઠિત ગેંગ વિરુદ્ધ ગુજસીટોક કાયદા હેઠળ પ્રથમ કેસ દાખલ કરવામાં આવ્યો છે.



પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા જિલ્લામાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઠલવાતો હોવા છતાં અને પોલીસ દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં, જેલમાંથી મુક્ત થયા બાદ બુટલેગરો ફરીથી પોતાના ગેરકાયદેસર ધંધામાં સક્રિય થઈ જતા હતા. જોકે, જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસે આ સંગઠિત ગુનાખોરીની ચેઇન તોડવા માટે મક્કમ નિર્ધાર કર્યો છે.

રાકેશ ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલ અને તેનો પરિવાર છેલ્લા લગભગ 20 વર્ષથી દારૂના ગેરકાયદેસર ધંધામાં સક્રિય છે. આ ગેંગ વિરુદ્ધ અત્યાર સુધીમાં દારૂબંધીના ભંગ ઉપરાંત ખોટા દસ્તાવેજો બનાવવા સહિતના 31થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ પરિવાર સંગઠિત રીતે ગુનાઓ આચરીને સમાજમાં ભયનું વાતાવરણ ઊભું કરતો હતો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતો હતો.
પોલીસે લાલો જયસ્વાલ અને તેના પરિવારના સભ્યોની ધરપકડ કરીને તેમની સામે ગુજસીટોક કાયદાની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. વડોદરા જિલ્લાના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે, જ્યારે કોઈ બુટલેગર ગેંગ વિરુદ્ધ આ કડક કાયદાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. આ કાર્યવાહી સંગઠિત ગુનાખોરી આચરતા અન્ય તત્વો માટે લાલબત્તી સમાન છે. આ કેસની તપાસની જવાબદારી હાલમાં ડીવાયએસપી આકાશ પટેલને સોંપવામાં આવી છે, જેઓ આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહ્યા છે.

પોલીસની કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ…
જિલ્લા પોલીસના આ પગલાથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગુજસીટોક હેઠળ થતી કાર્યવાહીમાં આરોપીઓને જામીન મળવા ખૂબ મુશ્કેલ હોય છે અને તેમાં કડક સજાની જોગવાઈ છે, જે આ ગેંગની કમર તોડનારી સાબિત થશે.

Most Popular

To Top