આર્ટસ ફેકલ્ટીમાં ચાલુ પરીક્ષામાં થયેલી કરતૂત સામે તપાસ શરૂ
વિડીયોના આધારે તપાસ કરી વિદ્યાર્થી-વિદ્યાર્થિની અને વીડિયો બનાવનાર સામે કાર્યવાહી કરાશે

( પ્રતિનિધી )વડોદરા,તા.13
એમ.એસ.યુનિવર્સિટીમાં કલાસરૂમમાં વિદ્યાર્થી – વિદ્યાર્થીનીનો ચુંબન કરતો વિડિયો વાયરલ થયો હતો. જે વીડિયો આર્ટ્સ ફેકલ્ટીનો હોવાની માહિતી સામે આવતા એબીવીપીએ આર્ટ્સ ફેકલ્ટીના ડીન કલ્પના ગવલીને ઉગ્ર રજુઆત કરતા ડીને આ અશ્લીલ હરકત કરનાર વિદ્યાર્થી – વિદ્યાર્થીનીને રસ્ટીકેટ કરવા સાથે વીડિયો બનાવનાર સામે પણ કાર્યવાહી કરાશે હોવાનું જણાવ્યું હતું.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ગરીમાને લાંછન લાગે તેવી ઘટના યુનિવર્સિટીમાં બની હતી. કલાસરૂમમાં વિદ્યાર્થીનિને ચુંબન કર્યાનો વિડીયો વાયરલ થયો હતો. આ વાયરલ વિડીયો આર્ટસ ફેકલ્ટીનો હોવાનો અને આ ઘટના શુક્રવારની હોવાનું અનુમાન લગાવાયું હતું. ત્યારે, વિડીયો વાયરલ થતા વિદ્યાર્થી સંગઠન એબીવીપી મેદાનમાં આવ્યું હતું અને કાર્યવાહીની માંગ સાથે ફેકલ્ટી ડીનને રજૂઆત કરવામાં આવી હતી. જોકે ફેકલ્ટી દ્વારા શિક્ષણના ધામમાં હરકત કરનાર યુવક યુવતી સામે કાર્યવાહી કરવામાં આવશે. આ બંને યુવક યુવતીની ભાળ મળતાની સાથે જ તેઓને રેસ્ટિકેટ કરવામાં આવશે અને મોબાઈલથી વિડીયો બનાવનાર વિદ્યાર્થી સામે પણ કાર્યવાહી કરાશે અને પરીક્ષા દરમિયાન સુપર વિઝન કરનાર સ્ટાફને નોટિસ આપવામાં આવશે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અગ્રણી વેદ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ વસ્તુ તદ્દન યોગ્ય નથી. જોવા જઈએ તો એ દિવસે પરીક્ષા હતી. જે વિદ્યાર્થીઓની એટીકેટીની પરીક્ષા ચાલતી હતી અને ચાલુ ક્લાસ ની અંદર વિદ્યાર્થીઓની વચ્ચે આવી હરકત કરવામાં આવી છે. એટલે આપણે એવું કહી શકાય કે, આ બેદરકારી ફેકલ્ટીની પણ છે અને મેડમનો પણ વાંક આવી શકે. આ વસ્તુ શિક્ષાના ધામમા કદાપી યોગ્ય નથી. અમે મેડમને રજૂઆત કરી એમાં જે વિદ્યાર્થીએ આ વિડીયો ઉતાર્યો છે એ ચાલુ પરીક્ષામાં આ વિદ્યાર્થી ફોન લઈને જાય છે અને એક યુવક યુવતીએ જે કૃત્ય કર્યું છે. એમની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. પરીક્ષા દરમિયાન જે એક્ઝામીનર હાજર હતા. એમની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને જો કદાચ નહીં થાય તો અમે ચર્ચા કરી ઉપલી કક્ષાએ ઉગ્ર રજૂઆત કરીશું. વર્ષો પહેલા જે બનેલી ઘટના બાદ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહીં હોય તેના કારણે ફરી વખત આ ઘટના બની છે. એટલે હવે કડક કાર્યવાહી કરી એક ઉદાહરણ ફેકલ્ટીએ બેસાડવો જોઈએ જેથી આગળ આવી કોઈ ઘટના ન બને.
આર્ટ્સ ફેકલ્ટીના ડીન કલ્પના ગવલીએ જણાવ્યું હતું કે, ક્લાસરૂમની અંદર એક વિડીયો જે પરીક્ષા દરમિયાન સામે આવ્યો છે. જે પ્રકારની હરકત કરવામાં આવી છે. આ શિક્ષાના ક્ષેત્રમાં અને વિદ્યાના મંદિરમાં સરાહનીય નથી અને આને સાંખી ન લેવાય. આ વિદ્યાર્થીઓની પૃષ્ટિ મળશે, એટલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. વિડીયોના આધારે તપાસ કરી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીને રેસ્ટિકેટ કરવામાં આવશે. સાથે જે વિદ્યાર્થીએ વિડીયો બનાવ્યો છે. એને પણ પરીક્ષામાં મોબાઇલનો ઉપયોગ કર્યો છે. એટલે એના ઉપર પણ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે. સ્ટાફમાં પણ સુપરવાઈઝર સિનિયર સેન્ટર સુપરવાઇઝર એમને પણ નોટિસ આપવામાં આવશે. આ પ્રકારની હરકત ચલાવી લેવામાં આવશે નહીં.