હથોડા: કોસંબામાં (Kosamba) શ્રમિકની સગીરા પર બળાત્કાર (Rape) કરનાર શખ્સને દોરડાથી બાંધીને કેટલાક યુવાનોએ માર માર્યો હતો. જેનો વિડિયો વાયરલ થતાં આ ઘટનામાં કોસંબા પોલીસે (Police) માર મારનાર ત્રણ યુવાનો સામે એનસીની ફરિયાદ દાખલ કરી હતી. ત્યાર બાદ બળાત્કાર કરનાર યુવકની ધરપકડ કરી લાજપોલ જેલમાં મોકલી આપ્યા બાદ તબિયત લથડતાં પોલીસે તેને સુરત સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ કર્યો હતો. જ્યાં તેના બે ઓપરેશન કરાયા હતા, જ્યાં તેનું રવિવારે સારવાર દરમિયાન મોત થતાં મૃતની માતાએ આખી ઘટનાને શંકાસ્પદ ગણાવી સુરત જિલ્લા પોલીસ વડા પાસે ન્યાય માંગ્યો છે, તો બીજી તરફ આ મામલે કોસંબા પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.
કોસંબા ફાટકની સીમમાં નેશનલ હાઈવે પાસે હોટલની પાછળ આવેલી એક વાડીમાં મજૂરીની સગીર દીકરી ઉપર કઠવાડા ગામના કલ્પેશ ઉર્ફે લાલો દિપક વસાવાએ બળાત્કાર કર્યાની ફરિયાદ કોસંબા પોલીસ મથકમાં નોંધાઈ હતી. જ્યારે બીજી તરફ કલ્પેશને દોરડાથી બાંધીને કેટલાક યુવાનોએ મરણતોલ માર માર્યાનો વીડિયો પણ વાયરલ થયો હતો, વિડીયો વાયરલ થતાં જ વિસ્તારની જનતામાં રોષ ભભૂકી ઉઠયો હતો અને કોસંબા પોલીસ પણ હરકતમાં આવી હતી. પોલીસે કલ્પેશને માર મારનાર અજાણ્યા ત્રણ યુવાનો સામે એનસી ફરિયાદ પણ દાખલ કરી હતી, બળાત્કારના ગુનામાં સંડોવાયેલા આરોપી કલ્પેશની કોસંબા પોલીસે ધરપકડ કર્યા બાદ આરોપી કલ્પેશને લાજપોર જેલમાં મોકલી દીધો હતો. મરણતોલ માર મારવાને કારણે કલ્પેશની તબિયત લથડતા તેના સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. જ્યાં કલ્પેશના એક બે ઓપરેશન પણ કરવામાં આવ્યા હતા તે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. રવિવારે કલ્પેશે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.
અન્યાય માટે કલ્પેશની માતાએ જિલ્લા પોલીસ વડાને અરજી કરી
કલ્પેશની માતાએ સંપૂર્ણ બનાવમાં શંકા જતાં તેમણે ન્યાય માંગતી લેખિત ફરિયાદ સુરત જિલ્લા પોલીસ વડાને કરી હતી. યુવકોના મારને કારણે તેના પુત્રનું મોત થયું હોવાની તેની માતાએ અરજીમાં જણાવ્યું છે. જેથી તેના પુત્રના મોત માટે જવાબદાર ત્રણેય યુવકો સામે ગંભીર ગુનો નોંધવા કલ્પેશની માતાએ અરજી કરી છે.
પોલીસ માતાનું નિવદેન લેતી હતી તે સમયે જ કલ્પેશે દમ તોડ્યો
જે બાબતે કોસંબા પોલીસ મથકમાં ફરિયાદી મહિલાના રવિવારે નિવેદનો લેવાઇ રહ્યા હતા તે અરસામાં જ સુરત સિવિલમાં સારવાર લઈ રહેલા કલ્પેશે દમ તોડયો હોવાનાં સમાચાર જાણવા મળતાં જ કોસંબા પોલીસ સહિત સૌ કોઈ દોડતા થઈ ગયા હતા.