Charchapatra

આજકાલના રાજકારણીઓની પ્રવૃત્તિઓ

જ્યાં સુધી ચૂંટણીઓ પ્રામાણિકપણે યોજાશે નહીં અને વોટચોરી ચાલુ રહેશે ત્યાં સુધી યુવાનોને નોકરીઓ મળશે નહીં અને ભ્રષ્ટાચાર વધતો રહેશે એવું ખોંખારીને કહેવું. ગુજરાતમાં લગ્નના ઘોડા અને રેસના ઘોડા અલગ તારવવાની વાત કરીને પાર્ટીમાં હોદ્દા પર નિષ્ક્રિય બનીને બેસી રહેલાં લોકોને રૂખસદ અપાશે એવી બાંયધરી આપવી, પાકિસ્તાનમાં જેમને પોતાના ઘર જેવું લાગતું હોય અને જેમની નીતિમાં પાકિસ્તાન પ્રત્યે અપાર પ્રેમ હોય એવાં લોકો વહેલામાં વહેલી તકે હિન્દુસ્તાન છોડી દે એવી છેલ્લી ચેતવણી આપવી. ગુજરાતમાં ધારાસભ્યોએ મતવિસ્તારના વિકાસ ભંડોળમાંથી શું કામ કરાવ્યું તેની જાણકારી આપવા માટે મોબાઈલ એપ તૈયાર થઈ રહી છે એવી જોરશોરથી જાહેરાત કરવી આદિ આજકાલના રાજકારણીઓની પ્રવૃત્તિ અનુભવાય છે.
અમદાવાદ         – જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

જમાદાર ભાસ્કર રાવ પાટીલ
હું ભાસ્કરને 1971થી ઓળખું. ‘ગુજરાતમિત્ર’માં તેમના અવસાનની ખબર પડી. મારી બદલી સુરતમાં 1971માં થઈ, તે વખતે હું ટ્રેનિંગમાં હતો. ભાસ્કર તે જમાનામાં બહુ સક્રિય હતા. મારી જોડે દારૂ-જુગારની રેડમાં હું જ્યારે કહેતો ત્યારે હાજર થઈ જતા. મને ગુનાખોરીના કેસો ઉકેલવાનો અને જાણવાનો શોખ રહ્યો છે. ભાસ્કર ઘણી વાર ગુનેગારોનાં પગેરાં ખોળી લાવતાં. એક વાર તો વેશપલટો કરી લારીવાળા પણ બની જઈ આરોપી પકડી લાવેલા. કોઈ વાર વ્યક્તિગત કામ માટે કશેક મોકલવાનું થતું ત્યારે ઉત્સાહપૂર્વક જઈ આવતા. ઘણા કેસો તેમણે શોધી આપવા પોલીસ તંત્રને મદદ કરી હતી. તેમના અવસાનના સમાચાર વાંચી ખરેખર ઘણું દુ:ખ થયું. આવા સન્નિષ્ઠ પોલીસ અમલદાર મળવા મુશ્કેલ છે.
અડાજણ, સુરત   – ભરત પંડ્યા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top