Gujarat

નવરાત્રિની મોજ વચ્ચે વરસાદી ખલેલ, દ.ગુજરાતનાં 5 જિલ્લામાં યલો એલેર્ટ

રાજ્યમાં હાલ નવરાત્રિની ધૂમધામ ચાલી રહી છે અને ખેલૈયાઓ મોજથી ગરબા રમવામાં વ્યસ્ત છે. પરંતુ હવામાન વિભાગ તરફથી ખેલૈયાઓ માટે થોડા માઠા સમાચાર આવ્યા છે. આજથી તા.27 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગાજવીજ સાથે વરસાદની આગાહી હોવાથી ખેલૈયાઓની મજા થોડાક અંશે બગડવાની શક્યતા છે.

આજથી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું કે રાજ્યમાં ઉત્તર ગુજરાત સિવાય અન્ય વિસ્તારોમાં છૂટાછવાયાં ભારે વરસાદની શક્યતા છે. હાલ ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે જે ડિપ્રેશનમાં ફેરવાશે. તેના પગલે આજથી તા.27 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

દક્ષિણ ગુજરાતમાં વધારે અસર
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ સ્થાનિક વહીવટી તંત્રને પણ સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

અમદાવાદમાં પણ વરસાદની આગાહી
તા. 28 સપ્ટેમ્બર રવિવારે અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે. એટલે કે રાજ્યના મોટા શહેરોમાં વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. વરસાદી માહોલને કારણે ખેલૈયાઓને ખલેલ પહોંચવાની શક્યતા છે. ખાસ કરીને ખુલ્લા મેદાનોમાં રમાતા ગરબાના કાર્યક્રમોમાં.

ચોમાસાની વિદાય પહેલા વરસાદ
રાજ્યમાંથી હાલ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. સિઝન દરમ્યાન સરેરાશ 111 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઝોન મુજબ જોવામાં આવે તો કચ્છમાં 136 ટકા, ઉત્તર ગુજરાતમાં 119 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 113 ટકા, સૌરાષ્ટ્રમાં 96 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 117 ટકા વરસાદ નોંધાયો છે. આંકડાઓ દર્શાવે છે કે આ વર્ષે વરસાદ સરેરાશથી વધારે રહ્યો છે.

આમ નવરાત્રીની મોજ વચ્ચે ખેલૈયાઓને થોડું સાવચેત રહેવું પડશે કારણ કે વરસાદી ઝાપટાં તેમની મજા બગાડી શકે છે.

Most Popular

To Top