Gujarat Main

વરસાદ વીકએન્ડ પર ખૈલેયાઓની મજા બગાડશે, હવામાન વિભાગની મોટી આગાહી

નવલી નવરાત્રિની રાજ્યમાં જોરશોરથી ઉજવણી થઈ રહી છે. સુરત, અમદાવાદ અને વડોદરામાં શેરી-ગરબા ઉપરાંત કમર્શિયલ આયોજનોમાં મન મૂકીને ખૈલેયાઓ ગરબે ઝૂમી રહ્યાં છે. નોરતાના પહેલાં એકાદ-બે દિવસ વડોદરામાં વરસાદે હેરાન કર્યા હતા, પરંતુ ત્યાર બાદ વાતાવરણ અનુકૂળ થયું હતું. તેથી ખૈલેયાઓએ હાશકારો અનુભવ્યો હતો, જોકે ગરબા શોખીનોને ચિંતા થાય તેવા સમાચાર ફરી આવ્યા છે.

હવામાન વિભાગે આવતીકાલે તા. 27 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર એટલે કે દશેરા સુધી વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓમાં છુટાછવાયા તથા ભારે વરસાદની શક્યતા છે. વીકએન્ડ પર વરસાદ વરસે તેવી ભારોભાર સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે, તેને પગલે શનિ-રવિમાં ખૈલેયાઓનો મૂડ વરસાદ બગાડે તેવો ભય છે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી છે. તેથી વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. ગાજવીજ સાથેના વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા છે. નાગરિકોને સાવચેતી રાખવા સૂચન કરાયું છે.

ક્યારે ક્યાં પડશે વરસાદ?
તા. 27 સપ્ટેમ્બરને શનિવારે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. 27 સપ્ટેમ્બરે નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ-દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા તથા કેટલાંક ઠેકાણે ભારે વરસાદની સંભાવના છે.

28 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, અમદાવાદ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.

29 સપ્ટેમ્બરે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે.

30 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવના છે.

Most Popular

To Top