નડિયાદ: નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શારદા મંદિર રોડને કેટલાક મહિનાઓ પહેલાં ખોદવામાં આવ્યા બાદ તંત્રના કોન્ટ્રાક્ટર દ્વારા તેનું યોગ્ય પુરાણ કરવાની તસ્દી લેવામાં આવી ન હતી. જેને કારણે હાલમાં આ વિસ્તારના રહીશોને હાલાકી ભોગવવી પડી રહી છે.
નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શારદા મંદિર રોડ પર તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની પાઈપ નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. રોડની વચ્ચોવચ્ચ ખોદકામ કર્યા બાદ તંત્ર દ્વારા યોગ્ય પુરાણ કરવામાં આવ્યું ન હતું. છેલ્લા કેટલાય મહિનાઓથી માર્ગ જોખમી અને બિસ્માર હાલતમાં હોવાછતાં તંત્ર દ્વારા તેની મરામતની કામગીરી કરવામાં આવી નથી.
જેને લઈને હાલમાં આ વિસ્તારમાંથી અવરજવર કરતાં વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. સાજના સમયે આ માર્ગ પર રખડતાં પશુઓના અડિગાની સાથે સાથે બિસ્માર રસ્તાથી રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડે છે. આડેધડ કરવામાં આવેલ પુરાણ કેટલીક જગ્યાએ બેસી ગયું હોવાથી જોખમી ખાડા પણ વાહનચાલકો માટે જોખમી બન્યા છે.
નવા ચૂંટાયેલા સભ્યો હવે આ માર્ગની મરામત બાબતે સત્વરે કોઈ નિર્ણય લે અને કામગીરી શરૂ કરે તેવી લોકલાગણી પ્રવર્તિ રહી છે.