Charchapatra

કાગવાસનો મીઠો અનુભવ


૧૫/૯/૨૦૨૫ ના અંકમાં આવેલા ચર્ચાપત્ર પછી લખાયેલ આ પત્રમાં મારો અનુભવ મીઠો છે. હું અમેરિકાના વિસકોનસીનનાં એક નાનકડાં ગામમાં રહું છું. દર વર્ષે હું પણ દેવલોક પામેલા મારા માતપિતાનાં તિથીએ પૂરીશાક વગેરે ભાવપૂર્વક છાપરા ઉપર કાગડા માટે મૂકું છું અને દર વર્ષે બે કાગડાઓ ક્યાંકથી આવે છે અને ખાઈ જાય છે. આ હકીકત છે. આપણા રીતરિવાજ, સંસ્કૃતિ, ધર્મ, માન્યતાઓ ઉપર શ્રદ્ધા રાખી ભાવપૂર્વક કરેલી વિધી પૂજા ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. બે વરસનાં કડવા અનુભવથી કંઈ ધારી લેવું ના જોઈએ . એજ અંકમાં ગોચર અગોચરમાં યજ્ઞેષ ત્રિવેદીજીનો લેખ પિતૃપક્ષનું સમાપન વાંચશો તો સમજાશે કે જો આપણે આ રીતરિવાજ છોડી દેશુ તો એની કેવી વિપરીત અસર સમાજ ઉપર પડશે. મેં તો આ ઘણા કુટુંબમાં જોયું છે કે માતાપિતા જીવતા કે મરેલાની અવગણનાની કેટલી માઠી અસર તેમના કુટુંબ ઉપર થાય છે. વિસકોનસીન, અમેરિકા       – સ્મિતા દેસાઈ

ડર નથી રહ્યા? 
હમણાં જ એક વાયરલ વીડિયો જોયો, ટ્રેનનાં એસી કમ્પાર્ટમેન્ટમાં એક છોકરી ધૂમ્રપાન કરી રહી હતી, ઘણા લોકોએ વિરોધ કર્યો. તે લોકો સાથે દલીલ કરે છે, પણ ટ્રેનના ડબ્બામાંથી બહાર નીકળતી નથી. તે કહે છે કે વીડિયો ના બનાવો, પોલીસને ફોન કરો, હું અહીં છું. અને હજુ ધૂમ્રપાન કરે જ છે! આ બાબતે હું દૃઢપણે માનું છું કે, આપણે યુરોપિયન અને અમેરિકન સંસ્કૃતિ સ્વીકારીએ છીએ, પણ આપણો કાયદો બાબા આદમનાં જમાનાનો છે. હવે ગુનેગારને ગુના કરતા ગુનાની રકમ અને સજા ખુબ જ મામુલી લાગવા માંડી છે. ખુબ જ કડક કાનૂન કાર્યવાહી ગુનેગારને ગુના કરતા વિચારવા મજબૂર કરે એવો હોવો જોઈએ. હાલની સરકાર મજબૂત નિર્ણય લેવામાં માહીર છે, તો આ અંગે સરકાર તેમજ માનવ અધિકાર ગંભીરતાપૂર્વક વિચાર કરે. નહીંતર વિશ્વની સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ ગુનાઓનો દેશ બનતા વાર નહીં લાગે. 
સુરત     – જિજ્ઞેશ બક્ષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top