SURAT

રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે ઈન્ડસ્ટ્રીયલ એકમોના ધમધમાટ સામે પુણામાં વિરોધ, લોકો ધરણાં પર બેઠાં

શહેરના વરાછા ઝોનમાં સમાવિષ્ટ પુણા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર બાંધકામોની સાથે-સાથે રહેણાંક વિસ્તારમાં ઔદ્યોગિક એકમોનાં ધમધમાટને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છાશવારે આ સંદર્ભે રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડ કાન કરવાની વૃત્તિને પગલે આજરોજ આસપાસની સોસાયટીના પ્રમુખો દ્વારા પુણા તળાવ ખાતે વિરોધ પ્રદર્શન સાથે ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પુણા વિસ્તારમાં ગેરકાયદેસર ઈન્ડસ્ટ્રીયલ બાંધકામોને પગલે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 24 કલાક ધમધમતાં ઔદ્યોગિક એકમો અને ઈન્ડસ્ટ્રીયલ બાંધકામોને કારણે સોસાયટીઓનાં રહેવાસીઓનું જીવન દુષ્કર બની ચુક્યું છે.

આ અંગે સ્થાનિકો દ્વારા અનેક વખત લેખિત – મૌખિક રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા આ ન્યુસન્સ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ સ્થિતિમાં રહેણાંક વિસ્તારોમાં ઔદ્યોગિક એકમોનાં ધમધમાટને પગલે અસામાજીક પ્રવૃત્તિઓનું પણ દૂષણ વધતાં ગુન્હાખોરીનું પ્રમાણ વધતું હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

રહેણાંક વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો અને ગેરકાયદેસર ઈન્ડસ્ટ્રીયલ બાંધકામ દુર કરવા અંગે રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં આજરોજ પુણા તળાવ ખાતે આસપાસની સોસાયટીના પ્રમુખો દ્વારા ઔદ્યોગિક બાંધકામો હટાવો પુણા બચાવોની માંગ સાથે ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Most Popular

To Top