વાહનોથી ઘમઘમતા વાઘોડિયા – તવરા રોડ પરની ઘટના
વાઘોડિયા:
તવરારોડ ઉપર એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે. જેમાં ચાલુ બસે ખાનગી બસનુ ટાયર પ્લેટ સાથે નીકળી જતા રસ્તે જતા વૃધ્ધને વાગતા વૃધ્ધ ગંભીર રીતે ઘવાયા હતા.

વાઘોડિયા તવરા રોડ પર આજે મેડિકલ સ્ટુડન્ટ ભરી કેમ્પ કરવા જતી કોલેજની ખાનગી બસનુ ચાલુ બસે પાછળનુ એક ટાયર વ્હિલ સાથે નીકળી જતા ટાયર બંદુકની ગોડીની જેમ રોડ પર ઊછળ કુદ કરતુ રસ્તે જતા રાહદારી વૃધ્ધને વાગી ગયું હતું. તેથી વૃધ્ધ લોહિલુહાણ બની રોડ પર પટકાયા હતા.

વિચીત્ર અકસ્માત બાદ બસ થોડે દુર ગયા પછી રોકાઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત વૃધ્ધ ઊંઘા મોંઢે રોડ પર પટકાતા ચહેરા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘટના સ્થળે રાહદારી વાહનચાલકોના ટોળા જમા થયા હતા.

ઘટના અંગેની જાણ વાઘોડિયા પોલીસને કરવામા આવતા પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી જરુરી કાર્યવાહી હાથ ધરી હતી, બીજી તરફ ઈજાગ્રસ્ત વૃધ્ધને 108 ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા.