Gujarat Main

તંત્રની બેદરકારીએ દંપતીનો ભોગ લીધો, ખાડામાં ભરાયેલા પાણીમાં કરંટ લાગતા પતિ-પત્નીનું મોત

અમદાવાદના નારોલ વિસ્તારમાં સોમવારે તા. 8 સપ્ટેમ્બરની રાત્રે ચોંકાવનારી ઘટના બની હતી. અહીં રોડ પર પડેલા ખાડામાં વરસાદી પાણી ભરાયા હતા. રોડ પર પણ 3 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. દરમિયાન આ રોડ પરથી એક્ટિવા લઈ પસાર દંપતી પસાર થઈ રહ્યું હતું. આ દંપતીને અચાનક વીજકરંટ લાગ્યો હતો. પત્ની રસ્તા પર પડી ગઈ હતી, તેને પતિ બચાવવા ગયો હતો. તો તેને પણ કરંટ લાગ્યો હતો. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

ઘટના અંગે જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડ દોડી ગઈ હતી. વીજ કંપનીના અધિકારીઓએ પણ ઘટના સ્થળે પહોંચી વીજ કરંટ બંધ કર્યો હતો. બાદમાં દંપતીના મૃતદેહ બહાર કાઢી 108માં હોસ્પિટલ ખસેડાયા હતા. મૃતકો અંકિતાબેન રાજનભાઈ સિંઘલ તથા રાજન હરજીવનભાઈ સિંઘલ હોવાનું બહાર આવ્યું છે.

પરિવારજનોમાં આક્રોશ
સિંઘલ દંપતીનું મૃત્યુ તંત્રની લાપરવાહીને લીધે થતું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હોવા છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોઈ મદદ ન મળતા પરિવારજનોમાં રોષ વ્યાપી ગયો છે. પરિવારજનો દંપતીના મૃતદેહ લઈ અમદાવાદ દક્ષિણ ઝોન ઓફિસે પહોંચ્યા હતા. આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી. ત્યારે અધિકારીઓએ કચેરીના દરવાજા પર તાળાં મારી દીધા હતા. પોલીસે પણ મૃતકના પરિવારજનો સાથે ઘર્ષણ કર્યું હતું. આખરે પરિવારે રસ્તા પર ધરણાં કર્યા હતા. આખરે સ્થિતિ વણસી રહી હોવાનું દેખાતા ઉચ્ચ અધિકારીઓએ આવેદનપત્ર સ્વીકાર્યું હતું.

શું બની હતી ઘટના?
ગઈકાલે તા. 8 સપ્ટેમ્બરની રાત્રે નારોલ પોલીસ સ્ટેશન નજીક આવેલા રૂદ્ર ગ્રીન ફ્લેટમાં રહેતા રાજન અને અંકિતા સિંઘલ એક્ટિવા પર નારોલની મટન ગલી રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં. આ રોડ પર વરસાદી પાણી ભરાયેલા હતા. રોડ પર મોટા ખાડા પડેલાં છે. તે વરસાદી પાણીથી ભરાયા હતા. એક ખાડા પરથી એક્ટિવા પસાર થયું ત્યારે અચાનક દંપતીને કરંટ લાગ્યો હતો અને રસ્તે પડી બેહોશ થઈ ગયા હતા. સ્થાનિકો મદદ માટે દોડી ગયા હતા.

Most Popular

To Top