National

બંગાળ વિધાનસભામાં ભાજપ અને ટીએમસી ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી, ભાજપે મમતા સરકારને ધેરી

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ચાલી રહેલા ત્રણ દિવસના ખાસ સત્રના ત્રીજા અને છેલ્લા દિવસે ગુરૂવારે ભારે હોબાળો અને ઘર્ષણ સર્જાયું હતું. તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે સૂત્રોચ્ચાર અને ઝપાઝપી સુધીની પરિસ્થિતિ સર્જાતા ગૃહનું વાતાવરણ ગરમાયું હતું. આ ઘટના બાદ ભાજપે મમતા બેનર્જી સરકાર પર લોકશાહી દબાવવાના આક્ષેપો કર્યા.

સરકારી ઠરાવને લઈને ટકરાવ
હંગામો ત્યારે થયો જ્યારે બંગાળી સ્થળાંતર કરનારાઓ પરના કથિત અત્યાચાર અંગેના સરકારી ઠરાવ પર ચર્ચા ચાલી રહી હતી. આ દરમ્યાન બંને પક્ષના ધારાસભ્યોએ એકબીજાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા. પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે ગૃહમાં ઝપાઝપી પણ જોવા મળી.

હોબાળો શા માટે વધુ બન્યો?
વિધાનસભામાં હોબાળો તા.2 સપ્ટેમ્બરની ઘટનાને લઈ વધુ ઉગ્ર બન્યો હતો. ભાજપના ધારાસભ્યોએ નેતા પ્રતિપક્ષ શુભેન્દુ અધિકારીના સસ્પેન્શનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના વિરોધમાં સૂત્રોચ્ચાર થતાં તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યો ભડક્યા અને ઘર્ષણ વધ્યું હતું.

શંકર ઘોષ સસ્પેન્ડ
હંગામા વચ્ચે સ્પીકર બિમન બેનર્જીએ ભાજપના મુખ્ય સચેત શંકર ઘોષને અવ્યવસ્થા ફેલાવવાના આરોપસર આખા દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ જ્યારે શંકર ઘોષે આ આદેશનો વિરોધ કર્યો અને ગૃહની બહાર જવા ઈન્કાર કર્યો. ત્યારબાદ માર્શલોને બોલાવવામાં આવ્યા અને તેમને જોરથી ગૃહની બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાથી ગૃહમાં તણાવ વધુ વધ્યો હતો.

શુભેન્દુનો મમતા સરકાર પર આક્ષેપ
ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને મમતા સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં મમતા બેનર્જી અને તેમની સરકાર લોકશાહીનો ગળું ઘૂંટે છે. તેમણે આ ઘટનાને “લોકશાહીની હત્યા” ગણાવી.

ત્રણ દિવસના ખાસ સત્રના અંતિમ દિવસે થયેલા આ હંગામાએ રાજ્યની રાજનીતિમાં ગરમાવો લાવ્યો છે. ભાજપે મમતા સરકાર પર લોકશાહી દબાવવા આરોપ લગાવ્યા છે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસે ભાજપ પર અવ્યવસ્થા ફેલાવવાનો દોષ મૂક્યો છે. હવે આ મામલો વધુ તીવ્ર રાજકીય ટકરાવ તરફ આગળ વધે તેવી શક્યતા છે.

Most Popular

To Top