બનાસકાંઠાના ડીસા તાલુકાના મહાદેવીયા ગામમાંથી નકલી નોટો છાપવાની ફેક્ટરી ઝડપાઈ છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી કરી 40 લાખની કિંમતની ભારતીય ચલણની નકલી નોટો પકડી છે. આ દરોડા કાર્યવાહીમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. નોટો પ્રિન્ટ કરવાના મશીન સહિતની સામગ્રી કબ્જે લીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એલસીબીને મહાદેવીયા ગામે ડુપ્લીકેટ નોટો બનાવવામાં આવતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે, ગત (3 સપ્ટેમ્બર) મોડીરાત્રે એલસીબીની ટીમે ગામમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસને ત્યાંથી 40 લાખથી વધુની નકલી નોટો મળી આવી હતી.
પોલીસે ઘટનાસ્થળેથી બે આરોપીને ઝડપી પાડ્યા છે, જેમણે પ્રાથમિક પૂછપરછમાં નકલી નોટો છાપતા હોવાનું સ્વીકાર્યું છે. હાલમાં જપ્ત કરાયેલી નોટોની ગણતરીનું કામ ચાલી રહ્યું છે. એલસીબીની આ સફળ કામગીરીથી સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.
આ મામલે વધુ વિગતો આપતાં જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને આ સમગ્ર મામલાની સત્તાવાર માહિતી આપવામાં આવશે. પોલીસે આ રેકેટમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.