Comments

આત્મઘાતનો નિશ્ચિત માર્ગ એટલે હિમાલય ક્ષેત્રમાં વિકાસ

‘અમે પેઢીઓથી આ નદીની સાથે રહેતા આવ્યા છીએ પણ હવે એ અમારી નદી રહી નથી. એ સાવ અજાણી બની ગઈ છે.’ આ ઉદ્દગાર ઉત્તરાખંડના ધરાલી ગામે ખીરગંગા નદીએ જે તબાહી કરી એ વિસ્તારના એક દુકાનદારના છે. સાવ સીધાસાદા જણાતા આ કથનની ગંભીરતાને સમજવા જેવી છે. પહાડી વિસ્તારોમાં લોકો કુદરતની સાથે જીવતા હોય છે, એમ વિવિધ કુદરતી પ્રતિકૂળતાઓ સાથે અનુકૂલન પણ સાધી લેતા હોય છે. પણ હવે જે પ્રતિકુળતાઓ કુદરત આદરી રહી છે તેની પાછળ માનવસર્જિત પરિબળો જવાબદાર છે.

હકીકતમાં ધરાલીની દુર્ઘટના થઈ એના માંડ એકાદ મહિના અગાઉ હિમાચલ પ્રદેશના સિરાજમાં જાણે કે આનું રિહર્સલ થયેલું. વરસાદને પગલે પૂર આવ્યું. ઝરણાં ધસમસતાં બન્યાં. મકાનો ધસી પડવા લાગ્યાં અને પુલ જાણે કે રમકડાંનાં બનેલાં હોય બટકવા લાગ્યા. જોતજોતાંમાં બાખલી-નાલ અને થુનાગ વચ્ચેનો આખો વિસ્તાર સંપર્ક વિહોણો થઈ ગયો. મદદ માટે કોઈ ત્યાં નહોતું પહોંચી શક્યું. એ વિસ્તારની એક પ્રૌઢાએ કહ્યું, ‘અમે ઘણાં તોફાન જોયાં છે. પર્વતો એની સામે અડીખમ રહેતા પણ આ વખતે એ પડી ભાંગ્યા.’ કહેવાનો સાર એટલો કે પ્રાકૃતિક કોપની નવાઈ નથી, પણ એની સામે ઝીંક ઝીલવાની પ્રકૃતિની ક્ષમતા સતત ઘટી રહી છે.

હિમાલયમાં ઠેરઠેર વિકાસ યોજનાઓ થઈ રહી છે. એક અભ્યાસ અનુસાર અગાઉની એટલે કે આ વિસ્તારના વર્તમાન ઔદ્યોગિક વિકાસની સરખામણીએ હિમાલયના વિસ્તારનું તાપમાન 1.8 અંશ સેલ્સિયસ જેટલું વધારે છે, જે ઘણું કહેવાય. શેને કારણે આ સ્થિતિ આવી? આનો સીધો જવાબ છે અહીં આવેલી બહુરાષ્ટ્રીય કંપનીઓને કારણે. આ વિસ્તારનો અભ્યાસ સૂચવે છે કે છેલ્લા ત્રણથી ચાર દાયકા દરમિયાન આ વિસ્તારમાં આવેલી ચાલીસ બહુરાષ્ટ્રીય કંપનીઓ આ વિસ્તારમાં કરાતા ચાલીસ ટકાથી વધુ કાર્બન ઉત્સર્જન માટે જવાબદાર છે.

આવી કંપનીઓમાં તેલ અને વાયુ કંપનીઓ, કોલસાની કંપનીઓ તેમજ કૃષિ સાથે સંકળાયેલી કંપનીઓનો સમાવેશ થાય છે. આ કંપનીઓ તગડો નફો રળે છે, પણ તેની વિપરીત અસરોનો ભોગ બનવાનું સ્થાનિકોના ભાગે આવે છે. આવી કેટલીક કંપનીઓનાં નામ છે: સાઉદી અરામ્કો, એક્ઝોનમોબીલ, શેવરોન, ગઝપ્રોમ, નેશનલ ઈરાનીયન ઓઈલ કંપની, કોલ ઈન્ડિયા વગેરે. સવાલ એ છે કે શું આ બધું રાતોરાત થયું? અજાણતાં થયું? અણધાર્યું થયું?

શહેરી અભ્યાસ અને સંચાલન ક્ષેત્રે નિષ્ણાત ગણાતા, શિમલા શહેરના નાયબ મેયરપદે રહી ચૂકેલા ટિકેન્દરસિંહ પંવારે આખો ઘટનાક્રમ સમજાવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર 1990ના દાયકામાં કેન્દ્રીય સરકારે આ સમગ્ર વિસ્તારના આર્થિક માળખાને નવેસરથી ગૂંથવાનો આરંભ કર્યો. લોન, પ્રોત્સાહક અભિગમ અને નીતિઓમાં કરાયેલું પરિવર્તન, આ તમામ બાબતો જળવિદ્યુત, પ્રવાસન તેમજ રીઅલ એસ્ટેટના ક્ષેત્રને વેગ મળે એ રીતે તૈયાર કરાતાં ગયાં. નાણાંભીડ અનુભવતાં રાજ્યો આવકમાં વૃદ્ધિ માટે આતુર હતાં. તેમણે ઝાઝું વિચાર્યા વિના આનો સ્વીકાર કરી લીધો. સ્થાનિકોને કહેવામાં આવ્યું કે આ ‘વિકાસ’ છે, વાસ્તવમાં એ વિનાશનો માર્ગ બની રહ્યો હતો. પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોમાં ઘટાડો, પર્યાવરણની મંજૂરીઓમાં તોડમરોડ તેમજ પરંપરાગત રીતે પ્રચલિત જમીનના ઉપયોગની પદ્ધતિઓને કોરાણે મૂકીને કેવળ આવક પર ધ્યાન કેન્દ્રિત કરાયું.

એક વાર આ માર્ગની પસંદગી થઈ અને તેના પરની સફર આરંભાઈ એ પછી હિમાલયનાં રાજ્યો માટે પાછા ફરવાનો અવકાશ રહ્યો નહીં. વિકાસના કેન્દ્રીય મોડેલમાં સ્થિરતાને બદલે ઝડપ, અન્ય જરૂરિયાતને બદલે કેવળ બાંધકામને પ્રાધાન્ય અપાતું ગયું. મોટા ભાગના માટે પસંદગી કેવળ બે નઠારા વિકલ્પો વચ્ચે જ હતી: વિકાસની દોડમાં જોડાઈ જવું કે પછી નાણાંના ધસમસતા પ્રવાહથી વંચિત રહેવું. ઉત્તરાખંડમાંનો ચાર ધામ રાષ્ટ્રીય ધોરીમાર્ગનો પ્રકલ્પ જોઈએ તો ખ્યાલ આવશે કે નવસો કિ.મી.ના પ્રકલ્પને સમગ્ર દૃષ્ટિએ જોવાને બદલે તેને નાના નાના ટુકડામાં વિભાજીત કરી દેવામાં આવ્યો. ઢાળ અતિશય ઊતારવાળા બન્યા,

ભંગારને પાણીના વહેળાઓમાં ઠાલવવામાં આવ્યો, નિકાલની વ્યવસ્થાને નજરઅંદાજ કરવામાં આવી. આને કારણે ભૂસ્ખલનની ઘટનાઓમાં વધારો થયો. પણ આ કંઈ અણધાર્યું નહોતું. એનો કાર્યકારણનો સંબંધ સમજવો સરળ છે. મંત્ર એક જ હતો: બસ, ઊતાવળે કામ પતાવો, અને લોકોની ધાર્મિક લાગણીને પંપાળો. પર્યાવરણનું અને સ્થાનિક લોકોનું જે થવું હોય એ થાય.

હિમાચલ પ્રદેશમાં પણ ઠેરઠેર આ જ કથા છે. શહેરી આયોજનના નિષ્ણાતો પોતાના આયોજનમાં જવલ્લે જ પર્યાવરણ કે હવામાનના ખતરાઓને ધ્યાને લે છે. જે તે વિસ્તારની વહન ક્ષમતાનો અભ્યાસ કાં થતો નથી, કાં અવગણાય છે. ગેરકાયદે બાંધકામ અમુક દંડ કે લાંચ થકી કદાચ કાનૂની બની શકે, પણ પર્યાવરણ માટે એ જોખમી મટી જતું નથી. ટિકેન્દરસિંહે એ પણ જણાવ્યું છે કે હિમાલયના વિસ્તારોમાં સ્થાનિક લોકોની આગવી પદ્ધતિ હતી.

ગ્રામજનો નદીના પટને ચોખ્ખો રાખતા, કેમ કે, તેઓ જાણતા કે નદીનો કાંપ અને તેનો પ્રવાહ છલકાશે તો એને જગ્યા જોઈશે. મકાનો ઢોળાવ પર રહેતા, નહીં કે તીવ્રતમ ઊતાર પર. પગથિયાં બનાવીને કરાતી ખેતી પાણીની ગતિને મંદ કરતી. આવી તો અનેક પદ્ધતિઓ પ્રચલિત હતી. સિરાજમાં વસાહતો એ રીતે બનાવાતી કે ભૂસ્ખલનથી તેને ઓછામાં ઓછું નુકસાન થાય. હવે આખો મામલો ‘પ્રોપર્ટી’ અને ‘રીઅલ એસ્ટેટ’નો બની ગયો છે. ખાલી જગ્યાનું મહત્ત્વ પર્યાવરણની દૃષ્ટિએ નહીં, નાણાંના તોલે તોળાય છે.

સડક બનાવવા માટે વધુ પડતો ઢાળ રાખવો, પાર્કિંગ સ્થળ બનાવવા માટે નદીના મેદાન પર કોન્ક્રિટ કરવું, કોઈ પ્રકલ્પ માટે થઈને વનવિસ્તાર ઘટાડતા જવો- આ બધું નૈસર્ગિક સુરક્ષાને ઘટાડે છે. બાકી રહે એ વાદળ ફાટવાનો કે વાવાઝોડા જેવો કુદરતી પ્રકોપ પૂરું કરે છે. આ વિસ્તારનો વિકાસ જોઈને આપણે હજી હરખાઈ રહ્યા છીએ અને એનું ગૌરવ અનુભવી રહ્યા છીએ એનો અર્થ એટલો કે ‘મહામૂર્ખ’ની વ્યાખ્યા શોધવા માટે શબ્દકોશને ફંફોસવાની જરૂર નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top