SURAT

દમણથી દારૂની ખેપ મારવા કિન્નરનો વેશ ધારણ કર્યો, સુરતમાં પકડાઈ ગયા

ગુજરાતમાં દારૂબંધી છે એટલે બુટલેગર, દારૂ માફિયાઓ યેનકેન પ્રકારે પડોશી રાજ્યો અને દમણમાંથી દારૂ ઘુસાડવા પ્રયાસ કરે છે. તે માટે બુટલેગર અને ખેપિયાઓ અવનવા કિમીયા અજમાવતા રહે છે. ત્યારે દમણથી દારૂ લાવવા સુરતના ખેપિયાઓએ કિન્નરોનો વેશ ધારણ કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

પોલીસથી બચી દારૂની હેરફેર કરવા બે ખેપિયાઓએ ટ્રાન્સજેન્ડર એટલે કે કિન્નરનો વેશ ધારણ કર્યો હોવાની ઘટના સામે આવી છે. સજીધજીને બંને ખેપિયા દમણથી સુરત દારૂ લાવી રહ્યાં હતાં ત્યારે ઉધના પોલીસે પકડી પાડ્યા છે. પહેલી નજરે તો બંને પર શંકા ન જાય પરંતુ ઉધના પોલીસને અગાઉથી બાતમી મળી હોય પોલીસ અધિકારીઓ ટાંપીને બેઠાં હતા. જેવા બંને જણા દમણથી દારૂ લાવ્યા કે તરત જ પકડી લીધા હતા. બંને પાસેથી 4 લાખથી વધુનો દારૂ પકડાયો છે. બંને નકલી ટ્રાન્સજેન્ડર સહિત 4 લોકોને પોલીસે લોકઅપમાં પૂર્યા છે.

પોલીસ સૂત્રોએ કહ્યું કે, સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે ઉધના મઢીની ખમણી સામે દારૂ આવ્યો છે. અહીં ખુલ્લા પ્લોટમાં દારૂનો સપ્લાય થયો છે, તેથી બાતમીના આધારે ઉધના પોલીસે દરોડો પાડ્યો હતો. ખુલ્લા પ્લોટમાં એક વેગનઆર કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. દારૂના જથ્થા સાથે પોલીસે ચારને પકડ્યા હતા.

કિન્નરનો વેશ ધારણ કરનાર ચેતન ઉર્ફે ઈશિતાકુંવર સોમચંદ્ર દરજી (ઉં.વ. 42) અને ડેઝીકુંવર નિર્મલાકુંવર (ઉં.વ.42)ને પકડ્યા હતા. તે ઉપરાંત ડ્રાઈવર અજય પટેલ (ઉં.વ. 28) તેમજ કિશન બાવળીયા (ઉં.વ.24) પકડાયો હતો.

આરોપીઓ પાસેથી 588 નાની મોટી દારૂની બોટલો અને બિયરના ટીન જપ્ત કરાયા છે, જેની કુલ કિંમત 1,43,280 થાય છે.

Most Popular

To Top