પ્રતિનિધી ગોધરા તા.31
છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યભરમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે પંચમહાલ જિલ્લામાં આવેલા પાનમ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. ડેમ ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે તેના 8 દરવાજા ખોલીને 1.65 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેને પરિણામે પાનમ નદી બંને કાંઠે વહી રહી છે અને તેમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે.
પાનમ ડેમની જળસપાટી તેની ભયજનક સપાટી (FRL) 127.20 મીટરને વટાવીને 127.41 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક ચાલુ રહેતા તંત્રે તાત્કાલિક પગલાં લીધાં હતા.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહીસાગર જિલ્લાના પાનમ નદીના કાંઠા વિસ્તારમાં આવેલા 23 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર અને સિંચાઈ વિભાગ દ્વારા નદી કાંઠાના લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં ન જવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.