Comments

નરેન્દ્ર મોદી સામે મોટો પડકાર

આસામ, બંગાળ, કેરળ, તામિલનાડ અને પુડુચેરી વિધાનસભાઓની ચૂંટણીઓની તારીખ જાહેર થઇ ગઇ પણ આ ચૂંટણીઓમાં વિજય માટે ભારતીય જનતા પક્ષે કેફમાં રહેવા જેવું નથી કારણ કે તેને અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે તે મોટા પડકાર સમાન છે. આ રાજયો ઉત્તર ભારતની બહાર છે અને ખેડૂત સંઘોનો અજંપો ઉત્તર ભારત પૂરતો જ સીમિત હતો છતાં ભારતીય જનતા પક્ષના મોવડીઓ જાણે છે કે આ ચૂંટણી 2024 ની લોકસભાની ચૂંટણી પહેલાં દિશાસૂચક છે.

અલબત્ત, સૌથી મહત્ત્વની ચૂંટણીઓમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને ગુજરાતમાં 2022 માં અને કર્ણાટક, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં 2023 માં યોજાવાની છે. આમ છતાં મોદીએ એવું બતાવવું હોય કે તે સહેલાઇથી પરાજીત નહીં થઇ શકે તો ભારતીય જનતા પક્ષે કમમાં કમ બંગાળમાં સારો દેખાવ કરવો જ રહયો.

મોટી રાષ્ટ્રીય અસરની દ્રષ્ટિએ બંગાળની ચૂંટણી 2024 ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના વર્ચસ્વને પડકારવા માટે મોટા પ્રાદેશિક પક્ષોના પુનર્વર્ગીકરણ માટે ચાવીરૂપ છે. બંગાળમાં તૃણમૂળ કોંગ્રેસને ઊંડો ઘા પડે તોય લોકસભાની 2014 ની ચૂંટણી સાથે શરૂ થયેલા મોદીના વિજયરથ સામેનો છેલ્લો અવરોધ પણ સમાપ્ત થઇ જાય. મમતા બેનરજી 2021 ની બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં વિજયી બને તો વિરોધ પક્ષોના રાજકારણના મોજાંનો સામનો કરવાનું ભારતીય જનતા પક્ષને ભારે પડશે ભલે વિપક્ષી મોજાંમાં કોંગ્રેસની કોઇ મહત્ત્વની ભૂમિકા નહીં હોય.

ભારતીય જનતા પક્ષના આક્રમક પ્રચાર છતાં મમતા એવો સંદેશ પાઠવી શકે છે કે મોદી માટે 2024 ની ચૂંટણીમાં કપરો કાળ આવી રહ્યો છે. ભારતીય જનતા પક્ષ મમતા સામે મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉપસી  આવે તો તે પણ આશ્વાસન ગણાશે?

મમતા માટે એ સહેલું છે? છેલ્લા એક દાયકામાં મમતાના પક્ષની બંગાળમાં પકડ જોતાં એટલું સહેલું નથી લાગતું! પણ મમતાની લોકપ્રિયતામાં જે રીતે ઘટાડો થયો છે તે જોતાં ભારતીય જનતા પક્ષ માટે તે અશકય કે સિધ્ધ નહીં થઇ શકે તેવું ધ્યેય પણ નથી લાગતું! મમતાના પક્ષનું ચૂંટણી તંત્ર પણ પક્ષના કેટલાક ખમતીધર સભ્યોના ભારતીય જનતા પક્ષમાં ગમન સાથે નબળું પડયું છે.

મમતાની સરકાર સામે સમાજનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં અસંતોષ વધતો જાય છે. છેલ્લાં દસ વર્ષમાં બંગાળમાં ખાનગી મૂડી રોકાણ ઘટયું છે, બેરોજગારી વધી છે, વિકાસ ઘટયો છે, ગ્રામીણ ક્ષેત્રમાં હતાશા ફેલાઇ છે તેમજ ભ્રષ્ટાચાર, ધાકધમકીથી પૈસા પડાવવા અને હિંસા વધ્યા છે. અત્યાર સુધી મમતા એવું બતાવી શકયા છે કે મને ભારતીય જનતા પક્ષનો બિલકુલ ભય નથી. ભલે તેણે 2019 ની લોકસભા ચૂંટણીમાં બંગાળની 18 માંથી 42 બેઠકો જીતી છે. ભારતીય જનતા પક્ષને આ ચૂંટણી જીતવાનો આકાશને આંબતો વિશ્વાસ છે.

બંગાળની પડોશમાં આસામમાં ભલે થોડા વખત પહેલાં નાગરિકત્વ સુધારા ધારા વિરોધી આંદોલન થયું હતું, પણ ભારતીય જનતા પક્ષને તેની ચિંતા નથી, આ કાયદો પડોશી દેશોમાંથી ધાર્મિક પજવણીને કારણે ભાગી આવેલા હિંદુઓને માન્યતા આપવાનો હતો એવી ધારણા રખાતી હતી પણ આસામમાં તેને એવી રીતે જોવાયો હતો કે તે ખાસ કરીને બાંગ્લાદેશમાંથી ભાગી આવેલા હિંદુઓ ઉપરાંત મુસ્લિમોને પણ કાયદેસર કરવાની નેમ ધરાવે છે.

સાચા સ્થાનિકોને રાજયમાં સ્થાન આપવાનો ઇન્કાર કરે તેવો નેશનલ રજિસ્ટર ફોર સિટીઝન્સનો મુસદ્દો ઘડાતા મુખ્ય પ્રવાહના અસમિયાઓ તમામ હિંદુઓ અને મુસલમાનો સહિતના વિદેશીઓના પ્રવેશનો વિરોધ કરે છે. નાગરિકત્વ સુધારા ધારાને અળગો રાખીને ભારતીય જનતા પક્ષ તેના મુખ્ય પ્રધાન સર્બાનંદ સોનોવાલની આગેવાની હેઠળ વિશ્વાસનું વાજિંત્ર વગાડી ચૂંટણી જીતવા માંગે છે.

126 સભ્યોની વિધાનસભામાંથી 100 બેઠકો મેળવવાની તે આશા રાખે છે. આ વખતે ભારતીય જનતા પક્ષની આગેવાની હેઠળનું ગઠબંધન કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધનનો સામનો કરે છે. આ કોંગ્રેસી ગઠબંધન છે. તે ઓલ ઇન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટ, આંચલિકગણ મોરચા અને ત્રણ ડાબેરી પક્ષો અને નવરચિત આસામ જાતીય પરિષદ અને રાયજોર દળ.

તરુણ ગોગોઇ જેવા ઊંચા કદના નેતાની ગેરહાજરીમાં કોંગ્રેસને અનેક પરિબળો આભડી ગયાં છે. પણ તે નાગરિકતા સુધારા ધારા સામેના વિરોધને વટાવી ભારતીય જનતા પક્ષને મૂંઝવણમાં મૂકવા માંગે છે. તામિલનાડુ વિધાનસભાની આ પહેલી ચૂંટણી છે, જેમાં એમ. કરુણાનિધિ અને જયલલિતા જેવાં ખમતીધર નેતા નથી. 2019 ની લોકસભાની ચૂંટણી સાથે દ્રવિડ મુનેત્ર કળગમ, ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્રકળગમ પક્ષ પર વર્ચસ્વ ભોગવે છે.

પણ ઓલ ઇન્ડિયા દ્રવિડ મુનેત્ર કળગમ પણ કંઇ શાંત નથી બેઠો. તેના મુખ્યમંત્રી ઇ.કે. પલૈની સામીએ બે વર્ષમાં કેટલાંક વિકાસ કામો હાથ ધરી પક્ષને ઊંચો લઇ જવાની કોશિશ કરી છે. ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કળગમની આગેવાની હેઠળના ગઠબંધનના એક સભ્ય હોવાનો લાભ લઇ ભારતીય જનતા પક્ષ દ્રવિડ મુનેત્ર કળગમ સામે તલવાર વીંઝે છે.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top