ઓનલાઈન સાયબર સ્કેમનાં કિસ્સોઓ ખૂબ વધી રહ્યા છે સાથે સ્કેમ કરવાની રીતો પણ. થોડા સમય પહેલા મારી સામે એક સાયબર ફ્રોડે જાળ ફેંકી ફસાવવાનો પ્રયાસ કર્યો- મારા ફોન નંબર પર એક વ્હોટ્સેપ મેસેજ આવ્યો જેમાં મારી ગાડીનો નંબર લખ્યો હતો અને રેડલાઈટ ક્રોસ કરવા બદલ 1000નો દંડ થયો છે તેવું જણાવ્યુ હતું. સાથે એક mPraivahan નામની APK ફાઈલ પણ મોકલી હતી. તે એપ્લિકેશન ડાઉનલોડ કરી પેનલ્ટી ભરવાં કહેવાંયું. પણ આ બાબતે શંકા જતાં હું કમિશનર કચેરીમાં આવેલી E-ચલાન ઓફિસમાં ગયો ત્યારે જાણ થઈ કે આ એક સ્કેમ છે. અને ઘણાં લોકોને આવા ફ્રોડ મેસેજ આવે છે, કેટલાકત તો શિકાર પણ થઈ જાય છે. જો તે એપ્લિકેશન ઈનસ્ટોલ કે ઓપન કરતે તો ફસાઈ જવાતે. એટલે મિત્રો આવા કોઈ પણ અજાણ્યા નંબરોથી આવતા આવા મેસેજ પર વિશ્વાસ ન કરવો, ખરાઈ કરવી, અંગત માહિતીઓ ન આપવી અને ફ્રોડ સામે પોલિસને જરૂર જાણ કરવી
અડાજણ, સુરત – દેવેશ ગોહિલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
તમાકુ પર પણ બેન મૂકવો જોઈએ
કેટલાયે કુટુંબોને બરબાદ કરનારી રૂપિયાથી રમાતી ગેમિંગ ગેમ પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે તે ખરેખર પ્રજાહિતનું ખૂબ જ ભલું કરનારું કાર્ય છે. હવે તેવી જ રીતે ભયજનક રીતે મોઢાંનાં વધી રહેલા કેન્સર માટે જવાબદાર તમાકુથી બનતા ગુટખા પર અને તમાકુથી બનતી પ્રોડક્ટો પર પણ પ્રતિબંધ મૂકવો જરૂરી છે. કેન્સર જેવી ખતરનાક બીમારી ફેલાવતા તમાકુ અને ગુટકા પર સરકારનું ધ્યાન અત્યાર સુધી કેમ નથી ગયું તે એક સવાલ છે! જે-જે વ્યક્તિઓને તમાકુ ખાવાથી મોઢાંનાં કેન્સર થયા છે તેવા વ્યક્તિઓની હાલત ખૂબ જ દયા જનક હોય છે અને તેનાથી તેના કુટુંબીજનો પૈસે ટકે પાયામાલ થઈ જતા હોય છે, ત્યારે તમાકુમાંથી બનતા ગુટખા કે બીજી કેન્સર ફેલાવતી અન્ય પ્રોડક્ટ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો ખૂબ જ જરૂરી છે.
સુરત – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.