Columns

ઊર્જાના ક્ષેત્રમાં ચીનનો નવતર પ્રયોગ, હવામાંથી ફ્યુઅલ બનશે

તમને યાદ છે? થોડા સમય પહેલાં ચીને થોરિયમને ન્યૂક્લિયર રિએક્ટરમાં ઈંધણ તરીકે વાપર્યું હતું. યુરેનિયમ કરતાં આ ટેક્નિક વધારે બહેતર છે. અમેરિકા-રશિયા, ફ્રાન્સ જેવા ઘણા દેશો એ ટેક્નિક વિકસાવવાના પ્રયોગો કરતા હતા. ગોબીના રણમાં ચીને જે પ્રાયોગિક રિએક્ટર પ્લાન્ટ બનાવ્યો એમાં થોરિયમનો ઉપયોગ કર્યો અને એમાં ધારી સફળતા પણ મળી.
તમે વિચાર કરો કે એક સમયે બધાં જ નવાં સંશોધનો પર અમેરિકા-યુરોપનો ઈજારો હતો. મેડિકલથી લઈને સાયન્સ કે કોઈ નવું મશીન કે પછી કંઈ પણ બને એ ન્યૂઝ અમેરિકા-યુરોપથી આવતા હતા. કેટલીય ટેકનોલોજી યુરોપ-અમેરિકાના કારણે દુનિયાને મળી છે. નવજાગૃતિકાળ વેસ્ટર્ન વર્લ્ડ માટે સાયન્સ-ટેકનોલોજીની ક્રાંતિ લઈને આવ્યો અને તેના કારણે મોડર્ન સાયન્સ-ટેકને શોપ મળ્યો.


પરંતુ હવે ચીને એ ઈજારાશાહી તોડી છે. ચીન આર્ટિફિશ્યલ સૂર્ય બનાવવાથી લઈને આર્ટિફિશ્યલ સ્ટાર કે ચંદ્રની ડાર્ક સાઈડ પર યાન ઉતારવાથી લઈને ઊર્જાના કેટલાય પ્રયોગો કરે છે. ચીનના સાયન્ટિસ્ટ મેડિકલના ક્ષેત્રમાં નવાં નવાં સંશોધનો કરે છે. આવાં જ સંશોધનોમાં એક નવું સંશોધન જોડાયું છે. એ ઊર્જાના સેક્ટરનું સંશોધન છે પણ જો ચીનનો દાવો ખરેખર સાચો હોય તો આ એક ચમત્કાર ગણાશે અને માનવજાતની સદીઓ જૂની ઊર્જાની વ્યાખ્યા પણ બદલાઈ જશે.
આજે તમે જોશો તો ખ્યાલ આવશે કે 21મી સદીમાં દિવસે-દિવસે સાયન્સ અને ટેકનોલોજીના કારણે ચમત્કારો સર્જાઈ રહ્યા છે. પહેલી નજરે ચમત્કાર લાગે એવા સફળ પ્રયોગો થઈ રહ્યા છે. માન્યામાં ન આવે એવી વાતો સામે આવી રહી છે. અત્યાર સુધી જે પ્રયોગો થઈ રહ્યા હતા તેણે જાણે ગિયર બદલી નાખ્યું છે. ક્યાંક હવામાંથી પાણી બનાવવામાં સફળતા મળે છે તો ક્યાંક હવામાંથી ઊર્જા બનાવવામાં સફળતા મળી રહી છે.ચીને એક સોલર રિએક્ટર બનાવીને જગતને ચોંકાવી દીધું છે. પશ્વિમી ચીનની ડાલિયન ઈન્સ્ટિટયૂટના સંશોધકોએ થોડા દિવસ અગાઉ એક અભૂતપૂર્વ ડેમોન્સ્ટ્રેશન કરી બતાવ્યું હતું. એ પ્રયોગ પ્રમાણે ચીને હવા, પાણી અને સૂર્યપ્રકાશની મદદથી જેટ ફ્યુઅલ બનાવવામાં સફળતા મેળવી છે. ચીને એવું સોલર રિએક્ટર બનાવ્યું છે કે જેણે અશક્ય લાગતું પરિણામ મેળવ્યું છે. સોલર રિએક્ટરમાં એવા એવા પ્રયોગો થયા કે વિજ્ઞાનિકોને હવા-પાણી અને સૂર્યપ્રકાશના સંયુક્ત સંયોજનમાંથી નવા પ્રકારનું ફ્યુઅલ મળી આવ્યું છે. એ ફ્યુઅલ વળી એરક્રાફ્ટના બળતણ તરીકે વાપરી પણ શકાશે. એવિએશન અને સસ્ટેનેબલ એનર્જીના ક્ષેત્રમાં આ ટેક્નિકથી નવી ક્રાંતિ આવી શકે છે. આ પ્રયોગ દર્શાવ્યા પ્રમાણે જો સફળ થશે તો ઊર્જાનો પરંપરાગત સોર્સ બદલાશે. ફોઝિલ ફ્યુઅલમાં મોટું પરિવર્તન આવશે. એક એવું ફ્યુઅલ માનવજાત વાપરતી થશે કે જેનાથી કાર્બન ઉત્સર્જન બિલકુલ થતું નહીં હોય.
એક વાત માનવી રહી કે અત્યારે આ પ્રયોગ બહુ જ ટેક્નિકલ, ખર્ચાળ અને અઘરો છે. એની પ્રક્રિયા ઘણી જ લાંબી છે તેથી એમાંથી મળતું ફ્યુઅલ વપરાશમાં લઈ શકાય તેમ નથી. ખૂબ ઊંચા તાપમાનમાં થર્મોકેમિકલ રિએક્ટર્સ હવા, પાણી અને સૂર્ય પ્રકાશમાંથી મળતાં જુદાં જુદાં તત્ત્વો-મટીરિયલને જુદાં પાડીને એમાંથી ફ્યુઅલ મેળવે છે. ભવિષ્યમાં સૂર્યપ્રકાશ સિવાયની એનર્જી એમાં ખાસ વપરાશે નહીં. આ પ્રકારે મેળવેલું ફ્યુઅલ પાયલટના ટેસ્ટિંગમાં જવાની તૈયારીમાં છે એટલે ઝીરો કાર્બનનું લક્ષ્યાંક સેટ કરવામાં આ પ્રકારનું ફ્યુઅલ દુરગામી પરિણામો આપશે.
સૂર્ય ઊર્જાનો સૌથી મોટો સોર્સ છે. માનવજાત જો સૂર્યની ઊર્જાનો મેક્સિમમ ઉપયોગ કરતી થાય તો અન્ય પરંપરાગત સોર્સનો ઉપયોગ આપોઆપ ઘટી જાય. અત્યારે દુનિયા ઊર્જા માટે પેટ્રોલિયમ પર નિર્ભર છે. પેટ્રોલિયમના ખરીદ-વેચાણ પર અર્થતંત્રો ચાલે છે પરંતુ એક અંદાજ એવો છે કે 2100 સુધીમાં ખનીજતેલના ભંડાર ખાલી થશે. ત્યાં સુધીમાં માનવજાતે ઊર્જાના અન્ય વિકલ્પો તલાશી લેવા પડશે. ચીને હવા-પાણી અને સૂર્યપ્રકાશમાંથી જે ફ્યુઅલ બનાવ્યું છે એ આ દિશામાં બહુ જ મોટું પગલું સાબિત થશે એવો દાવો ચીનના સંશોધકો કરી રહ્યા છે.

આનંદ ગાંધી

Most Popular

To Top