દમણ: સંઘપ્રદેશ દાનહ દમણ દીવ ક્રાઈમ બ્રાન્ચના 9 પોલીસકર્મી સામે, દમણ ફરવા આવેલા બારડોલીના પર્યટક પાસેથી દારૂની બાબતે ખોટી રીતે લાખ્ખો રૂપિયા લીધા હોવા બાબતનો ગુનો દાખલ થયો છે.
મળતી માહિતી મુજબ સુરતના બારડોલી શહેરના મોતા ગામમાં રહેતા અજેશ રમેશભાઈ પટેલે કડૈયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ 25મી ઓગસ્ટે ઈનોવા કારમાં તેમના 2 મિત્ર સાથે દમણ ફરવા અને પાર્ટી કરવા આવ્યા હતા. બપોરે કડૈયાની એક વાઈન શોપમાંથી દારૂ લઈને તેઓ વાસુકીનાથ મંદિર તરફ ગયા ત્યારે 2થી 3 મોટર સાયકલ પર આવેલા લોકોએ તેમની કારની તપાસ કરી હતી. દારૂ મળતા જ તેઓ પોલીસ વિભાગ તરફથી આવ્યા હોવાનું જણાવી પોલીસ મુખ્યાલય પર લઈ ગયા હતા, જ્યાં દારૂના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 25 લાખની માંગ કરી હતી, જો કે અંતે 10 લાખ રૂપિયામાં પતાવટ કરી હતી.
બીજા દિવસે કોલેજ રોડ પર ફરિયાદીના મિત્રએ દમણ આવી 7 લાખ રોકડા આપ્યા હતા. બાકીના 3 લાખ માટે મિત્રએ તેમના એક વકીલ મિત્રને ફોન કરતા તેમણે પોલીસ ફરિયાદ કરવાનું જણાવતા આખરે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આ કામ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું છે. પોલીસે ફરિયાદના આધારે આ મામલે ક્રાઈમ બ્રાન્ચના 9 પોલીસકર્મી સામે ગુનો દાખલ કર્યો છે. જો કે, રાત્રે દમણ પોલીસ વિભાગના એસ.પી. કેતન બંસલ દ્વારા આપવામાં આવેલા મીડિયા બ્રિફિંગમાં કયા પોલીસકર્મીઓ સામે ગુનો દાખલ થયો છે તેનો ફોડ નહીં પાડી કાર્યવાહી ચાલુ છે તેવું જણાવ્યું હતું.
આ મામલો દિવસભર સોશિયલ મીડિયામાં ચર્ચાયો હતો અને આ ગુનાની એફ.આઈ.આર.ની કોપી પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. બનાવ બાદ દમણ પોલીસ વિભાગના એસ.પી. કેતન બંસલ દ્વારા કડૈયા પોલીસ મથકે આવી મોડી રાત સુધી ગુનામાં સંડોવાયેલા પોલીસકર્મીઓની પૂછપરછ કરી હતી.
FIRમાં ક્રાઈમ બ્રાન્ચના આ પોલીસકર્મીના નામનો ઉલ્લેખ
જતીન પટેલ, અંકુશ સિંઘ, રામદેવસિંહ જાડેજા, વિશાલ મીર, વિકાસ રાજપૂત, ક્રિષ્ન વિજય ગોહિલ, ધનજી દુબરિયા સહિત સહિત અન્ય એક અજાણી વ્યક્તિ