ગ્રેટર નોઈડાના સિરસા ગામમાં બનેલા નિક્કી હત્યા કેસે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. દહેજની લાલચમાં પતિએ પત્નીને જીવતી સળગાવી દેતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસે આરોપી પતિ વિપિનને ઝડપી લીધો પરંતુ કસ્ટડી દરમિયાન તે ભાગવાનો પ્રયાસ કરતો હતો. આ દરમિયાન પોલીસે એન્કાઉન્ટરમાં તેની પર ગોળી ચલાવી તેને પગમાં ઘાયલ કરી પકડી પડ્યો હતો. હાલ તે પોલીસની ધરપકડમાં છે.
દીકરાનો હૃદય દ્રવી નાખે એવો ખુલાસો
મૃતક નિક્કીના પાંચ વર્ષના પુત્રનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બાળક કહી રહ્યો છે કે તેના પિતાએ પહેલા માતાને માર મારી હતી પછી તેના પર પેટ્રોલ રેડીને આગ લગાવી દીધી હતી. આ ખુલાસા બાદ સમગ્ર ગામ શોકમાં ગરકાવ થઈ ગયું છે.
પરિવારમાં શોકનું વાતાવરણ
રૂપબાસ ગામમાં રહેતા નિક્કીના માતાપિતા આ ઘટનાથી આઘાતમાં છે. માતા મંજુ વારંવાર બેભાન થઈ જાય છે જ્યારે પિતા ભિખારી સિંહ નિરાશામાં ચૂપચાપ બેઠા રહે છે. પરિવારનો આક્ષેપ છે કે વિપિન દારૂનો વ્યસની હતો અને દહેજ માટે સતત દબાણ કરતો હતો. મૃતકના પિતાએ કહ્યું કે “મારી પુત્રીને સાસરિયાઓએ કાર અને લાખો રૂપિયાની માંગ માટે હેરાન કરી હતી. અંતે મારી દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો.”
હોસ્પિટલ સુધીની જંગ
ઘટનાની જાણ થતાં જ પડોશીઓ નિક્કીને ફોર્ટિસ હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ તેની હાલત ગંભીર હોવાથી તેને સફદરજંગ હોસ્પિટલ રેફર કરવામાં આવી હતી. ત્યાં સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ થયું હતું. પરિવારના જણાવ્યા મુજબ નિક્કી 70 ટકા જેટલી બળી ગઈ હતી.
2016માં બંને બહેનના લગ્ન
ભિખારી સિંહે ડિસેમ્બર 2016માં પોતાની બે દીકરીઓ કંચન અને નિક્કીના લગ્ન સિરસા ગામના રોહિત અને વિપિન સાથે કરાવ્યા હતા. લગ્નમાં સ્કોર્પિયો કાર સહિત દહેજ આપ્યા છતાં સાસરિયાઓ 35 લાખ રૂપિયાની વધુ માંગણી કરતા હતા. ઘણીવાર પંચાયત બાદ પણ ઝઘડા અટક્યા નહીં. અંતે આ કુટુંબી ઝઘડાએ નિક્કીનું જીવન લૂંટી લીધું.
મૃત્યુદંડની માંગ
પીડિત પરિવારનો સ્પષ્ટ આક્ષેપ છે કે વિપિન અને તેની માતાએ મળીને નિક્કીને સળગાવી દીધી છે. તેઓએ આરોપીઓને કડક સજા આપવાની અને મૃત્યુદંડ આપવાની માંગણી કરી છે.
આ દુર્ઘટનાએ દહેજ પ્રથા અને કુટુંબમાં થતાં હિંસાના પ્રશ્નો ફરીથી ચર્ચામાં લાવી દીધા છે. સમગ્ર વિસ્તાર આજે એક જ માંગ કરી રહ્યો છે કે નિક્કીને ન્યાય મળે અને દોષિતોને કડક સજા થાય.