સુરત: (Surat) શહેરમાં સામાન્ય રીતે શેરી, મહોલ્લા કે ધાર્મિક સ્થાન પર કથાઓ કરવામાં આવતી હોય છે. ત્યારે 11 વર્ષીય બાળ કથાકારએ (Child Kathakar) લાજપોર મધ્યસ્થ જેલમાં (Lajpore Jail) 3 હજાર કેદીઓ સામે રામ ચરિત્ર કથા રજુ કરી હતી. લાજપોર જેલમાં લગભગ 2865 કેદીઓ છે, જેમાં 85 જેટલી મહિલાઓ છે. રામ ચરિત્ર કથા (Raam Charitra Katha) સાંભળીને કેદીઓ ખુશ થઈ ગયા હતા. વેસુમાં રહેતી અને ધોરણ 6માં ભણતી 11 વર્ષીય વિદ્યાર્થિની ભાવિકા રાજેશભાઇ મહેશ્વરીએ લાજપોર સેન્ટ્રલ જેલમાં કેદીઓ સામે રામ ચરિત્ર કથા રજૂ કરી હતી. 12 વર્ષની ભાવિકાએ (Bhavika) 6 રામ કથાઓ દ્વારા રામ મંદિર માટે અત્યાર સુધીમાં લગભગ 52 લાખ સમર્પણ ભંડોળ એકત્રિત કર્યુ છે.
11 વર્ષીય વિદ્યાર્થિની ભાવિકા રાજેશભાઇ મહેશ્વરીએ લાજપોર સેન્ટ્રલ જેલમાં કેદીઓ સામે રામ ચરિત્ર કથા રજૂ કરી હતી. ભાવિકાએ બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, લંકાકાંડ, સુંદરકાંડ અને ઉત્તરાકાંડ દ્વારા જીવન ઉત્કર્ષના સ્ત્રોતોને જણાવીને કેદીઓને કહ્યું હતું કે, રામાયણના 7 કાંડ મનુષ્યના જીવનની પ્રગતિની સાત સીડી છે, જેનું વાંચન-મનન કરીને માનવી એક સારું જીવન વિતાવી શકે છે. આજે જ્યારે બાળકો ભારતીય સંસ્કૃતિથી દૂર જઇને પશ્ચિમની સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે, એને પગલે ગુનાખોરી વધી રહી છે. રામાયણ ફ્કત ધાર્મિક ગ્રંથ જ નથી, તે સમાજશાંતિ અને નીતિશાંતિનું મહાકાવ્ય છે.
દુનિયાની આ પહેલી કહાણી છે, જેનાં બધાં જ પાત્રોએ સ્વયં પોતાના જીવનચરિત્રથી કેવી રીતે જીવન જીવવું જોઇએ એનું પ્રેકિટલ નોલેજ દુનિયાને આપ્યું છે. ભૂતકાળમાં જે તે કારણોસર તમે આ જેલમાં પહોંચ્યા પરંતુ હવે ભવિષ્યમાં તમારા જીવનને સુંદર બનાવો અને ગુનાઓથી દૂર રહેજો. જેલમાં લગભગ 3000 કેદીઓએ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરીને કથા શ્રાવણનો લાભ લીધો હતો. આ પ્રસંગે લાજપોર સેન્ટ્રલ જેલ અધિક્ષક આઈપીએસ મનોજ નિનામા, નાયબ અધિક્ષક પુંડરીયા ઉપસ્થિતિ રહ્યા હતા.
નોંધનીય છે કે લાજપોર જેલમાં લગભગ 2865 કેદીઓ છે, જેમાં 85 જેટલી મહિલાઓ છે, જેમાં કેદીઓની સંખ્યા મોટે ભાગે 20 થી 35 વર્ષની વયની હતી. 12 વર્ષની ભાવિકાએ 6 રામ કથાઓ દ્વારા રામ મંદિર માટે અત્યાર સુધીમાં લગભગ 52 લાખ સમર્પણ ભંડોળ એકત્રિત કર્યુ છે. જેમાં જૈન સાધુઓ, મુસ્લિમ ભાઈઓ અને નાના બાળકોએ પણ તેમની પિગી બેંક દ્વારા ફાળો આપ્યો છે.