સાપુતારા: રેપ્ટર પરિવારનું એક આકર્ષક પક્ષી અને ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલું બ્રાહ્મણી સમડી ડાંગમાં જોવા મળી છે. ડાંગ જિલ્લામાં મુલાકાતે આવેલા પક્ષીપ્રેમી ખુશીબેન દ્વારા તેમને ફોટોમાં કંડાર્યું હતું. તેને ‘ભગવી સમડી’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ડાંગ જિલ્લામાં પર્યાવરણીય સંસ્થા પેરેડાઇઝ ડાંગનાં અમિતભાઈ રાણાએ જણાવ્યું હતું કે પક્ષીઓનો ભારતીય ધર્મ સાથે અને પૌરાણિક કથાઓ સાથે ઊંડો સંબંધ છે. ત્યારે તે બધામાં સૌથી વધુ પૂજનીય પક્ષી તરીકે ભગવી સમડી છે, જેને હિન્દુ સંસ્કૃતિમાં ગરુડ, વિષ્ણુ ભગવાનનાં પવિત્ર પક્ષી તરીકે ઓળખવામાં આવે છે. આ ભગવી સમડી પાણી પ્રેમી પક્ષી છે. ડાંગમાં આખા વર્ષ દરમિયાન નદીઓ, ધોધ, ઝરણાં અને ડાંગરના ખેતરો પાસે જોવા મળે છે. તેઓ પાણીના ઉપર ફરતી અને ઝડપથી નીચે ઝૂકીને માછલીઓને પાણીમાંથી બહાર કાઢવા માટે સક્રિયપણે શિકાર કરે છે. આ પક્ષી કાળી સમડી જેવુ જ છે પરંતુ તેના લાલ-ભૂરા રંગના પીંછા અને માથા અને છાતી પર સફેદ ડાઘ, ટૂંકી પાંખો અને ગોળાકાર પૂંછડીઓ દ્વારા ઓળખી શકાય છે. જ્યારે સતત ‘પેઇઇઇ’ જેવી કઠોર ચીસ પાડવી જે કોઈ ઘાયલ પ્રાણીના દુઃખમાં રુદન જેવું લાગે છે.
અમિત રાણાએ જણાવ્યું હતું કે ભલે તેઓ રહેવાસી હોય, ચોમાસામાં તેમની સંખ્યા ધીમે ધીમે ઘટતી જાય છે કારણ કે તેઓ થોડા સમય માટે સૂકા પ્રદેશો તરફ આગળ વધે છે. આ ઉપરાંત અમિતભાઈ રાણાએ જણાવ્યું હતું કે જળાશયો અને કાદવવાળી જમીનના પ્રદૂષણને કારણે પક્ષીઓ વૈકલ્પિક સ્થળો શોધવા માટે મજબૂર થયા છે. અમિત રાણા દ્વારા નોંધ્યા મુજબ ડાંગમાં તેમનો સંવર્ધન ઋતુ ફેબ્રુઆરીમાં શરૂ થાય છે અને એપ્રિલ સુધી ચાલે છે. ડાંગમાં માળો એક ખરબચડી અવ્યવસ્થિત રચના છે જે પાણીની નજીક ઝાડ પર ઊંચી બાંધવામાં આવે છે જે સામાન્ય રીતે ખુલ્લા રહે છે. અગાઉથી પાંડવ ગુફા પાસે પણ જોવા મળ્યું હતું.
પેરેડાઇઝ ડાંગ સંસ્થાના અમિત રાણા દ્વારા સ્થાનિક માછીમારો અને આદિવાસી લોકોમાં જાગૃતિ લાવી ગમે ત્યાં માછીમારીની જાળો પાણીમાં ફેંકવામાં ન આવે તે પ્રકારના પ્રયાસ કરવામાં આવે છે. IUCN સંસ્થાએ ભગવી સમડીને ઓછામાં ઓછી સંરક્ષણ પ્રાથમિકતા ધરાવતી પ્રજાતિ તરીકે સૂચિબદ્ધ કર્યા છે કારણ કે તેઓ ભારતથી સમગ્ર દક્ષિણ-પૂર્વ એશિયામાં વ્યાપકપણે ફેલાયેલા છે, જ્યાં તેમની વસતી સ્વસ્થ છે.