આપણા દેશમાં 1991 ના વર્ષમાં પ્રારંભ થયેલ ઉદારીકરણ અને ખાનગીકરણની નીતિને પરિણામે સમગ્ર દેશમાં ખાનગી શાળાઓ અને કોલેજો કૂદકે અને ભૂસકે વધી રહી છે. આપણા ગુજરાત રાજ્યમાં પણ સ્વરનિર્ભર શૈક્ષણિક સંસ્થાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સેલ્ફ ફાઈનાન્સ શાળા અને કોલેજોનો ટ્રેન્ડ શરૂ થયો ત્યારે પ્રારંભિક તબક્કામાં એમાં અભ્યાસ કરવો એ સ્ટેટસ સિમ્બોલ ગણવામાં આવતું હતું. ઊંચી આવક ધરાવનાર વાલીઓ પોતાના સંતાનને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં ભણવતા થઈ ગયા હતા. અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરતા ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ નફો કરવા લાગી ગઈ જેને પરિણામે શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું. ખાનગી શૈક્ષણિક સંસ્થાના કેટલાક સંચાલકો પૂરતી લાયકાત વિનાના શિક્ષકો કે અધ્યાપકની નિમણૂક કરે છે, એમનું આર્થિક રીતે શોષણ પણ ખુલ્લેઆમ કરવામાં આવે છે, વિદ્યાર્થીઓની હાજરી બાબતે પણ આ સંસ્થાઓ ખૂબ જ ઢીલું વલણ અપનાવે છે.
જો સરકારી શાળા અને કોલેજોમાં ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવામાં આવે, સારી માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે, વર્તમાન જરૂરિયાતને ધ્યાનમાં લઈને ટેકનોલોજીયુક્ત શિક્ષણની સુવિધા થાય અને લાયકાત વાળા પૂરતા શૈક્ષણિક સ્ટાફની નિમણૂક કરવામાં આવે તો આજના અતિ મોંઘવારીના સમયમાં વાલીઓ પોતાના સંતાનને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાંથી ઉઠાડી લઈને સરકારી શાળા કે કોલેજમાં અભ્યાસ કરાવવા તત્પર છે. આશ્વાસન લેવું હોય તો પહેલા મહારાષ્ટ્ર અને દક્ષિણના રાજ્યોની સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં ભણવા જતા વિદ્યાર્થીઓ હવે ગુજરાતની સ્વનિર્ભર કોલેજોમાં અભ્યાસ કરે છે જેથી ગુજરાતના પૈસા બીજા રાજ્યમાં જતા અટક્યા છે.
નવસારી ડૉ જે. એમ. નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.