હાલમાં સુપ્રીમ કોર્ટે ભારતભરની શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની વધતી સંખ્યા ઘટાડવા માટે 15 માર્ગદર્શિકાઓનો સમૂહ જારી કર્યો છે. સર્વોચ્ચ અદાલતે વિદ્યાર્થીઓની આત્મહત્યાઓના બનાવો અંગે આઘાતની લાગણી વ્યક્ત કરી છે. નીટના એક ૧૭ વર્ષીય પરીક્ષાર્થીના શંકાસ્પદ આત્મહત્યાના કેસને હાથ ધરતી વખતે સુપ્રીમ કોર્ટે આ ગાઇડ લાઇન જારી કરી છે. સુપ્રીમ કોર્ટનું આ પગલું બિલકુલ સમયસરનું છે.
છેલ્લા કેટલાક સમયમાં વિદ્યાર્થીઓ- વિદ્યાર્થિનીઓના આપઘાતના બનાવો ચિંતાજનક હદે વધ્યા છે અને તે સમગ્ર સમાજ માટે ચિંતાની બાબત છે. શાળા-કોલેજોમાં ભણતા છોકરા, છોકરીઓના આપઘાત માટે મોટે ભાગે સખત માનસિક તનાવ જવાબદાર હોય છે. મા-બાપની હદબહારની અપેક્ષાઓ, સખત સ્પર્ધાત્મકતા જેવી બાબતો તેમના પર ખૂબ દબાણ લાવે છે. આ ઉપરાંત ઘરની નબળી આર્થિક સ્થિતિ, હોસ્ટેલમાં પ્રતિકૂળ સંજોગો, સિનિયર વિદ્યાર્થીઓ તરફથી રેગિંગ જેવા કૃત્યો દ્વારા કરાતી સતામણી જેવા સંજોગો પણ તેમને પોતાનું જીવન ટૂંકાવવા તરફ દોરી જાય છે.
સુપ્રીમ કોર્ટે જે ગાઇડલાઇન બહાર પાડી છે તેમાં વિદ્યાર્થીઓને આપઘાતથી બચાવવા માટે શિક્ષણ સંસ્થાઓ અને વાલીઓ શું કરી શકે અને તેમણે શું કરવું જોઇએ અને તેમનું વર્તન કેવું હોવું જોઇએ તે બાબતોનો ખયાલ રાખવામાં આવ્યો છે. જે શિક્ષણ સંસ્થાઓ માટે ગાઇડ લાઇન જારી કરવામાં આવી છે તેમાં શાળાઓ, કોલેજો, કોચિંગ સેન્ટરો, યુનિવર્સિટીઓ, તાલીમ એકેડેમી અને છાત્રાલયોનો સમાવેશ થાય છે. કોર્ટે નોંધ્યું છે કે શૈક્ષણિક તણાવ, પરીક્ષાના દબાણ અને સંસ્થાકીય સહાયના અભાવે ઘણા વિદ્યાર્થીઓ આત્મહત્યા કરીને મૃત્યુ પામે છે. માર્ગદર્શિકામાં ફરજિયાત માનસિક સ્વાસ્થ્ય પરામર્શ, કાર્યાત્મક ફરિયાદ નિવારણ પ્રણાલીઓ અને તમામ શૈક્ષણિક સેટિંગ્સમાં નિયમનકારી દેખરેખ જેવા પગલાં લેવાનું કહેવામાં આવ્યું છે.
સમર્પિત માર્ગદર્શકો અથવા સલાહકારો વિદ્યાર્થીઓના નાના જૂથો માટે ફાળવવામાં આવશે, ખાસ કરીને પરીક્ષા સમયગાળા અને શૈક્ષણિક સત્રો બદલાવા દરમિયાન, સતત, અનૌપચારિક અને ગુપ્ત સહાય પૂરી પાડવા માટે આ ફાળવણી કરવી એમ તેમાં કહેવામાં આવ્યું છે. આ ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીઓનું યોગ્ય કાઉન્સેલિ઼ગ થાય તો આપઘાતના ઘણા બનાવો અટકાવી શકાય છે. આ નિર્દેશમાં શૈક્ષણિક સંસ્થાઓમાં તમામ શિક્ષણ અને બિન-શિક્ષણ કર્મચારીઓને વર્ષમાં ઓછામાં ઓછા બે વાર ફરજિયાત માનસિક સ્વાસ્થ્ય તાલીમ આપવી ફરજિયાત છે.
પ્રમાણિત માનસિક સ્વાસ્થ્ય વ્યાવસાયિકો દ્વારા સંચાલિત આ તાલીમ, મનોવૈજ્ઞાનિક પ્રાથમિક સારવાર, તકલીફના ચેતવણી ચિહ્નોને ઓળખવા સ્વ-નુકસાનનો પ્રતિભાવ આપવા અને યોગ્ય રેફરલ પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. વધુમાં, સંસ્થાઓએ ખાતરી કરવી જોઈએ કે સ્ટાફ સંવેદનશીલ અને સમાવિષ્ટ રીતે સંવેદનશીલ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના વિદ્યાર્થીઓ સાથે જોડાઈ શકે, ભેદભાવ વિનાના અભિગમને જાળવી રાખે. વધુમાં, સંસ્થાઓએ જાતીય સતામણી, રેગિંગ અને અન્ય ફરિયાદોને લગતી ફરિયાદોને સંભાળવા અને અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને માનસિક-સામાજિક સહાય પૂરી પાડવા માટે આંતરિક સમિતિઓ અથવા સત્તાધિકારીઓની સ્થાપના કરવી જરૂરી છે.
માતાપિતા માટે સંવેદના કાર્યક્રમોનું આયોજન કરવા પણ ગાઇડ લાઇનમાં કહેવાયું છે. આ ખૂબ જરૂરી છે. મા-બાપ પોતાના સંતાનો માટે હદબહારની અને અવાસ્તવિક અપેક્ષાઓ નહીં રાખે તે ખૂબ જરૂરી છે અને આ બાબતે મા-બાપ, વાલીઓને જાગૃત કરવા જરૂરી છે. પોતાના ડીપ્રેશનમાં ધકેલાઇ ગયેલા સંતાનો, પાલ્યોને કેવી રીતે હાથ ધરવા તે પણ તેમને શીખવવું જરૂરી છે. માનસિક સ્વાસ્થ્ય સાક્ષરતા, ભાવનાત્મક નિયમન અને જીવન કૌશલ્યનું વિદ્યાર્થી પ્રવૃત્તિઓમાં એકીકરણ અને કોર્ટે સંસ્થાઓને વિદ્યાર્થીઓના અનામી સુખાકારી રેકોર્ડ જાળવવાનો નિર્દેશ આપ્યો હતો.
સર્વોચ્ચ અદાલતના આ નિર્દેશો નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના ડેટા પર આધારિત છે, જેમાં અહેવાલ આપવામાં આવ્યો છે કે 2022 માં દેશભરમાં કુલ 1,70,924 આત્મહત્યાઓમાંથી 13,044 વિદ્યાર્થીઓ આત્મહત્યા દ્વારા મૃત્યુ પામ્યા હતા. ૨૦૦૧માં, વિદ્યાર્થીઓની આત્મહત્યાની સંખ્યા ૫,૪૨૫ હતી. અહેવાલ દર્શાવે છે કે દર ૧૦૦ આત્મહત્યામાંથી ૮ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. NCRB એ એમ પણ અહેવાલ આપ્યો હતો કે પરીક્ષામાં નાપાસ થવાને કારણે ૨,૨૪૮ વિદ્યાર્થીઓ આત્મહત્યા દ્વારા મૃત્યુ પામ્યા હતા.
જસ્ટિસો વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બનેલી બેન્ચે કહ્યું કે વિદ્યાર્થીઓને માનસિક તકલીફ, શૈક્ષણિક દબાણ અને સહાયના અભાવથી બચાવવા માટે સંસ્થાકીય સુરક્ષા પગલાં અમલમાં મૂકવા જોઈએ. કોર્ટે આ નિર્દેશો જારી કરવા માટે બંધારણની કલમ ૩૨ હેઠળ તેની સત્તાઓનો ઉપયોગ કર્યો અને જણાવ્યું કે સંસદ અથવા રાજ્ય વિધાનસભાઓ દ્વારા યોગ્ય કાયદો ઘડવામાં ન આવે ત્યાં સુધી આ આદેશ કલમ ૧૪૧ હેઠળ કાયદા તરીકે અમલમાં રહેશે. આશા રાખીએ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો પણ આ બાબતને ગંભીરતાથી લઇને વહેલી તકે તે દિશામાં સક્રિય થાય અને જરૂરી કાયદાઓ ઘડે.