એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું ભારતમાં ભવ્ય સ્વાગત કર્યું હતું. આ માટે ‘નમસ્તે ટ્રમ્પ’ નામના ભવ્ય સમારોહનું પણ આયોજન કરાયું હતું. તે સમયે ટ્રમ્પની અમેરિકામાં પ્રેસિડેન્ટ તરીકે પ્રથમ ટર્મ હતી. બીજી ટર્મમાં ટ્રમ્પે પોતાનું પોત પ્રકાશ્યું છે. આખા વિશ્વને ટેરિફના નામે ડરાવનાર ટ્રમ્પે ભારતને પણ બાકી રાખ્યું નથી. ભારત અને તેના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના મિત્ર છે તેવો દાવો કરનાર ટ્રમ્પ પાછળથી પીઠમાં ઘા મારવા માટે મથી રહ્યા છે.
ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર ખૂબ મોટો છે. જો દ્વિપક્ષીય વેપાર જોવામાં આવે તો તે 118.2 અબજ ડોલર છે અને તેમાં ભારતની નિકાસ 77.5 અબજ ડોલર અને અમેરિકાની નિકાસ 40.7 અબજ ડોલર છે. ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ગેસ અને તેલ ખરીદે છે અને તે કારણે જ અમેરિકા 1લી ઓગષ્ટથી ભારતમાંથી આવતા માલ પર 25 ટકા ટેરિફ લાદશે. ટ્રમ્પે આ મામલે જાહેરાત પણ કરી દીધી છે. ટ્રમ્પ અને ભારત વચ્ચે આ મામલે ડિલ થઈ નથી પરંતુ આ જાહેરાતને પગલે ભારતમાં આર્થિક રીતે હલચલ મચી ગઈ છે.
ડોનાલ્ડ ટ્રમ્પે 100 જેટલા દેશો પર ટેરિફ લાગૂ કરવાની જાહેરાત કરી દીધી હતી અને ક્યા દેશો પર કેટલા ટકા ટેરિફ લગાડવો, તેની જાહેરાત પણ કરી દેવાઈ હતી. આ બધી વાતમાં ભારત અત્યાર સુધી બાકાત હતું. કારણ કે અમેરિકાને એવું લાગતું હતું કે , ભારતની વસ્તી 140 કરોડ છે. જો અમેરિકાની ડેરી પ્રોડક્ટનો માલ ભારતની બજારોમાં ધડાધડ વેચાવા લાગે તો અમેરિકાને ફાયદો થાય. પણ ભારત દુનિયામાં સૌથી વધારે ડેરી પ્રોડક્શન કરતો દેશ છે. તે પોતાનું પ્રોડક્શન વેચે કે અમેરિકાનું ચીઝ, પનીર વેચવા લાગે? એટલે અમેરિકાએ ભારત પર ફેબ્રુઆરીમાં 26% ટેરિફ લાગૂ કરવાની જાહેરાત કરી હતી તે સ્થગિત કરી દેવાઈ હતી.
જોકે, ત્યારબાદ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ થઈ નહિ એટલે ભારત પર હવે 25% ટેરિફ લાગી શકે છે. ટ્રમ્પે જે દેશો માટે જાહેરાતો કરી તેમાં બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયા, બ્રિટન જેવા દેશો એવા છે જેના પર સૌથી ઓછો ટેરિફ છે. સૌથી વધારે ટેરિફ કંબોડિયા પર છે જ્યાં હમણાં જ થાઈલેન્ડ સાથે યુદ્ધ ચાલતું હતું. ભારત કરતાં પાકિસ્તાન પર ટ્રમ્પે 4% ટેરિફ વધારે લગાવી દીધો છે તો ભારત કરતાં 9 ટકા વધારે ટેરિફ ચીન પર લાગૂ કર્યો છે. ભારત અમેરિકાને જે પ્રોડક્ટ વેચે છે તેવી પ્રથમ પાંચ પ્રોડક્ટમાં 4 લાખ કરોડનું પેટ્રોલિયમ, 1.50 લાખ કરોડની દવા અને ફાર્મા, 1.50 લાખ કરોડનાટેલિકોમ ઈન્સ્ટ્રુમેન્ટ, 1 લાખ કરોડના મોતી અને કિંમતી પથ્થર, 1 લાખ કરોડની ઈલેક્ટ્રિક મશીનરીનો સમાવેશ થાય છે.
અત્યાર સુધી આ પ્રોડક્ટ પર કોઈ જ ટેક્સ લાગતો નહોતો પરંતુ હવેથી આ તમામ પર પણ 25 ટકા ટેરિફ લાગી શકે છે. હકીકતમાં ભારત અમેરિકા તરફથી 10 ટકાથી પણ ઓછો ટેરિફ લગાડવામાં આવે તેવી માંગણી કરી રહ્યું છે. જેની સામે અમેરિકા પણ ભારતમાં તેના ઉત્પાદનો માટે કેટલીક છૂટછાટો ઇચ્છે છે. ખાસ કરીને કૃષિ અને ડેરી ઉત્પાદનો માટે. જોકે, ભારતે કહી દીધું છે કે તે તેના કૃષિ અને ડેરી ક્ષેત્રને વિદેશી કંપનીઓ માટે ખોલશે નહિ. ભારત બિન-કૃષિ ક્ષેત્રોમાં સમાધાન કરવા તૈયાર છે. આ કારણે જ અમેરિકા ખફા થયું છે.
અમેરિકા એવું ઈચ્છી રહ્યું છે કે, ભારત પોતાનાં કૃષિ, ડેરી અને પાવર સેક્ટરને અમેરિકા માટે ખોલી નાખે. સોયાબીન, ઘઉં, મકાઈ, એથેનોલ, સ્ટીલ જેવી અમેરિકી વસ્તુઓ પરનો ટેરિફ ભારત હટાવી દે. ભારત જિનેટિકલી મોડિફાઈડ (GM) પાકોને મંજૂરી આપે. કેટલ ફીડ એટલે પશુ આહારને ભારતમાં વેચવાની મંજૂરી આપવામાં આવે. જોકે, તેની સામે ડેરી સેકટર ભારત માટે ખૂબ જ સંવેદનશીલ હોવાથી વિદેશીઓ માટે ભારત ડેરી સેકટર ખોલવા માટે તૈયાર નથી. આ ઉપરાંત કૃષિ સેકટર મામલે પણ અમેરિકાની માંગો માની શકાય તેમ નથી. આ કારણે ભારત અને અમેરિકા વચ્ચે ડિલ થાય તેવી સંભાવના ખુબ જ ઘટી જવા પામી છે. ત્યારે હવે 1લી ઓગષ્ટથી શું થાય છે તેની પર સૌની નજર છે.