દાહોદ : દાહોદ જિલ્લાની સરહદી વિસ્તારમાં હાલ આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ ન ફેલાયા તેની તકેદારીને ધ્યાનમાં રાખી ટીમો ખડકી દેવામાં આવી છે. આવતા જતાં મુસાફરો, વાહન ચાલકો સહિત અવર જવર કરતાં લોકોનું સ્થળ પર થર્મલ સ્ક્રિનીંગ સહિતની કામગીરી આરંભી દેવાઈ છે ત્યારે કોઈક શંકાસ્પદ વ્યક્તિને કોરોનાના લક્ષણો જણાય અથવા તો સ્થળ પર જ કોરોનાનો ટેસ્ટ કરવાની કોઈ પોઝીટીવ આવે તેને નજીકની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવાની આરોગ્ય તંત્ર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીઓ બાદ કોરોના સંક્રમણ ફેલાઈ શકે છે અને કોરોના કેસોના આંકડાઓમાં વધારો નોંધાય તેવા એંધાણો વર્તાઈ રહ્યાં છે. મહારાષ્ટ્ર્ જેવા રાજ્યોમાં ફરી કોરોનાએ માથુ ઉચકતા ત્યાં રોજેરોજ અસંખ્ય કોરોના દર્દીઓનો રાફડો ફાટી રહ્યો છે. દાહોદ જિલ્લા ગુજરાતને જાેડતો રસ્તો છે.
આ દાહોદ જિલ્લામાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલ જિલ્લો છે. જિલ્લામાં અન્ય રાજ્યોના લોકોની અવર જવર પણ ઘણી હોય છે ત્યારે ગુજરાત સહિત દાહોદ જિલ્લામાં ફરી કોરોના સંક્રમણ ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મધ્યપ્રદેશને જાેડતી અને દાહોદ જિલ્લામાં આવેલ ખંગેલા ચેકપોસ્ટ પર આરોગ્ય ટીમને તૈનાત કરી દીધી છે.
આ આરોગ્ય ટીમ દ્વારા આવતાં જતા મુસાફરો, વાહન ચાલકો સહિત લોકોને સ્થળ પરજ થર્મલ સ્ક્રિનીંગ સહિતની આરોગ્ય કામગીરી કરવામાં આવી સાથે જ સ્થળ પરજ કોરોના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે જે કોઈ મુસાફર શંકાસ્પદ જણાય તેને નજીકની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પણ મોકલી દેવામાં આવતાં હોવાનું જાણવા મળી રહ્યું છે.