Comments

કોંગ્રેસને હવે નિષ્ક્રિયતા પાલવે તેમ નથી

પુડુચેરી સરકારનું પતન કોંગ્રેસને આભારી નથી. અનિવાર્ય હતું તે બન્યું છે, પણ અણધાર્યું નથી. ભારતને કોંગ્રેસમુકત કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાન રૂપ કોઇ પણ ભોગે સત્તા હાંસલ કરવામાં સંલક્ષણનું આ પરિણામ છે.

પુડુચેરી એવો કેન્દ્રશાસિત પ્રદેશ છે, જયાં વિધાનસભાની ચૂંટણીને માંડ બે મહિના બાકી હતા ત્યારે આ અઘટિત બન્યું છે.

 કોંગ્રેસ પોતાના પાપે જ અને જૂથબંધીને કારણે પડી છે એમ કહેવું ભોળપણ ગણાશે. એક સદીથી ય જૂના કોંગ્રેસ પક્ષ આંતરિક પ્રશ્નોથી ખદબદે છે અને જૂથબંધી ભારોભાર છે એની ના નથી, પણ પુડુચેરીમાં જે કંઇ બન્યું તે અણધાર્યું નથી અને શાસક ભારતીય જનતા પક્ષની કુટિલ રાજનીતિની છાપ ધરાવે છે.

વેલુનારાયણ સામીની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારને કેન્દ્ર અને તેના શાસક ભારતીય જનતા પક્ષે છેલ્લા કેટલાક વખતથી લટકાવી રાખી હતી અને તે સરકાર બચાવવા નારાયણ સામીના પ્રયત્નોને અદમ્ય પોલીસ અધિકારીમાંથી રાજકારણી બનેલા લેફટેનંટ ગવર્નર કિરણ બેદીએ નિષ્ફળ બનાવ્યા હતા.

‘ઓપરેશન પુડુચેરી’ એક સુઆયોજિત કામગીરી હતી તેવું માનવા માટે બે કારણો છે. કોંગ્રેસ પક્ષના પ્રમુખ રાહુલ ગાંધી કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના ચૂંટણી પ્રચાર માટે આવે તેની પૂર્વ સંધ્યાએ કોંગ્રેસના ધારાસભ્યોનું પ્રથમ પક્ષાંતર કરાવવામાં આવ્યું. રાહુલ ગાંધી પુડુચેરીમાં પગ મૂકે તે પહેલાં આ ફટકો મારવામાં આવ્યો હતો અને ફટકો નારાયણ સામીને બહુમતી પુરવાર કરવા વિધાનસભાની બેઠક બોલાવવા મજબૂર કરાયા તે પહેલાં પક્ષપલટાનો બીજો દોર થયો અને નારાયણ સામીએ રાજીનામું આપ્યું.

આ આખી કુટિલ નીતિ કાળજીપૂર્વક ઘડાઇ હતી તે દર્શાવતું બીજું પરિબળ એ હતું કે કિરણ બેદીને પુડુચેરીના લેફટેનંટ ગવર્નરપદેથી અચાનક હઠાવી લઇ તેલંગણાના રાજયપાલ શ્રીમતી તાવિલસાઇ સુંદરાજનને વધારાનો અખત્યાર સોંપવામાં આવ્યો.

અત્રે એ યાદ કરવું ઠીક થઇ પડશે કે તાવિલસાઈ સુંદરાજન રાજયપાલ બનતાં પહેલાં તામિલનાડ ભારતીય જનતા પક્ષના પ્રમુખ હતા. કિરણ બેદીને પુડુચેરીમાંથી જવાની ફરજ પાડવામાં આવી હતી કે તે જાણી જોઇને ગયાં તે ખબર નથી પડી પણ લાગે છે કે ઓપરેશન પુડુચેરીના તેઓ કેન્દ્ર અને ભારતીય જનતા પક્ષ માટે આડખીલીરૂપ હતાં.

 પરિણામે કાયદાપાલન માટે વાઘણ સમાન નીવડેલી કિરણ બેદીને દૂર કરી ભારતીય જનતા પક્ષના કૂટનીતિજ્ઞોએ તેમને માટે ‘તુમ્હારી ભી જય જય, હમારી ભી જય જય’ જેવો ઘાટ કર્યો છે.

ગમે તે હોય, અસ્તિત્વ માટે જ નહીં, આંતરિક વિખવાદ સામે પણ લડી રહેલા કોંગ્રેસ પક્ષ માટે આ સારા અણસાર નથી. દક્ષિણનાં રાજયોમાં પોતાની છેલ્લી સરકાર પણ ગુમાવી બેઠેલા કોંગ્રેસ પક્ષ માટે આ માનસિક કુઠારાઘાત કહેવાય.

પક્ષના વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધીને  23 બળવાખોરોના જૂથે પત્ર લખી બળવો પોકાર્યો અને પ્રમુખ સોનિયા ગાંધી પાસે પક્ષના પ્રમુખ સહિત દેશભરમાં હોદ્દેદારોની ચૂંટણી કરવાની માંગ કરી તેના લાંબા સમયથી સોનિયાના બે સંતાનો રાહુલ અને પ્રિયંકા પક્ષના ધ્વજને લહેરાતો રાખવા સોશિયલ મિડીયા અને પ્રત્યક્ષ રીતે તનતોડ મહેનત કરી રહ્યાં છે.

દેખીતી રીતે એવી છાપ પડી રહી છે કે ગાંધી આખા દેશમાં અને પોતે અખત્યાર સંભાળતા હતા ત્યારે પ્રિયંકા ઉત્તર પ્રદેશમાં એકલપંડે આ સાહસ કરતાં હતાં. જો કે તેમાં પછી કેટલાય કાર્યકરોનો ઉત્સાહ ભળ્યો પણ એ વાત જુદી છે કે રાહુલ અને પ્રિયંકાના પક્ષને બેઠો કરવાના આ ભગીરથ પ્રયાસોથી કોંગ્રેસના બળવાખોરો સહિતના ઉપલા વર્ગમાંથી કોઇના પેટનું પાણી નથી હલ્યું.

આસામ, કેરળ, બંગાળ અને તામિલનાડ રાજયો અને પુડુચેરીના કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભાઓની ચૂંટણી થઇ જાય ત્યાં સુધી એટલે કે આગામી જૂન સુધી પક્ષ મોવડીઓ રાહતનો શ્વાસ લઇ શકતા હતા પણ પુડુચેરીનો પલિતો ચંપાતાં તેઓ બેઠા થઇ ગયા કારણ કે પક્ષના સંગઠનીય માળખામાં ચણતર કરવામાં હોતી હૈ ચલતી હૈ વલણ રાખવાથી પક્ષને પુડુચેરી રૂપે મોટી લપડાક ખાવી પડી.

સંગઠનની ચૂંટણી કરવામાં અને બળવાખોરી ડામવામાં ઢીલ રાખી બેસી રહેવાને બદલે કોંગ્રેસના મોવડીઓએ વધુ કંઇક કરવાની જરૂર હતી. રાહુલ-પ્રિયંકાના પ્રયાસો અલબત્ત આવકાર્ય છે પણ તે પૂરતા નથી. દેશના રાજકીય તખ્તેથી કોંગ્રેસને ખતમ કરવા કોઇ પણ હદે જવા કૃતનિશ્ચયી જણાતાં ભારતીય જનતા પક્ષની કાદવઉછાળ રમત સામે રાહુલ પ્રિયંકાના પ્રયાસો પર્યાપ્ત નથી.

કોંગ્રેસની બીજી અને ત્રીજી હરોળની નેતાગીરી છેલ્લા કેટલાક મહિનાઓથી કેમ દેખાતી નથી? અત્યારે રાહુલ-પ્રિયંકાના એકલપંડે ભગીરથ પ્રયત્નોને  બેસીને તમાશો જોવાની મોવડીમંડળની પ્રવૃત્તિને કોઇ રીતે વાજબી ઠેરવી શકાય તેમ નથી. કોંગ્રેસ પક્ષ મૃત:પ્રાય અવસ્થાથી લોહી ચાખી ગયેલો ભારતીય જનતા પક્ષ બેફામ શિકાર કરતો જાય છે.

કોંગ્રેસે વિધાનસભાઓની આગામી ચૂંટણીઓ માટે સજ્જ થવું અનિવાર્ય છે. હાર જીતનો પ્રશ્ન પછી, ભેગા મળીને સારો દેખાવ કરવાનું અનિવાર્ય છે.

          – લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top