ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ટાઇટલ જીત્યા બાદ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે વિજય પરેડ યોજાઈ હતી. વિજય પરેડ દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર નાસભાગ મચી ગઈ હતી જેમાં 11 લોકો માર્યા ગયા હતા. જ્યારે 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
ચિન્નાસ્વામી નાસભાગની તપાસ માટે જસ્ટિસ જોન માઈકલ ડી’કુન્હાના નેતૃત્વ હેઠળ એક કમિશનની રચના કરવામાં આવી હતી. આ ન્યાયિક કમિશનના રિપોર્ટને તાજેતરમાં કર્ણાટક કેબિનેટે મંજૂરી આપી હતી. ન્યાયિક કમિશનના રિપોર્ટમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે.
રિપોર્ટમાં બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમને મૂળભૂત રીતે અસુરક્ષિત ગણાવવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચિન્નાસ્વામી સ્ટેડિયમનું હાલનું માળખું મોટા કાર્યક્રમો માટે અયોગ્ય અને જોખમી છે. સ્ટેડિયમમાં ન તો પૂરતા પ્રવેશ/બહાર નીકળવાના દરવાજા છે ન તો તેમાં આંતરરાષ્ટ્રીય સ્તરની ઈમરજન્સીમાં સ્ટેડિયમ ખાલી કરાવવાનું પ્લાનિંગ છે. સ્ટેડિયમની આસપાસના રસ્તાઓ ખૂબ જ વ્યસ્ત છે. ઉપરાંત પાર્કિંગ માટે મર્યાદિત જગ્યા છે.
વર્લ્ડ કપ અને IPL મેચોના આયોજન પર શંકા
મહિલા વર્લ્ડ કપ 2025 ની ઓછામાં ઓછી 4 મેચો ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાવાની છે. જો પાકિસ્તાની ટીમ આ ટુર્નામેન્ટની ફાઇનલમાં નહીં પહોંચે તો ટાઇટલ મેચ પણ અહીં રમાશે. ઉપરાંત ચિન્નાસ્વામી સ્ટેડિયમ આવતા વર્ષે IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) અને WPL (મહિલા પ્રીમિયર લીગ) મેચોનું આયોજન કરવા જઈ રહ્યું છે. જો કે, રિપોર્ટ બહાર આવ્યા પછી આ સ્થળે આંતરરાષ્ટ્રીય અને અન્ય મેચોનું આયોજન કરવા પર એક મોટો પ્રશ્ન ઊભો થયો છે.
પંચના અહેવાલને મંજૂરી
કર્ણાટક સરકારે ન્યાયિક પંચના અહેવાલને મંજૂરી આપી દીધી હોવાથી RCB, KSCA (કર્ણાટક ક્રિકેટ એસોસિએશન), DNA એન્ટરટેઈનમેન્ટ અને બેંગ્લોર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીનો માર્ગ મોકળો થઈ ગયો છે. અહેવાલ મુજબ વિજય પરેડ દરમિયાન મેદાન પર ફક્ત 79 પોલીસકર્મીઓ તૈનાત હતા બહાર કોઈ નહોતું. એમ્બ્યુલન્સ પણ નહોતી અને ઘટનાના 30 મિનિટ પછી સંયુક્ત પોલીસ કમિશનર પહોંચ્યા. ન્યાયિક પંચે ભલામણ કરી છે કે મોટા કાર્યક્રમો ફક્ત એવા સ્ટેડિયમમાં જ યોજવા જોઈએ જે આંતરરાષ્ટ્રીય સુરક્ષા ધોરણોને પૂર્ણ કરે.