માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું પ્રદર્શન બહુ સારું રહ્યું નથી. ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગમાં બુમરાહ ફક્ત એક જ વિકેટ લઈ શક્યો છે. ત્રીજા દિવસની રમત (25 જુલાઈ) દરમિયાન બુમરાહની ફિટનેસ અંગે અટકળો ચાલી રહી હતી. જ્યારે ભારતીય કેપ્ટન શુભમન ગિલે બીજો નવો બોલ લીધો ત્યારે બુમરાહ ફક્ત એક ઓવર ફેંકીને મેદાન છોડી ગયો. સારી વાત એ હતી કે ટી બ્રેક પહેલા બુમરાહ મેદાનમાં પાછો ફર્યો હતો.
મેદાન પર પાછા ફર્યા પછી પણ જસપ્રીત બુમરાહ લયમાં ન હતો અને તેને ડાબા પગની ઘૂંટીમાં થોડો દુખાવો થઈ રહ્યો હતો. દિવસના અંતે બુમરાહએ જેમી સ્મિથની વિકેટ લીધી હતી પરંતુ તેની બોલિંગમાં ધારનો અભાવ જોવા મળ્યો હતો. બુમરાહએ 28 ઓવરમાં 95 રન આપ્યા હતા. બીજી તરફ મોહમ્મદ સિરાજ પણ નાની ઈજાથી પીડાતો દેખાતો હતો પરંતુ તેણે બોલિંગ ચાલુ રાખી હતી.
હવે ભારતીય ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કેલે જસપ્રીત બુમરાહની ફિટનેસ અંગે ખુલાસો કર્યો છે. મોર્કેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સીડી ઉતરતી વખતે બુમરાહનો પગ મચકોડાઈ જતા ઘૂંટીમાં ઈજા થઈ હતી, જ્યારે મોહમ્મદ સિરાજે પણ ફૂટહોલ પર આવું જ થયું હતું. મોર્કેલના મતે બંને ખેલાડીઓ હવે સ્વસ્થ છે.
બુમરાહના પગની ઘૂંટી મચકોડાઈ ગઈ હતી
મોર્ને મોર્કેલે કહ્યું, દુર્ભાગ્યવશ જ્યારે અમે બીજો નવો બોલ લીધો ત્યારે સીડી પરથી ઉતરતી વખતે બુમરાહનો પગની ઘૂંટી મચકોડાઈ ગઈ હતી. પછી સિરાજનો પગ પણ ફૂટહોલમાં વળી ગયો હતો. પરંતુ હવે બંને ઠીક લાગે છે. ત્રીજા દિવસે ભારતીય ઝડપી બોલરોએ તેમની બોલિંગમાં ગતિ બતાવી ન હતી. જસપ્રીત બુમરાહ સામાન્ય રીતે 138-142 KMPH ની ઝડપે બોલિંગ કરે છે, પરંતુ તેની બોલિંગ ગતિમાં ઘટાડો જોવા મળ્યો.
ડેબ્યુટન્ટ અંશુલ કંબોજ પણ 120 KMPH કરતા ઓછી ઝડપે બોલિંગ કરતો જોવા મળ્યો, જેના કારણે તેની ફિટનેસ પર પ્રશ્નો ઉભા થયા. મોર્ને મોર્કેલે સ્વીકાર્યું કે બોલરોને સપાટ પીચો પર તકો બનાવવા માટે વધુ બોલ ઉર્જાની જરૂર હોય છે. મોર્કેલે કહ્યું, આ એવી બાબત છે જેના પર અમે પણ વિચાર કરી રહ્યા છીએ. આવી સપાટ વિકેટો પર, તમારે બોલમાં થોડી ઉર્જાની જરૂર હોય છે જેથી કેચ અથવા LBW ની તકો મળે.
મોર્કેલે એમ પણ કહ્યું કે ખેલાડીઓનો વર્કલોડ અને ભારે આઉટફિલ્ડ પણ બોલિંગની ગતિમાં ઘટાડો થવાનું કારણ હોઈ શકે છે. મોર્ને મોર્કેલ કહે છે, સિરાજ જેવા ખેલાડીઓ પર ઘણો કામનો બોજ રહ્યો છે. આ અંશુલની પહેલી ટેસ્ટ છે, તેથી એ મહત્વનું છે કે આપણે એક મજબૂત ઝડપી બોલિંગ યુનિટ વિકસાવીએ. ફક્ત ગતિના આધારે નિર્ણયો લઈ શકાતા નથી. આઉટફિલ્ડ ભારે હતું. પરંતુ ખેલાડીઓ તરફથી ઉત્સાહ અને મહેનતનો અભાવ નહોતો. તે ફક્ત એક એવો દિવસ હતો જ્યારે બોલ વધુ આગળ વધી રહ્યો ન હતો, તેથી તકો બનાવવા માટે વધારાની ઉર્જાની જરૂર હતી.