માન્ચેસ્ટર, તા. 25 : અહીં રમાઇ રહેલી ચોથી ટેસ્ટના આજે ત્રીજા દિવસે ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટે પોતાની ટેસ્ટ કેરિયરની 38મી સદી પુરી કરીને સર્વાઘિક ટેસ્ટ સદી મામલે કુમાર સંગાકારાની બરોબરી કરી હતી અને તેની સાથે જ તેણે પોતાની આ એક જ ઇનિંગ વડે ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીના સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટીંગ, ભારતના રાહુલ દ્રવિડ અને દક્ષિણ આફ્રિકાના જેક કાલિસને એકસાથે પાછળ છોડીને સચિન તેંદુલકર પછી બીજા ક્રમે પહોંચી ગયો છે. રૂટના નામે હવે 13379 રન છે અને તેનાથી આગળ માત્ર સચિન તેંડુલકર છે, જેના નામે 15921 રન છે. આજની ઇનિંગ પહેલા રૂટને પોન્ટીંગ, કાલિસ અને દ્રવિડને એકસાથે પાછળ છોડવા માટે 120 રનની જરૂર હતી અને તેણે એ જરૂરી આંકડો પાર કરીને તમામને એક સાથે પાછળ છોડી દીધા હતા. તે ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે 1,000 થી વધુ ટેસ્ટ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન પણ બન્યો હતો