મુંબઈ શહેરમાં છેલ્લા દાયકામાં કબૂતરોની સંખ્યામાં ઝડપથી થયેલા વધારો તથા તેના કારણે ઉભા થયેલા આરોગ્યસંબંધિત જોખમોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે 51 કબૂતરખાનાઓ બંધ કરવાની જાહેરાત કરી છે. આરોગ્ય નિષ્ણાતો મુજબ, કબૂતરોની વિશાળ વસતિ અને તેમના મળમાંથી ફેલાતા વાયુજન્ય જીવાણુઓ ફેફસાના ગંભીર રોગો પેદા કરી શકે છે. સુરત શહેરમાં પણ અનેક વિસ્તારોમાં પોળ, વિસ્તારો તથા ઓફિસ કંપાઉન્ડમાં કબૂતરો માટે અતિશય દાણા મુકવાની પ્રવૃત્તિએ ઝડપ પકડી છે.
ખાસ કરીને માર્કેટ વિસ્તારમાં અને રહેણાક વિસ્તારોમાં કબૂતરો ચબુતરાઓ એકઠા થવાથી સફાઈ અને આરોગ્યના પ્રશ્નો ઊભા થાય છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કબૂતરથી થતી બીમારીઓ અંગે જનજાગૃતિ અભિયાન ચલાવવું. જાહેર સ્થળે કબૂતરોને દાણા મૂકવાનું નિયંત્રણ લાવવા માટે નિયમન લાવવો. ભવિષ્યમાં કબૂતરો માટે કોઇ નિયંત્રિત અને હાઈજેનિક ફીડિંગ ઝોનનું આયોજન કરવું.ગુજરાતમિત્રનાં સહયોગથી જાહેર જનતા સુધી સાચી માહિતી પહોંચાડવી જરૂરી બની છે કે પશુપ્રેમ સાથે આરોગ્યજાગૃતિનું સંતુલન જાળવવું આજની અવશ્યકતા છે. અંતે, આ મહત્વપૂર્ણ પગલાંના પરિપ્રેક્ષ્યમાં સુરત માટે પણ સમયસર ચિંતન અને યોગ્ય કાર્યવાહી કરવાની જરૂર છે – જેથી શહેર સ્વચ્છ અને સ્વસ્થ રહે.
પર્વત ગામ,સુરત- આશિષ ટેલર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ઝેર નહીં લહેર છે જિંદગી
સ્વ-પરિવર્તનમાં નિષ્ફળ નીવડેલ મનુષ્યને જીવન વિષ સમાન ભાસે છે. ક્રોધરૂપી અગ્નિનો સહવાસ, જીવનમાં શીતળતાનાં વાસથી તેને વંચિત રાખે છે. આસક્તિરૂપી સાંકળથી બંધાયેલ બંધકને જિંદગીની સફળતા અને સ્વતંત્રતાનો અભાવ સતાવે છે. મારા-તારાની સંકુચિતતા હેઠળ મન વિચારોથી દરિદ્રતાની ગર્તામાં ડૂબતું જાય ત્યારે જીવન જીવવાની સાચી કલા જ તેને તારી શકે છે. ધાર્યું ન થવા છતાં શાંતચિત્તે અપાતો પ્રતિભાવ, નિરાસક્ત ભાવ સાથેનો વ્યવહાર અને સૌના પ્રત્યે મનમાં નિઃસ્વાર્થ પ્રેમ આ એવા ચમત્કારિક સૂત્રો છે જે થકી જિંદગી લહેર સમી બની જાય છે. એટલે જ કોઈએ સાચું કહ્યું છે કે, ‘નથી જેલ કે નથી ઝેર જિંદગી, જીવતા આવડે તો લહેર છે જિંદગી..’
સુરત – દિપ્તી ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.