નવી દિલ્હી, તા. 22 : સુપ્રીમ કોર્ટે છૂટાછેડાના એક કેસમાં કહ્યું હતું કે, જો મહિલા સારી રીતે શિક્ષિત છે તો તેણે ભરણપોષણ માંગવાને બદલે ખુદ કમાઈને ખાવું જોઈએ. મહિલાએ મુંબઈમાં એક ફ્લેટ, ભરણપોષણના ૧૨ કરોડ રૂપિયા અને મોંઘી બીએમડબ્લ્યુ કાર માંગી હતી.ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) બીઆર ગવઈની બેન્ચે કહ્યું – ”તમારાં લગ્ન ફક્ત ૧૮ મહિના ચાલ્યાં અને તમે દર મહિને ૧ કરોડ રૂપિયા માંગી રહ્યા છો. તમે આટલા શિક્ષિત છો તો પછી તમે કામ કેમ નથી કરતા? એક ઉચ્ચ શિક્ષિત મહિલા બેકાર બેસી શકતી નથી. તમારે તમારા માટે કંઈ માંગવું ન જોઈએ પણ તમારે ખુદ કમાઈને ખાવું જોઈએ.”
સીજેઆઈએ મહિલાને કહ્યું કે તમારે ફ્લેટથી સંતુષ્ટ રહેવું જોઈએ અથવા 4 કરોડ રૂપિયા લઈને સારી નોકરી શોધી લેવી જોઈએ. કોર્ટે ફ્લેટ કે રૂ. 4 કરોડ લઈને સમાધાનનો પ્રસ્તાવ મૂક્યા બાદ પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. સાથે જ કેસ રદ કરવાનો આદેશ આપ્યો.પત્નીએ પોતાનો પક્ષ રજૂ કરતી વખતે મુંબઈના કલ્પતરુ કોમ્પ્લેક્સમાં ફ્લેટની માગણી કરી હતી. મહિલાએ કોર્ટને જણાવ્યું હતું કે, તેનો પતિ સિટી બેંકમાં મેનેજર તરીકે કામ કરે છે અને તેના બે વ્યવસાય પણ છે. મહિલાએ કહ્યું, ”મારો પતિ ખૂબ જ ધનવાન છે.”
મહિલાએ આરોપ લગાવ્યો કે, ”મારા પતિએ છૂટાછેડા માંગ્યા હતા અને દાવો કર્યો હતો કે હું સ્કિઝોફ્રેનિયા (માનસિક બીમારી)થી પીડિત છું. શું હું સ્કિઝોફ્રેનિયાથી પીડિત દેખાઉં છું, મી લોર્ડ?” મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો કે તેના પતિએ તેને તેની પાછલી નોકરી છોડવા દબાણ કર્યું હતું.મહિલાએ કહ્યું, ”મને એક બાળક જોઈતું હતું, પરંતુ તેણે મને બાળક આપ્યું નહીં. મારી વિરુદ્ધ એફઆઈઆર નોંધાયેલી છે, જેના કારણે મને ક્યાંય નોકરી મળશે નહીં.” મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો કે તેના પતિએ તેના વકીલને પણ ઉશ્કેર્યો છે.
સીજેઆઈએ મહિલાને કહ્યું, ”અમે એફઆઈઆર રદ કરી દઈશું, પરંતુ સમજી લો કે તમે તેના પિતાની મિલકત પર પણ દાવો કરી શકતા નથી. તમે ખૂબ શિક્ષિત છો અને તમારી પોતાની મરજીથી કામ ન કરવાનો નિર્ણય લીધો છે. એક શિક્ષિત વ્યક્તિએ પોતે નાણાકીય સ્વતંત્રતા માટે પ્રયાસ કરવો જોઈએ.”