વડોદરા : વડોદરા શહેરના સરસિયા સામે લાલ અખાડા વિસ્તારમાં આવેલી ડાયાલાલ બાબુલાલની ચાલીમાં બુધવારે રાત્રે અસામાજીક તત્વો દ્વારા પથ્થરો ફેંકી શહેરની શાંતિ ડહોળાવાનો પ્રયાસ કરાયો હતો.વિસ્તારના રહીશોએ આ અંગે સિટી પોલીસનું ધ્યાન દોરી કાર્યવાહીની માંગ કરી છે.
વડોદરા શહેરના લાલ અખાડા સરસિયા તળાવ સામે આવેલી ડાયાલાલ બાબુલાલની ચાલીમાં બુધવારે મોડીરાત્રે કેટલાક ટીખળખોર શખ્સો દ્વારા પથ્થરો ફેંકતા અહીં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
બુધવારે મોડીરાત્રે સરસિયા તળાવ પાસે આવેલી ડાયાલાલ બાબુલાલની ચાલીમાં કેટલીક મહિલાઓ પોતાના બાળકો સાથે ચોગાનમાં બેઠી હતી.તે દરમિયાન એકાએક ઉપરથી પથ્થરો ફેંકાતા મહિલાઓ તેમજ તેમના બાળકોને સદનસીબે ઈજા થતા અટકી હતી.પથ્થરો આવતાં જ વિસ્તારના લોકો એકત્ર થઈ ગયા હતા.
સિટી પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ કરી યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.આ અંગે ફરિયાદી હાર્દિક જાધવે જણાવ્યું હતું કે ડાયાલાલ બાબુલાલની ચાલીમાં રાત્રે મહિલાઓ પોતાના બાળકો સાથે બેઠી હતી તે દરમિયાન પાછળ આવેલા મિનારા કોમ્પ્લેક્સ પરથી કેટલાક શખ્સોએ પથ્થરો માર્યા હતા.આ પહેલા પણ ગયા અઠવાડિયે 8 મી તારીખે પણ અમે આ અંગે સિટી પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ પથ્થરો ફેંકવા પાછળનો મુખ્ય ઈરાદો એ લાગે છે કે આવી રીતે અમોને હેરાનગતિ કરી ને આ વિસ્તાર ખાલી કરાવવા માંગે છે. જેથી અમારી પોલીસ કમિશ્નરશ્રીને કહેવું છે કે તમે આ અંગે કોઈ ચોક્કસ પગલાં ભરે જેથી અમારે અહીં રહેવું ભારે ન પડે.
આ શખ્સો દ્વારા અમોને ઉશ્કેરીને અહીં કોમી કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.છેલ્લા 2 વર્ષથી અહીં શાંતિ હતી.પણ છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તાર ખાલી કરાવવા માટે પથ્થરો ફેંકી લોકોમાં ભયનો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે.