Dakshin Gujarat

મહુવાના કરચેલીયા ગામમાં અડધી રાતે બબાલ, ટોળાએ દુકાન સળગાવી, પોલીસ સાથે પણ ઘર્ષણ

અનાવલ : મહુવા તાલુકાના કરચેલીયા ગામમાં પરપ્રાંતિય યુવાને સગીરાની છેડતી કરી હોવાના આક્ષેપ સાથે કરચેલીયામાં લોકટોળું ભેગું થઇ ગયું હતું અને ટોળાએ પરપ્રાંતીય યુવાન સામે રોષ વ્યકત કરી તેમની દુકાનનો સામાન સળગાવી દુકાન પર પથ્થરમારો કર્યો હતો.

પોલીસે ટોળાને કાબુમાં લેવાનો પ્રયત્ન કરતા પોલીસ સાથે પણ ઘર્ષણ સર્જાયું હતું. થોડો સમય માટે કરચેલીયા ગામનું વાતાવરણ તંગ બની જતા ઘટનાને પગેલ કરચેલીયા ગામમાં તેમજ સ્ટેટ હાઈવે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને જિલ્લાની પોલીસ કાફલો ખડકી દેવામાં આવી હતી.

  • કરચેલીયામાં પરપ્રાંતિય યુવાને સગીરાની છેડતી કરતાં પોલીસ સાથે ઘર્ષણ
  • પોલીસે પરપ્રાંતિય યુવાનને છોડી મુકતા 500 થી વધુ લોકોનું ટોળુ ભેગુ થતા વાતાવરણ તંગ બની ગયું
  • ટોળાએ પરપ્રાંતિય યુવાનની દુકાનમાં પથ્થરમારો કરી સામાન સળગાવી દીધો
  • પોલીસ સાથે પણ ટોળાએ ઝપાઝપી કરી પથ્થરમારો કરતા એક પોલીસ કર્મચારી ઘવાયો
  • ટોળાને કાબુમાં લેવા કરચેલીયામાં જિલ્લાની પોલીસ ખડકી દેવામાં આવી

પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના કરચેલીયા ગામમાં સગીરા સવારે રડતા રડતા શાળાએ પહોંચી હતી. જેને પગલે શાળાની શિક્ષિકાએ સગીરાને રડવાનું કારણ પુછતા કરચેલીયા બજારમાં રાજ નોવેલ્ટી નામની દુકાન ચલાવનાર પરપ્રાંતિય યુવાન કિશન મારવાડીએ શરીરે અડપલા કર્યા હોવાનું જણાવતા જ શિક્ષિકાએ ઘટના અંગે ગામના સરપંચને જાણ કરી હતી.

સરપંચે ત્વરિત મહુવા પોલીસને ઘટના અંગે જાણ કરતા મહુવા પોલીસ પરપ્રાંતિય યુવાનને મહુવા પોલીસ મથકે લઈ ગઈ હતી. જ્યાં દિવસ દરમિયાન તપાસ અને પૂછતાછ ચાલ્યા બાદ સગીરાના પરિવારજનોએ ઘટના અંગે ફરિયાદ આપવાનું ટાળતા પોલીસે પરપ્રાંતિય યુવાનને સાંજે છોડી મુક્યો હતો.

સગીરાની છેડતી કરનાર પરપ્રાંતિય યુવાનને પોલીસે છોડી મુક્યો હોવાના સમાચાર વાયુવેગે ફેલાતા મોટી સંખ્યામાં કરચેલીયા તેમજ આજુબાજુના ગામના યુવાનોએ કરચેલીયા ગામે ભેગા થઈ આ ઘટનાનો વિરોધ શરૂ કર્યો હતો. લગભગ ૫૦૦ થી વધુ વ્યક્તિઓનું ટોળુ ભેગુ થતા ધીરે ધીરે કરચેલીયા ગામનું વાતાવરણ તંગ બની ગયું હતું. અને ટોળાએ સગીરાની છેડતી કરનાર પરપ્રાંતિય યુવાનની દુકાનમાં પથ્થરમારો શરૂ કર્યો હતો.

કેટલાક યુવાનો દ્વારા દુકાનમાં મુકેલો સામાન બહાર કાઢી સામાનમાં આગ ચાંપી દીધી હતી. ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસ પણ રાત્રી દરમિયાન ઘટના સ્થળે દોડી આવી હતી. ટોળાએ પોલીસનો પણ ડર રાખ્યા વિના પોલીસની હાજરીમાં દુકાનમાં પથ્થરમારો કરી સામાનને આગ ચાંપી હતી.

ટોળાને અટકાવવા જનાર પોલીસ સાથે પણ ટોળાએ ઝપાઝપી શરૂ કરી દીધી હતી. અને પોલીસ પર પણ પથ્થરમારો કરતા એક પોલીસ કર્મચારીને માથામાં પથ્થર વાગતા ગંભીર ઘવાયો હતો. ટોળાને કાબુમાં લેવા કરચેલીયા ગામે જિલ્લાની પોલીસ ખડકી દેવામાં આવી હતી.

Most Popular

To Top