ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે. આ દરમિયાન ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂટે એક અઠવાડિયાની અંદર ફરીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની મેન્સની ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે, જ્યારે ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બુધવારે જાહેર થયેલી નવી યાદીમાં 34માં સ્થાને પહોંચી ગયો છે.
જો રૂટે લોર્ડ્સ ખાતે ભારત સામેની પાંચ મેચની શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં 104 અને 40 રન બનાવ્યા હતા. આ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડે 22 રનથી જીતી હતી. આ શાનદાર પ્રદર્શન સાથે તે તેની કારકિર્દીમાં આઠમી વખત વિશ્વનો નંબર વન બેટ્સમેન બન્યો. રૂટ હાલમાં 34 વર્ષનો છે અને ડિસેમ્બર 2014માં કુમાર સંગાકારા પછી તે સૌથી મોટી ઉંમરનો નંબર વન ટેસ્ટ બેટ્સમેન છે. શ્રીલંકાના ખેલાડીએ 37 વર્ષની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ અગાઉ રૂટે પોતાનું ટોચનું સ્થાન સાથી ખેલાડી હેરી બ્રુકના લીધે ગુમાવ્યું હતું. જોકે હવે બ્રુક કેન વિલિયમસન પછી ત્રીજા સ્થાને સરકી ગયો છે.
યશસ્વી અને પંતને આંચકો લાગ્યો
ભારતીય બેટ્સમેનોમાં ઓપનર યશસ્વી જયસ્વાલ અને વાઈસ કેપ્ટન ઋષભ પંત અનુક્રમે એક-એક સ્થાન નીચે સરકીને પાંચમા અને આઠમા સ્થાને પહોંચી ગયા છે. કેપ્ટન શુભમન ગિલ પણ ત્રણ સ્થાન નીચે સરકીને નવમા સ્થાને પહોંચી ગયો છે.
જાડેજાની મોટી છલાંગ
લોર્ડ્સમાં અણનમ 72 અને 61 રન બનાવનાર જાડેજા પાંચ સ્થાન ઉપર ચઢીને 34માં સ્થાને પહોંચી ગયો છે. આ જ મેચમાં 100 અને 39 રન બનાવનાર કેએલ રાહુલ પણ પાંચ સ્થાન ઉપર ચઢીને 35માં સ્થાને પહોંચી ગયો છે, જે જાડેજાથી એક સ્થાન પાછળ છે. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે લોર્ડ્સમાં 77 રન બનાવ્યા અને 5 વિકેટ લીધા બાદ ‘મેન ઓફ ધ મેચ’નો એવોર્ડ જીત્યો, જેના કારણે તે બેટ્સમેનોની યાદીમાં બે સ્થાન ઉપર 42માં અને બોલરોની યાદીમાં એક સ્થાન ઉપર 45માં સ્થાને પહોંચી ગયો.
બુમરાહનો દબદબો ચાલુ છે
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં પ્રભુત્વ જાળવી રાખ્યું છે. તે દક્ષિણ આફ્રિકાના કાગીસો રબાડા કરતાં 50 પોઈન્ટની લીડ સાથે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર સ્કોટ બોલેન્ડ 6 સ્થાનની છલાંગ લગાવીને પોતાના કારકિર્દીના શ્રેષ્ઠ છઠ્ઠાં સ્થાને પહોંચી ગયો છે. આ રીતે તે તેના ચાર સાથી દેશબંધુઓ પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, નાથન લિયોન અને મિશેલ સ્ટાર્ક સાથે ટોચના 10માં જોડાયો છે. ભારતીય ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર બોલરોની યાદીમાં 58માં સ્થાનેથી 46માં સ્થાને પહોંચી ગયો છે.