Business

સ્કૂલની જેમ કોલેજમાં પણ હવે પેરેન્ટ્સ-ટીચર્સ મિટીંગ ફરજિયાત?

સુરત: શાળાઓની જેમ હવે કોલેજો અને યુનિવર્સિટીઓમાં પણ પેરેન્ટ્સ-ટીચર મિટિંગ (PTM) ફરજિયાતરૂપે યોજાવાની રહેશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તમામ સરકારી યુનિવર્સિટીઓને સૂચના પાઠવીને દર ત્રણ મહિને એકવાર આવી બેઠક યોજવી ફરજિયાત બનાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ બેઠકમાં માતા-પિતાની સાથે દાદા-દાદી અથવા અન્ય વરિષ્ઠ કુટુંબીજનો પણ હાજર રહે એ માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.

  • યુનિવર્સિટીઓ અને કોલેજોમાં દર ત્રણ મહિને બેઠક યોજવાની સૂચના
  • પેરેન્ટ્સ-ટીચર મિટિંગ ફરજિયાત બનાવવા વિચારણા, દાદા-દાદી પણ આવશે

વિભાગ દ્વારા જાહેર પત્રમાં જણાવાયું છે કે, પરમાણુ કુટુંબની જીવનશૈલીમાં વડીલો અને યુવાનો વચ્ચે અંતર વધી ગયું છે. આથી બંને પેઢીઓ વચ્ચે સંવાદ ઊભો કરવા રાષ્ટ્રપતિના સંદેશનો આધાર લઇ નિર્ણય લેવાયો છે. કોલેજોમાં શૈક્ષણિક પ્રગતિ સાથે જ પરિવારમાં સકારાત્મક સંવાદ તેમજ વડીલોના અનુભવ અને મૂલ્યો સાથે જોડાણ વધે એ અભિપ્રાયથી આ પહેલ થઈ છે.

શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે, આ પેરેન્ટ્સ મિટિંગ દર ત્રિમાસિક ગાળે યોજાય, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને દાદા-દાદી/માતા-પિતાનો સામૂહિક સંવાદ શક્ય બને એ માટે આયોજન કરવું રહેશે. તેમજ દરેક કોલેજે આ બેઠકના અમલ અંગેની વિગતો દર ત્રિમાસિકે રિપોર્ટ તરીકે રજૂ કરવો પડશે.

કોલેજ સંચાલકોની દિશાહીનતા
આ નવીન ફરમાનથી કોલેજ અને યુનિવર્સિટી સંચાલકોમાં તણાવનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને યુવાનો માટે પેરેન્ટ્સ મિટિંગ જેવી શાળાકીય રીતો કોણે સ્વીકારી એ અંગે તેઓમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે. શિક્ષણ વિભાગે અત્યાર સુધી કોઈ સ્પષ્ટ ગાઈડલાઈન જાહેર નથી કરી કે કોલેજ સ્તરે વડીલોની ઉપસ્થિતિ કેવી રીતે સુનિશ્ચિત કરવી અને આ બેઠકનું ફોર્મેટ શું રહેશે. પરિણામે સંસ્થાઓ વચ્ચે શંકાઓ જોવા મળી રહી છે.

Most Popular

To Top