સુરત જિલ્લાના માંડવી તાલુકામાં વરેહ નદીના કિનારે આવેલું ગવાછી ગામ સરકારી યોજનાઓ અને ગ્રામજનોના સામૂહિક પ્રયાસોને કારણે વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. તાલુકા મથક માંડવીથી ૧૫ કિલોમીટર અને જિલ્લા મથક સુરતથી ૪૫ કિલોમીટર દૂર આવેલું આ ગામ ખેતી અને પશુપાલનને મુખ્ય વ્યવસાય તરીકે અપનાવીને આર્થિક રીતે પણ સક્ષમ બની રહ્યું છે. ૧૮૧૧ની વસતી ધરાવતું આ સંપૂર્ણ આદિવાસી વસતીવાળું ગામ છે. ૨૦૧૧ની વસતી ગણતરી મુજબ ગામમાં ૯૯.૨ ટકા આદિવાસી વસતી રહે છે, જેમાં મુખ્યત્વે ચૌધરી અને વસાવા સમાજના લોકોનો સમાવેશ થાય છે. તેણે શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે. ગામ ૪૧૨.૭૫ સ્ક્વેર કિ.મી. વિસ્તારમાં ફેલાયેલું છે. ગામને ખંજરોલી, પીપરિયા, વેગી, ખરોલી અને નરેણ ગામની સીમા અડે છે. ગામનો મુખ્ય વ્યવહાર અરેઠ અને બારડોલી તાલુકાના કડોદ ગામ સાથે છે. તેઓ બજાર કે અન્ય જીવનજરૂરી ચીજવસ્તુ ખરીદી કરવા માટે કડોદ કે અરેઠ ગામે જાય છે. જ્યારે સરકારી કામકાજ માટે તેમણે તાલુકા મથક માંડવી જવું પડે છે. ગામમાં મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે. સમગ્રતયા ગવાછી ગામ એ સરકારી યોજનાઓ, મજબૂત આંતરમાળખું, સક્રિય ગ્રામ પંચાયત અને ગ્રામજનોના સામૂહિક પ્રયાસોનું જીવંત ઉદાહરણ છે. ખેતી અને પશુપાલનના વિકાસ સાથે, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓમાં પણ ગામ સતત પ્રગતિ કરી રહ્યું છે. આદર્શ ગામ તરીકે ગવાછી અન્ય ગામો માટે એક પ્રેરણાદાયક દૃષ્ટાંત પૂરું પાડે છે.
ભવાની માતાના પૌરાણિક મંદિરે લોકો બાધા-માનતા રાખે છે

ગામમાં ભવાની માતાનું પૌરાણિક મંદિર આવેલું છે. ગામના આગેવાન અને માંડવી તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ લલ્લુભાઈ ચૌધરી જણાવે છે કે, લોકવાયકા મુજબ અમારું ગામ વરેહ નદીના કિનારે આવેલું છે. અહીં માતાજી પુલ બનાવતા હતા. જે પુલ બનાવતા બનાવતા સવાર થઈ ગઈ, પરંતુ પુલ પૂરો ન થયો. આથી કમ અધૂરું રહ્યું. જેનાં અવશેષો આજે પણ અહીં પથ્થર સ્વરૂપે જોવા મળે છે. વડવાઓના જણાવ્યા અનુસાર અહીં વર્ષોથી ભવાની માતાનું પૂજન થાય છે. ગામના જ નહીં, પરંતુ અન્ય દૂર દૂરના ગામથી પણ લોકો બાધા માનતા રાખે છે અને તે પૂર્ણ થાય છે. મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે. કહેવાય છે કે, મંદિરની બાજુમાં એક ભોંયરું હતું. જે ભોંયરું શાંતિનગર ફળિયા સુધી જતું હતું. દેવપૂજન થતું ત્યારે મંદિર પાસે ભોંયરામાં એક મરઘી દાખલ કરાવવામાં આવતી જે શાંતિનગર પાસે નીકળતી હતી. જો કે, હવે મંદિરના નવનિર્માણ બાદ આ ભોંયરું જોવા મળતું નથી. જો કે, મંદિર ગામના લોકોનું આસ્થાનું પ્રતીક છે.
પાયાની સુવિધાઓનો સુભગ સંગમ

સરકારી યોજનાઓ આજે ઘરેઘરે પહોંચી છે. જેનું ઉત્તમ ઉદાહરણ ગવાછી ગામમાં જોવા મળી રહ્યું છે. ગામના વિકાસની વાત આવે તો ગ્રામજનો પણ ચુંટાયેલા પ્રતિનિધિઓને સહકાર આપે છે. આથી જ અહીં પાયાની સુવિધાઓ જેવી કે પાણી, વીજળી, રસ્તા અને ગટર વ્યવસ્થા સંપૂર્ણપણે ઉપલબ્ધ છે. ‘નળ સે જળ’ યોજના હેઠળ ગામના દરેક ઘરમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે, જે ગ્રામ પંચાયતની એક મોટી સફળતા છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા ગામમાં કુલ ૧૧ પાણીની ટાંકીઓ બનાવવામાં આવી છે, જે ઘર વપરાશ તેમજ પશુઓ માટે પાણીની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે. દરેક ફળિયામાં બોરવેલની વ્યવસ્થા પણ પાણીની અછતને દૂર કરવામાં મદદરૂપ થઈ છે. વીજળીની બાબતમાં જ્યોર્તિગ્રામ યોજના હેઠળ ગામમાં ૨૪ કલાક ઘરેલું વીજળી ઉપલબ્ધ છે, જે ગ્રામજનોના જીવનધોરણને ઊંચું લાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. રસ્તાની સુવિધા પણ ઉત્તમ છે. ગામનાં દરેક ફળિયાં, જેમાં નાની ગવાછી, મોટી ગવાછી, નિશાળ ફળિયા અને નવી ગવાછી ફળિયાનો સમાવેશ થાય છે, ત્યાં ગ્રામ પંચાયત દ્વારા સીસી રોડ અને ડામર રોડની સગવડ પૂરી પાડવામાં આવી છે. આ સુવિધાઓ ગામના આંતર માળખાકીય વિકાસને દર્શાવે છે. આ ઉપરાંત ગામમાં વાહન વ્યવહારની સુવિધા પણ ઉપલબ્ધ છે. ગામમાં સવારે બે અને સાંજે બે એમ ચાર એસટી બસ આવે છે. જે ગામના લોકો માટે તાલુકા મથક કે અન્ય સ્થળે જવામાં સરળતા રહે છે.
ગામના લલ્લુભાઈ ચૌધરી માંડવી APMCના પ્રમુખ તરીકે કાર્યરત

ગામના લલ્લુભાઈ નારણભાઈ ચૌધરી સહકારી અને રાજકીય આગેવાન છે. તેમના પત્ની ઝીણાબેન હાલમાં ગામમાં સરપંચ પદે છે. તેઓ બે ટર્મથી સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે. લલ્લુભાઈ પણ અગાઉ સરપંચ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ માંડવી તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ(APMC)ના અધ્યક્ષ પદે કાર્યરત છે. આ ઉપરાંત ગામની ગવાછી સેવા સહકારી મંડળી લિ. ના પ્રમુખ તરીકે કાર્યરત છે. ગવાછી દુધ મંડળીમાં પણ 12 વર્ષ મંત્રી તરીકે અને 7 વર્ષ પ્રમુખ તરીકે સેવા આપી છે. તેઓ સહકરિતાની સાથે સાથે રાજકીય ક્ષેત્રે પણ સક્રિય રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં ખરોલી તાલુકા પંચાયત બેઠકના સંયોજક તરીકે તેમની નિમણૂક થયેલી છે.