અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન (AI171) દુર્ઘટનાની તપાસ હવે એક મહત્વપૂર્ણ તબક્કામાં છે. અકસ્માતના લગભગ એક મહિના પછી એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રારંભિક અહેવાલમાં દુર્ઘટનાના કારણો શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રારંભિક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વિમાને ટેકઓફ બાદ થોડીક સેકન્ડોમાં જ તેનું સંતુલન ગુમાવી દીધું હતું અને ઇમારત સાથે જઈ અથડાયું હતું. આંખના પલકારામાં 260 લોકોના મોત થયા હતા.
સમાચાર એજન્સી અનુસાર, અહેવાલમાં ખુલાસો થયો છે કે ઉડતી વખતે વિમાનનો કંટ્રોલ કો-પાયલટના હાથમાં હતો, જ્યારે કેપ્ટન માત્ર મોનિટરિંગ કરી રહ્યા હતા અને પછી અચાનક વિમાનના બંને એન્જિનને મળતું ફ્યુઅલનો પુરવઠો બંધ થઈ ગયો.
વાસ્તવમાં, એર ઇન્ડિયાનું વિમાન (AI171) 12 જૂનના રોજ બપોરે 1:38 વાગ્યે અમદાવાદથી લંડન માટે ઉડાન ભરી હતી. આ વિમાન બોઇંગ 787-8 ડ્રીમલાઇનર હતું. તે ટેક્નિકિલી ખૂબ જ અદ્યતન અને વિશ્વસનીય માનવામાં આવે છે. તે વિશ્વના સૌથી સુરક્ષિત વિમાનોમાંનું એક માનવામાં આવે છે. આ વિમાનના કોકપીટમાં બે પાયલટ હતા, કેપ્ટન સુમિત સભરવાલ અને કો-પાયલટ ક્લાઇવ કુંદર.
કેપ્ટન સુમિત સભરવાલ (56 વર્ષ) એક સિનિયર ટ્રેનિંગ પાયલટ હતા જે પાયલટ્સને તાલીમ આપવાની જવાબદારી પણ સંભાળતા હતા. કેપ્ટન સભરવાલને 15,638 કલાકથી વધુ ઉડાનનો અનુભવ હતો. જેમાંથી તેમણે બોઇંગ 787 પર 8596 કલાક ગાળ્યા હતા. આ ઉપરાંત, કો-પાઇલટ ક્લાઇવ કુંદર (32 વર્ષ) પણ અનુભવી હતા અને તેમણે ડ્રીમલાઇનરમાં 1100 કલાકથી વધુ ઉડાન ભરી હતી. કુંદર 2017માં એર ઇન્ડિયામાં જોડાયા હતા. કુંદરનો કુલ ઉડાનનો અનુભવ 3403 કલાક હતો.
પ્રારંભિક તપાસ અહેવાલમાં જાણવા મળ્યું છે કે કો-પાયલોટ વિમાન ઉડાડી રહ્યા હતા, જ્યારે કેપ્ટન સભરવાલ મોનિટરિંગ કરી રહ્યા હતા. ટેકઓફ કર્યાની થોડીક સેકન્ડ પછી એન્જિન 1 અને 2 ના ફ્યુઅલ સ્વીચ અચાનક ‘RUN’ થી ‘CUTOFF’ સ્થિતિમાં ખસી ગયા. કોકપીટ વોઇસ રેકોર્ડરમાં એક પાયલટે પૂછ્યું, તમે ફ્યુઅલ કેમ બંધ કર્યું? આના પર, બીજો પાયલોટ કહે છે, મેં તેને બંધ કર્યું નથી. થોડીક સેકન્ડમાં MAYDAY નો કોલ આવે છે. આ પછી તરત જ વિમાને નિયંત્રણ ગુમાવ્યું અને અમદાવાદ એરપોર્ટથી થોડા અંતરે મેડિકલ કોલેજ હોસ્ટેલ સાથે અથડાયું.
રિપોર્ટમાં બીજા શું ખુલાસા કરાયા છે?
એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રારંભિક અહેવાલ મુજબ ટેકઓફ પછી તરત જ વિમાનના બંને એન્જિનને ઇંધણ પૂરું પાડતી સ્વીચો બંધ થઈ ગઈ હતી જેના કારણે એન્જિને કામ કરવાનું બંધ કરી દીધું. ત્યાર બાદ તરત જ બંને પાયલટ્સ વચ્ચેની વાતચીત કોકપીટ વોઇસ રેકોર્ડરમાં રેકોર્ડ થઈ છે.
વિમાને ભારતીય સમય મુજબ બપોરે 1:38:39 વાગ્યે ઉડાન ભરી અને માત્ર 26 સેકન્ડ પછી 08:09:05 વાગ્યે એક પાયલોટે ‘મેડે… મેડે… મેડે…’ એવો કટોકટી સંદેશ આપ્યો. થોડી જ વારમાં વિમાન એરપોર્ટની સીમાની બહાર એક મેડિકલ કોલેજ હોસ્ટેલ સાથે અથડાયું. વિમાનના એન્જિન N1 અને N2 માં ગતિ ધીમે ધીમે ઓછી થતી ગઈ કારણ કે બળતણ પુરવઠો અચાનક બંધ થઈ ગયો. જોકે, તપાસમાં ફ્યુઅલ ટેન્ક અને બાઉઝરમાંથી લેવામાં આવેલા નમૂના સંતોષકારક જણાયા.
AAIB એ જણાવ્યું હતું કે બંને એન્જિનને કાટમાળમાંથી દૂર કરવામાં આવ્યા છે અને એરપોર્ટ પર સુરક્ષિત હેંગરમાં રાખવામાં આવ્યા છે. અકસ્માત સ્થળ પર ડ્રોન ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરવામાં આવી છે અને તપાસ માટે મહત્વપૂર્ણ ભાગોને અલગ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી તપાસમાં કોઈપણ પ્રકારના કાવતરા કે ટેકનિકલ ખામીની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. રિપોર્ટમાં બોઇંગ 787-8 અથવા તેના GE GEnx-1B એન્જિનના સંચાલકો સામે કોઈ કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી નથી. હાલમાં, તપાસ ચાલુ છે અને આગામી અઠવાડિયામાં અંતિમ અહેવાલમાંથી ઘણા વધુ પાસાઓ પ્રકાશમાં આવી શકે છે.
એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં 260 લોકોના મોત થયા હતા, જેમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યોનો સમાવેશ થતો હતો. ફક્ત એક જ મુસાફર બચી ગયો હતો.