અમદાવાદ એરપોર્ટ નજીક થયેલી એર ઇન્ડિયાની દુર્ઘટનાની તપાસમાં નવો વળાંક આવ્યો છે. ભારતીય અકસ્માત તપાસ બ્યુરો (AAIB) દ્વારા પ્રકાશિત પ્રારંભિક અહેવાલમાં ખુલાસો થયો છે કે ટેકઓફ થયા પછી માત્ર 30 સેકન્ડમાં વિમાન ક્રેશ થયું હતું, કારણ કે બંને એન્જિન અચાનક બંધ થઈ ગયા હતા.
એન્જિન કેમ બંધ થયું?
15 પાનાના આ અહેવાલ અનુસાર, Boeing 787-8 ડ્રીમલાઇનર વિમાને ટેકઓફ સમયે 180 નોટ્સની મહત્તમ એરસ્પીડ હાંસલ કરી હતી. પરંતુ તેના તરતબાદ બંને એન્જિનના ફ્યુઅલ કટઓફ સ્વીચ રન પોઝિશનથી કટઓફ પોઝિશન પર ખસેડી દેવામાં આવ્યા હતા, તે પણ માત્ર 1 સેકન્ડના અંતરમાં. પરિણામે એન્જિનમાં ફ્યુઅલ આવવાનું બંધ થઈ ગયું અને તે બંધ થઈ ગયા હતા.
કોકપીટમાં પાઇલટ્સ વચ્ચે ચર્ચા:
કોકપીટ વોઇસ રેકોર્ડરથી મળેલી માહિતી પ્રમાણે પાઇલટ સુમિત સુભરવાલે દુર્ઘટના સમયે તેના કો-પાઇલટ ક્લાઇવ કુંદરને પૂછ્યું: “તમે એન્જિનનું ઇંધણ કેમ બંધ કર્યું?” જેના જવાબમાં કો-પાઇલટે કહ્યું કે ‘મેં કંઈ કર્યું નથી’. આ વાતચીત ઘટનાને વધુ રહસ્યમય બનાવી દે છે, કારણ કે બંને પાઇલટ્સ એન્જિન બંધ કરવાની જવાબદારીથી ઈનકાર કરે છે.
કાટમાળ અને ટેકનિકલ તપાસ:
AAIB દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિમાનના કાટમાળને સુરક્ષિત સ્થળે રાખવામાં આવ્યો છે અને ડ્રોન દ્રારા સમગ્ર સ્થળનું ફોટોગ્રાફી તથા વિડિયોગ્રાફી કરવામાં આવ્યું છે. જોકે, અત્યાર સુધીની તપાસમાં બોઇંગ વિમાન કે એન્જિન ઉત્પાદક કંપની સામે કોઈ જવાબદારી નક્કી થઈ નથી.
EAFR ડેટામાંથી મળશે સત્ય?
વિમાનના પાછળના ભાગમાં આવેલા એક્સટેન્ડેડ એરફ્રેમ ફ્લાઇટ રેકોર્ડર (EAFR)ને ભારે નુકસાન થયું છે. તેને ખાસ ટેકનિકથી રિકવર કરવામાં આવી રહ્યો છે. આગળના ભાગમાંથી ડેટા સફળતાપૂર્વક મેળવી લેવામાં આવ્યો છે. સાથે જ, એકમાત્ર બચી ગયેલા મુસાફર તથા પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા છે.
તપાસ હજુ ચાલુ છે અને આવનારા દિવસોમાં વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.