SURAT

‘ખાડા પુરાવો નહીં તો…’, આખરે મેડમ કમિશનરે અધિકારીઓને વોર્નિંગ આપી, જાણો શું કહ્યું…

સુરત: હાલમાં ચોમાસાની શરૂઆતમાં જ સુરતના રસ્તા ચંદ્રની ધરતી જેવા થઈ ગયા છે. રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે તે શોધવું મુશ્કેલ બની ગયું છે. ખાઈબદેલા કોન્ટ્રાકટરો અને ભ્રષ્ટ અધિકારીઓને કારણે સુરતીઓની કમર તૂટી રહી છે. સુરત મહાપાલિકા પર ખાડાઓ મામલે ભારે પસ્તાળ પડતાં મ્યુનિ.કમિ. શાલિની અગ્રવાલે આજે મનપાના અધિકારીઓનો ઉધડો લઈ નાખ્યો હતો.

  • કોન્ટ્રાકટરો પાસે તાત્કાલિક ખાડા પુરાવો, નહીં તો તમને શો-કોઝ આપી દેવાશે
  • રસ્તા રિપેરિંગના રિવ્યુ માટે બોલાવાયેલી બેઠકમાં મ્યુનિ.કમિ. શાલિની અગ્રવાલની અધિકારીઓને ચિમકી
  • ખાડા પુરવાની સાથે રસ્તા સુધારવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવા માટે મ્યુનિ.કમિ.નો આદેશ

કમિ. દ્વારા અધિકારીઓને સીધી ચિમકી આપી દેવામાં આવી હતી કે રસ્તાઓ પર ખાડા પડવાના મુદે તમે કોન્ટ્રાકટર સામે શું કાર્યવાહી કરી છે તેની વિગતો જણાવો, માત્ર કાગળ પર કામ કરવાથી નહી ચાલે. કોન્ટ્રાકટર સામે કડકાઇથી કામ કરવું પડશે. જો તમે કોન્ટ્રાકટરોને ‌નોટિસ નહી આપશો તો હું તમને શો-કોઝ નોટીસ આપીશ. કમિ.ની ચિમકીને પગલે અધિકારીઓમાં સોંપો પડી જવાની સાથે હવે ખાડા પૂરવાની કામગીરી ઝુંબેશ તરીકે ચાલે તેવી સંભાવના છે.

આખા સુરત શહેરમાં ઠેરઠેર રસ્તાઓમાં ખાડા પડી ગયા છે. કેટલાક ઠેકાણે તો વાહનચાલકો પડી જાય તેવી સ્થિતિ છે છતાં પણ મનપાના જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. ખાડાઓ ઘટવાને બદલે વધતા જ રહેતા આખા શહેરમાં લોકોમાં ભારે આક્રોશની લાગણી છે. મ્યુનિ.કમિ. દ્વારા ખાડાઓ પૂરવા માટે આદેશો કરી જ દેવામાં આવ્યા હતા પરંતુ ખાડાઓની સમસ્યા યથાવત રહેતા આજે મ્યુનિ.કમિ. દ્વારા ખાડા પુરવાની કામગીરીનો રિવ્યુ કરવામાં આવ્યો હતો.

કમિ.ના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં ક્ષતિગ્રસ્ત રોડ રિપેરિંગ કામગીરીની સમીક્ષા કરાઈ હતી. કમિ. શાલિની અગ્રવાલ દ્વારા કેટલાïક ઝોનો તરફથી ડીએલપી હેઠળના કેટલાક રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થવા બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે? તે અંગે સ્પષ્ટતા પૂછવામાં આવતા તમામ ઝોનલ અધિકારીઓના, ઝોનલ ચીફોના મોઢા બંધ થઇ ગયા હતા.

એક ઝોનલ ચીફ દ્વારા ઇજારદારને નોટિસ આપવામાં આવી હોવાની માહિતી રજૂ કરવામાં આવતા કમિ.એ ફકત કાગળ પર કામગીરી નહીં, ડીએલપી હેઠળના તૂટેલા રસ્તાઓ બાબતે ઇજારદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની તાકીદ કરી હતી. એટલું જ નહીં, ત્રણ દિવસમાં દરેક ઝોન, આરડીડી વિભાગ દ્વારા આ અંગે કાર્યવાહીïનો રિપોર્ટ રજુ કરવા તાકીદ કરી હતી.

એક અધિકારીએ કહ્યું હતું કે, મેડમ, તમામ રસ્તા ડીએલપી (ડીફેક્ટ લાઇબેલિટી પિરીયડ)માં આવે છે. એટલે કોન્ટ્રાકટર પાસે રસ્તા રિપેરિંગ કરાવી લઇશું. આ જવાબ સાંભળી મનપા કમિશનર વધુ અકળાયા હતા. તેમણે કહ્યું હતું કે, રસ્તાની ડીએલપી બાકી હોય તો શું રસ્તા પર ખાડા પડવા જોઇએ ? મનપા કમિશનરને અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં સુચના આપી દીધી હતી કે, જો કોન્ટ્રાટ્કરો સામે કડકાઈથી કામ નહી લેવાશે તો તમને શો-કોઝ આપી દઈશ.

Most Popular

To Top