નેશનલ હાઈવે 48 તથા 8 પર ટ્રક ચાલક તથા ઝોમેટાના કર્મચારીને લૂંટી લેનાર પાંચ આરોપીની ધરપકડ
વડોદરા તારીખ 10
નેશનલ હાઈવે 48 તથા 8 પર ટ્રક ચાલક અને બાઈક સવાર ઝોમેટોના કર્મચારીને લૂટી લેનાર ગેંગના પાંચ સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય એક આરોપી નહીં પકડાતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે. આરોપીઓ પાસેથી રૂ.1.50 લાખ ઉપરાંત નો મુદ્દામાલ પણ રિકવર કરી લેવામાં આવ્યો છે.
નેશનલ હાઇવે 48 પર ટ્રક કપાસ ભરીને મહારાષ્ટ્ર થી રાજકોટ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન જીએસએફસી સર્વિસ રોડ પર 9 જુલાઈ ના રોજ રાત્રિના સમયે ટ્રક ચાલકને મોપેડ સવાર ટોળકીએ આતર્યો હતો. ત્યારબાદ હિન્દી ભાષામાં તું એકસીડન્ટ કરકે ક્યુ ભાગા તેમ કહીને ઉભો રખાવ્યો હતો. ત્યારબાદ આ ગેંગ દ્વારા ડ્રાઇવર સહિત બે જણાને ચાકુ બતાવી તેમની પાસેથી રોકડા રૂપિયા અને બે મોબાઇલ મળી રૂ. 14 હજાર મતાની લૂંટ ચલાવી હતી. ત્યાર બાદ આ ટોળકી સ્થળ પરથી ફરાર થઈ થઈ ગઈ હતી. જેથી ટ્રક ચાલકે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉપરાંત બીજા બનાવમાં નેશનલ હાઇવે 8 પર એલ એન્ડ ટી કંપની સામે ઝોમેટોમાં નોકરી કરતા યુવકને પણ આ ગેંગના ત્રણ સાગરીતોએ લૂંટી લીધો હતો. જેની બાપોદ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ થઈ હતી. ત્યારે છાણી પોલીસ, બાપોદ અને ક્રાઈમ બ્રાન્ચ સહિતની અલગ અલગ ટીમો બનાવીને હાઇવે પર લગાવેલા સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ ના આધારે આ ગેંગની શોધખોળ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન લુટારુ ટોળકીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. જેમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. પાંચ આરોપીઓ પાસેથી પોલીસે બે મોબાઈલ, રોકડ રકમ, એક મોપેડ અને બે બાઈક તેમજ ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલું ચાકુ મળી રૂપિયા 1.56 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.
એસીપી ડીજે ચાવડાએ જણાવ્યુ હતું કે છાણી તથા બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઈક સવાર ગેંગ દ્વારા ટ્રક ચાલક અને ઝોમેટોમાં નોકરી કરતા યુવકને લૂંટી લીધો હતો. જેમાંથી પાંચ આરોપીની ધરપકડ કરી લેવાઈ છે અને આ પાંચ આરોપી વડોદરાના જ છે. આ ગેંગ હાઈવે પર એકલ દોકલ જતા વાહન ચાલકોને આતરીને લૂંટ ચલાવતી હોવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. લૂંટ કરેલો તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને જે ફરાર આરોપી છે તેની પણ શોધખોળ કરાઇ રહી છે.