બારડોલી : બારડોલી માર્ગ મકાન વિભાગ અકસ્માતની રોહ જોઈ રહ્યું હોય તેમ બારડોલીથી નવસારી જતાં રાજ્ય ધોરી માર્ગ નંબર 88 પર અર્ધી સદી વટાવી ચૂકેલા બે પુલ જર્જરિત હોવા છતાં તેના પર વાહન વ્યવહાર ચાલી રહ્યો છે. જોખમી બનેલા આ બંને પુલ ભયાનક વળાંક પર હોય અકસ્માત થવાની પણ સંભાવના છે. જો કે વિસ્તારના લોકોની વર્ષોની માગ છતાં અધિકારીઓ કે સ્થાનિક નેતાઓ પણ આ બાબતે ઉદાસીન જોવા મળી રહ્યા છે.
તાજપોર કોલેજ નજીક આવેલી ડભોઇ ખાડી પરના જર્જરિત થયેલા પુલને રંગરોગાન કરી મજબૂત દેખાડવાનો પ્રયાસ
સરભોણની રગડ ખાડીના પુલની સિમેન્ટની રેલિંગ તૂટતા લોખંડની રેલિંગ લગાવી ઢાંક પિછોડો કરવામાં આવી રહ્યો છે
અર્ધી સદી વટાવી ચૂકેલા જોખમી બનેલા આ બંને પુલ ભયાનક વળાંક પર હોવાથી અકસ્માતની પણ સંભાવના
બારડોલીથી નવસારી જતાં રોડ પર તાજપોર કોલેજ નજીક આવેલી ડભોઇ ખાડી પરનો પુલ અડધી સદી વટાવી ચૂક્યો છે. પુલ પર બનાવવામાં આવેલી રેલિંગ તૂટી જતાં મજબૂતીકરણના નામે માર્ગ મકાન વિભાગ દ્વારા લોખંડની રેલિંગ ફિટ કરવામાં આવી છે. લોખંડની રેલિંગની પાછળ જઈને જોવામાં આવે તો પુલની વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવી શકે એમ છે.
સન 1965માં બનેલા આ પુલને હાલ 60 વર્ષનો થયો છે. પુલ પર વખતોવખત રંગરોગાન કરી જર્જરિત થયેલા પુલને ઉપર ઉપર મજબૂત દેખાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પુલની બંને બાજુ પર ભયજનક વળાંક હોવાથી ઘણી વખત પુલને છેડે આવેલી રેલિંગ સાથે વાહનો અથડાવવાના બનાવો બને છે. જેને કારણે પુલની રેલિંગને પણ મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે. નજીકમાં જ મોટું કોલેજ કેમ્પસ આવેલી હોય વિદ્યાર્થીઓની અવરજવર પણ આ પુલ પરથી થતી રહે છે. પુલની જર્જરિત થતી હાલતને કારણે મોટા અકસ્માતની સંભાવના વ્યક્ત કરાઇ રહી છે. અકસ્માતને કારણે તૂટેલી રેલિંગનું પણ સમારકામ કરવામાં આવ્યું નથી.
એટલું જ નહીં પાંચ કિમીના અંતરે સરભોણ પાસે આવેલી રગડ ખાડીના પુલની પણ આ જ હાલત છે. વર્ષ 1975-76માં બનેલ આ પુલ પણ 50 વર્ષ જૂનો થયો છે. તેની હાલત પણ ખરાબ છે. સિમેન્ટની રેલિંગ તૂટવા લાગી હોય માર્ગ મકાન વિભાગ દ્વારા લોખંડની રેલિંગ લગાવી તેનો ઢાંક પિછોડો કરવામાં આવી રહ્યો છે. આ પુલની બંને તરફ પણ ભયજનક વળાંક આવેલા છે.
નવા પુલ માટે દરખાસ્ત કરી દેવામાં આવી છે
આ અંગે બારડોલી માર્ગ મકાન વિભાગ (રાજ્ય)ના નાયબ કાર્યપાલક ઇજનેર ભૂપેશ ચૌધરીને પૂછતાં તેમણે જણાવ્યુ હતું કે, આ પુલનું સમારકામ અને મજબૂતિકરણનું કામ કરવામાં આવ્યું છે, નવા પુલ માટે પણ દરખાસ્ત કરી દેવામાં આવી છે.
સ્થાનિક નેતાઓ ટ્રાફિકથી ધમધમતા આ માર્ગને ચાર માર્ગીય કરવામાં નિષ્ફળ
રાજ્ય ધોરી માર્ગ નંબર 88 માંડવીના તરસાડાથી કડોદ, બારડોલી, સરભોણ થઈ નવસારી સુધી જાય છે. આ માર્ગ બે જિલ્લાને તેમજ ત્રણ રાષ્ટ્રીય માર્ગને જોડે છે. નવસારી જિલ્લામાં આ માર્ગને ચારમાર્ગીય બનાવી દેવામાં આવ્યો છે. પરંતુ સુરત જિલ્લામાં આ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ માર્ગ બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર, માંડવીના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ અને બારડોલી સાંસદ સભ્ય પ્રભુ વસાવાના મત વિસ્તારમાંથી પસાર થાય છે. જો કે સ્થાનિક નેતાઓ દ્વારા ટ્રાફિકથી ધમધમતા આ માર્ગને ચાર માર્ગીય કરવામાં નિષ્ફળ રહ્યા હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઇ રહ્યું છે. નેતાઓ રસ્તો ચાર માર્ગીય નહીં, પરંતુ રસ્તા પર આવેલા બે જોખમી પુલ નવા બને તે માટેની કાર્યવાહી કરે તે પણ ઘણુ હોવાનું લોકો જણાવી રહ્યા છે.